હોમપેજદેશવૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક વધીને થયો 33, 20-25 હજુ...

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક વધીને થયો 33, 20-25 હજુ ફસાયેલા હોવાની આશંકા: રાહત-બચાવકાર્ય ચાલુ

રેસ્ક્યૂ ઑપરેશનમાં ભાગ લેનારા અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે અને રેસ્ક્યુ ટીમો ગાયબ લોકોને શોધવા માટે કામ કરી રહી છે. ભૂસ્ખલનના કારણે યાત્રા માર્ગ પરનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે ઘણા યાત્રીઓ ફસાયા હતા.

- Advertisement -

જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે સ્થિત વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર 26 ઑગસ્ટે થયેલા ભૂસ્ખલનમાં 33 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગાયબ છે. 24 ઑગસ્ટથી ચાલુ ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની હતી, જેના કારણે યાત્રા માર્ગ પર મોટા પથ્થરો અને જમીન ધસમસી આવ્યાં હતાં. આ ઘટનાએ દેશભરમાં શોકની લાગણી ફેલાવી છે. વર્તમાનમાં પ્રભાવિતોને સહાય પૂરી પાડવા માટે તમામ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને PM મોદીએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

26 ઑગસ્ટે બપોરના 3 વાગ્યાની આસપાસ અર્ધકુમારી મંદિરથી થોડી દૂર ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય નજીક ભૂસ્ખલન થયું હતું. આ સ્થળે ઘણા યાત્રીઓ અને સ્થાનિક લોકો હાજર હતા. રેસ્ક્યૂ ઑપરેશનમાં ભાગ લેનારા અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે અને રેસ્ક્યુ ટીમો ગાયબ લોકોને શોધવા માટે કામ કરી રહી છે. ભૂસ્ખલનના કારણે યાત્રા માર્ગ પરનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે ઘણા યાત્રીઓ ફસાયા હતા.

રેસ્ક્યૂ ટીમોએ અત્યાર સુધીમાં 33 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે, પરંતુ ગાયબ લોકોની સંખ્યા હજુ પણ સ્પષ્ટ નથી. સાથે જ જમ્મુનો દેશ સાથેનો રોડ અને રેલ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. મંગળવારે રાત્રે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે રાત્રે 9 વાગ્યા પછી લોકોને કોઈપણ કારણ વગર ઘર છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તવી, ચિનાબ, ઉજ્જ સહિતની બધી નદીઓ ભયના સપાટીથી ઉપર વહી રહી છે.

- Advertisement -

જમ્મુમાં તાવી નદી પરના ભગવતીનગર પુલનો એક લેન તૂટી પડ્યો હતો, જ્યારે આ નદી પરના બે અન્ય પુલો પર સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. કઠુઆ નજીક પુલ તૂટી પડવાને કારણે જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર પહેલાથી જ પ્રભાવિત થયો હતો.

PM મોદીએ અને રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા

આ મામલે PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ X પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ લખ્યું હતું કે, “માતા વૈષ્ણોદેવી મંદિરના યાત્રા માર્ગ પર ભૂસ્ખલનમાં ઘણા શ્રદ્ધાળુઓના મૃત્યુની દુ:ખદ ઘટના અત્યંત પીડાદાયક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને રાહત અને બચાવ કામગીરીમાં સફળતા માટે પ્રાર્થના કરું છું.”

આ ઉપરાંત PM મોદીએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર રોડ પર ભૂસ્ખલનથી થયેલા જાનહાનિ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન ઘાયલોને વહેલી તકે સ્વસ્થ કરે. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”

નોંધનીય છે કે વર્તમાનમાં NDRF, સ્થાનિક પોલીસ, સેના અને મેડિકલ ટીમો રેસ્ક્યુ ઑપરેશનમાં લાગેલાં છે. ઑપરેશનમાં હેલિકોપ્ટર્સ અને ભારે મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ટીમોએ 30થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે અને 50થી વધુ લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાયબ લોકોની સંખ્યા હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ અંદાજે 20થી 25 લોકો હજુ પણ ફસાયેલા હોય શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં