વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન બાદ 30નાં મોત, અનેકને ઈજા: બચાવકાર્ય ચાલુ

જમ્મુ-કાશ્મીરના કટરા વિસ્તારમાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થવાથી અત્યાર સુધીમાં 30થી વધુ લોકોનાં મોત થયાં છે અને અનેક ઘાયલ થયા છે. દુર્ઘટનાને પગલે યાત્રા અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ, સ્થાનિક વહીવટી તંત્ર અને NDRF-સેનાની ટીમો સતત બચાવકાર્યમાં લાગેલાં છે.

ઘટનાસ્થળે NDRF અને રેસ્ક્યુ ટીમો સતત બચાવ કામગીરી કરી રહી છે. ભારે વરસાદને કારણે માર્ગ પર મોટા પથ્થરો પડ્યા છે, જેના કારણે કામગીરી મુશ્કેલ બની છે. ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, 23 લોકો ઘાયલ છે અને કેટલાક યાત્રીઓ હજુ ફસાયા હોવાની આશંકા છે. કટરા અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ બચાવકાર્ય ચાલી રહ્યું છે.

બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે ટેલિફોનિક વાત કરી કેન્દ્ર તરફથી પૂરો સહયોગ આપવાનું વચન આપ્યું છે. બીજી તરફ, વૈષ્ણોદેવી યાત્રા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે – 9906019460 અને 9906019446.

જમ્મુ-શ્રીનગર તેમજ કિશ્તવાડ-ડોડા હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ભૂસ્ખલનના કારણે પર્વતીય ક્ષેત્રના અનેક માર્ગોને નુકસાન થયું છે તો બીજી તરફ જમ્મુ આવતી ઘણી ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે.