અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં શહેરની એક હોટેલમાંથી એક સીરિયન નાગરિકની ધરપકડ કરી લીધી હતી. તે શહેરમાં મુસ્લિમ વિસ્તારો અને ખાસ કરીને મસ્જિદોમાં ફરીને ગાઝાના નાગરિકોને મદદ કરવાના બહાને પૈસા ઉઘરાવતો હતો. તેની સાથે અન્ય ત્રણ શખ્સ પણ સંડોવાયેલા હોવાની જાણકારી છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. મસ્જિદો પાસેથી ઉઘરાવેલા પૈસા પછીથી આ ઇસમો વૈભવી જીવનશૈલી પાછળ ખર્ચવા માટે વાપરતા હતા.
પકડાયેલી વ્યક્તિની ઓળખ અલી મેઘાત અલ-અઝહર તરીકે થઈ છે. જ્યારે બાકીના ત્રણ શંકાસ્પદનાં નામ ઝકરિયા હૈતામ અલઝાર, અહેમદ અલ્હાબાશ અને યુસુફ અલ-ઝહર તરીકે થઈ છે. તમામ સીરિયાના નાગરિકો છે અને એક જ હોટેલમાં રહેતા હતા. તેઓ દેશ છોડી ન શકે તે માટે પોલીસે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે.
શહેરમાં અમુક ઈસમો ફરીને ગાઝાના ‘પીડિતો’ માટે ફંડ ઉઘરાવતા હોવાનાં ઇનપુટ્સ મળ્યા બાદ અમદાવાદ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમ્યાન એલિસબ્રિજ વિસ્તારની એક વૈભવી હોટેલમાં તપાસ કરતાં પોલીસને અલી મેઘાત અલ-ઝહર માલી આવ્યો હતો. તેની ઉપર શંકા જતાં પકડીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન તેણે પોતાને સીરિયાના દમાસ્કસનો નાગરિક ગણાવ્યો. પોલીસને જણાવ્યું કે તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને વિવિધ શહેરોમાં ફર્યો છે.
વધુ પૂછપરછ અને તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે આ શખ્સ અમદાવાદમાં વિવિધ મસ્જિદોમાં જતો હતો અને પોતે ગાઝાના પીડિતો પૈકીનો એક છે તેમ કહીને પૈસા ઉઘરાવતો હતો. તે અરબી ભાષાનો જાણકાર છે. તેની છાતી પર એક ગોળી વાગવાનું નિશાન પણ છે, તે બતાવીને ગાઝામાં પોતે ઈજા પામ્યો હોવાનું તૂત ચલાવતો હતો અને પૈસા ઉઘરાવતો હતો. ઉપરાંત ગાઝાના અમુક વિડીયો પણ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી રાખ્યા હતા, તેનો પણ ઉપયોગ સહાનુભૂતિ ઉઘરાવવા માટે કરતો હતો.
તમામ UAE થઈને ભારત પહોંચ્યા, પહેલાં કોલકાતા ગયા
તપાસમાં જાણવા મળ્યું કે આ એકલો નથી પણ તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે. તમામ લેબનોનમાં મળ્યા હતા. ત્યાંથી UAE થઈને ભારત પહોંચ્યા હતા. ગત 22 જુલાઈના રોજ તમામ કોલકાતા પહોંચ્યા અને ત્યાંથી 1 ઑગસ્ટે અમદાવાદ આવ્યા હતા.
પોલીસને જાણવા મળ્યું છે કે આ તમામે તેમને જે ફંડ મળ્યું હતું તેને હવાલા ચેનલ મારફતે બહારના દેશોમાં મોકલ્યું હતું. આ ભંડોળ કેટલું હતું, ક્યાં અને કયા દેશોમાં મોકલવામાં આવ્યું તે બાબતની તપાસ હાલ ચાલુ છે. પોલીસને જાણવા મળ્યું છે કે એક પણ રૂપિયો ગાઝા પહોંચ્યો નથી.
જાણકારી એવી પણ છે કે આ સીરિયને થોડા દિવસ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ વગેરે વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. આ જ વિસ્તારમાં થોડા સમય પહેલાં મોટેપાયે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પણ તગેડવામાં આવ્યા હતા. તે ત્યાં શું કામ ગયો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે અને CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તે અમુક સ્થાનિકો સાથે પણ સંપર્કમાં હોવાની આશંકા છે.
પોલીસ અનુસાર, આ તમામને ડિપોર્ટ કરી દેવામાં આવશે, જે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અન્ય ત્રણ ભાગી ન શકે તે માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસને આશંકા છે કે ગાઝાના કથિત પીડિતોના નામે પૈસા ઉઘરાવતી આવી અન્ય ગેંગ પણ દેશમાં સક્રિય હોય શકે અથવા આ જ ગેંગમાં અન્ય પણ ઇસમો સામેલ હોય શકે. જે બાબતની વિગતવાર તપાસ પણ ચાલી રહી છે અને કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.


