હોમપેજગુજરાતગ્રાઉન્ડ રિપોર્ટ: રદ થઈ ગયેલા પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટના વિરોધના જોરે રાજકારણ...

ગ્રાઉન્ડ રિપોર્ટ: રદ થઈ ગયેલા પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટના વિરોધના જોરે રાજકારણ ચમકાવવાનો કોંગ્રેસીઓનો વધુ એક પ્રયાસ નિષ્ફળ

સાંસદ ધવલ પટેલે ઑપઇન્ડિયાને જણાવી હકીકત. ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પર પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું– સ્થાનિકોને કોંગ્રેસના રાજકારણમાં કોઈ રસ નહીં, સરકાર પર વિશ્વાસ.

- Advertisement -

મે, 2022માં ગુજરાત સરકારે સત્તાવાર રીતે રદ કરી દીધેલા પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટનું ભૂત હવે ફરી ધૂણ્યું છે. કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે સંસદના ચાલુ સત્ર દરમિયાન રજૂ કરેલા એક જવાબ પરથી ગેરસમજ ઊભી કરીને ફરીથી વિવાદને જન્મ આપવામાં આવ્યો, જેમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમતી કોંગ્રેસ પાર્ટી અને તેના અમુક નેતાઓનો સિંહફાળો છે. 14 ઑગસ્ટના રોજ કોંગ્રેસ નેતાઓએ વલસાડના ધરમપુરમાં એક રેલી પણ યોજી, પરંતુ તેને ધારેલો પ્રતિસાદ ન મળ્યો. બીજી તરફ, ડાંગ-વલસાડનાં ગામડાંના સ્થાનિકો હવે રાજકીય નેતાઓની વાતમાં આવતા જોવા મળી રહ્યા નથી. 

આ પ્રોજેક્ટ છેલ્લે 2022માં ભારે ચર્ચા અને વિવાદનું કારણ બન્યો હતો, જ્યારે ફેબ્રુઆરી 2022માં સંસદમાં રજૂ કરેલા વાર્ષિક બજેટમાં નાણામંત્રીએ આ પરિયોજના ઘોષિત કરી હતી. મૂળ રીતે 1980ના દાયકામાં તત્કાલીન કોંગ્રેસ સરકારે વિચારણા હેઠળ લાવેલા આ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ છેક 2022માં આપવામાં આવ્યું, પરંતુ ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ-વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો થયાં, જેમાં પણ કોંગ્રેસ નેતાઓ કેન્દ્રસ્થાને હતા. આદિવાસીઓનાં જળ-જમીન-જંગલ આંચકી લેવામાં આવશે તેવા પ્રચાર સાથે શરૂ થયેલાં પ્રદર્શનોએ જોર પકડતાં ગુજરાત સરકારે પ્રોજેક્ટ પડતો મૂકવાની ઘોષણા કરી હતી. 

મે, 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ મુદ્દા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને વિરોધ પણ શમી ગયો હતો. હવે ફરીથી કોંગ્રેસે મુદ્દો ઉપાડ્યો છે. કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન હોવા છતાં સંસદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતીને પકડી લેવામાં આવી અને ભ્રમણા ઊભી કરીને ફરી આંદોલનો શરૂ કરી દેવામાં આવ્યાં. 

- Advertisement -

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ કહે છે કે, “રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે દેશમાં રિવર લિન્કિંગની કેટલી પરિયોજનાઓ બની રહી છે? તેના જવાબમાં જળશક્તિ મંત્રાલય તરફથી જવાબ આપવામાં આવ્યો કે પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટનો DPR તૈયાર થઈ ગયો છે.” પરંતુ આ અર્ધસત્ય છે. હકીકત જાણવા માટે પ્રોજેક્ટનો થોડો ઇતિહાસ જાણવો પડશે. 

પાર-તાપી-નર્મદા રિવર લિન્ક પ્રોજેક્ટ સૌપ્રથમ 1980માં તત્કાલીન કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વૉટર કમિશન હેઠળના નેશનલ પર્સ્પેક્ટિવ પ્લાનમાં વિચારણા હેઠળ મૂકવામાં આવ્યો હતો. મૂળ ઉદ્દેશ્ય એ હતો કે પશ્ચિમ ઘાટની ત્રણ મુખ્ય નદીઓ– નાસિકથી વલસાડ થઈને મહારાષ્ટ્ર જતી પાર, મધ્યપ્રદેશથી નીકળીને મહારાષ્ટ્રથી સુરત આવતી તાપી અને એમપીથી ગુજરાતના ભરૂચથી વહેતી નર્મદાના સરપ્લસ પાણીનો સંગ્રહ કરીને તેને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોકલવામાં આવે. 

રિવર લિન્કિંગ પ્રોજેક્ટ માટે કુલ સાત ડેમ બનાવવાની યોજના હતી– ઝરી, મોહનકાવચલી, પૈખેડ, ચાસમંડવા, ચીકાર, ડાબદર અને કેળવણ. ઉપરાંત, બે ટનલ અને 395 કિલોમીટર લાંબી કેનાલ તેમજ 6 પાવરહાઉસ બનાવવાની યોજના હતી. આ ડેમમાંથી ઝરી નાસિકમાં બનવાનો હતો અને બાકીના તમામ વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં નિર્માણ પામનાર હતા. 

સાંસદ ધવલ પટેલે ઑપઇન્ડિયાને જણાવી હકીકત 

પ્રોજેક્ટ પર થયેલી કામગીરી વિશે ઑપઇન્ડિયાને જાણકારી આપતાં વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ કહે છે કે, મૂળ રીતે આ પ્રોજેક્ટ 1980માં કોંગ્રેસ સરકાર લાવી હતી. ત્યારપછી વર્ષ 2009માં તેનો FR (ફિઝિબિલિટી રિપોર્ટ) રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2011માં કોંગ્રેસ સરકાર જ પ્રોજેક્ટને આગળ લઈ ગઈ અને DPR બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી. 

વર્ષ 2015માં DPR પૂર્ણ કરવામાં આવ્યો, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રનાં અમુક સૂચનો હતાં, જેના આધારે ફરીથી સુધારા કરવામાં આવ્યા અને વર્ષ 2017માં છેલ્લો DPR મંત્રાલયને રજૂ કરવામાં આવ્યો હતો. 

વર્ષ 2022માં નાણામંત્રી નિર્મલા સીતારમણે વાર્ષિક બજેટમાં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, પરંતુ જે-તે સમયે ગુજરાતના આદિવાસી સમાજે વિરોધ કરતાં ગુજરાત સરકારે મે, 2022માં પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ વર્ષ 2023માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલીન જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ પ્રોજેક્ટ પર કામ કરવા માંગતી નથી. જેની ઉપર કેન્દ્રીય મંત્રીએ પણ વળતા પત્રમાં આશ્વાસન આપ્યું અને અને પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી. 

સાંસદ પટેલ જણાવે છે કે, ફેબ્રુઆરી 2025માં સંસદ સત્રમાં અમુક સાંસદોએ પ્રશ્નો કર્યા હતા, જેના જવાબમાં આ પ્રોજેક્ટ મંત્રાલયે DPR પૂર્ણ થયો હોવાની જાણકારી આપી હતી, પણ તે 2017ના DPRની વાત કરવામાં આવી છે. એપ્રિલ 2017 બાદ કોઈ DPR થયો નથી અને સરકારે પણ આમાં કોઈ કામગીરી કરી નથી. 

ઉલ્લેખનીય છે કે સાંસદ ધવલ પટેલે આ બાબતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયને એક પત્ર લખીને સ્પષ્ટતા માંગી હતી. જેના જવાબમાં મંત્રાલયે તાજેતરમાં તેમને એક પત્ર મોકલીને ફરી એક વખત સ્પષ્ટ કર્યું હતું કે પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. 

મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માર્ચ 2023માં મંત્રાલયે જણાવ્યું હતું કે પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટ ડિસ્કન્ટીન્યુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 14 ડિસેમ્બર, 2023ના રોજ મળેલી ઇન્ટરલિન્કિંગ ઑફ રિવર્સ માટેની સ્પેશિયલ કમિટીની બેઠકમાં પણ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી અને સત્તાવાર રીતે નોંધવામાં આવ્યું કે પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. આજે પણ આ સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. 

અહીં એ સ્પષ્ટ છે કે અનંત પટેલ અને કોંગ્રેસ નેતાઓ જે DPR તૈયાર થયો હોવાની વાત કરે છે, એ 2017ના રેકર્ડના આધારે જણાવવામાં આવ્યું હતું. એ હકીકત છે કે 2017માં DPR તૈયાર થયો હતો. પરંતુ ત્યારબાદ સરકાર પ્રોજેક્ટ રદ કરી ચૂકી છે એ પણ એક હકીકત છે. મંત્રાલયે માત્ર સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને ઔપચારિક માહિતી આપી હતી. એ જ મંત્રાલયે પછીથી સાંસદ ધવલ પટેલને લખેલા પત્રમાં એ પણ સ્પષ્ટતા કરી કે પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ નેતાઓ આ બધું જણાવી રહ્યા નથી. 

કોંગ્રેસ માત્ર રાજકારણ રમી રહી છે, અનંત પટેલને રાજકીય કારકિર્દી બચાવવામાં રસ: ધવલ પટેલ 

ઑપઇન્ડિયા સાથે વાત કરતાં સાંસદ ધવલ પટેલ કહે છે કે, અનંત પટેલ માત્ર રાજકારણ રમી રહ્યા છે. જેમ વાંસદા-વલસાડનો માહોલ બદલાઈ રહ્યો છે તેને જોતાં તેઓ પણ જાણે છે કે તેમની જમીન ખસી રહી છે અને રાજકીય કારકિર્દી બચાવવા માટે આવા મુદ્દાઓ લઈ આવે છે. આ ભોળા આદિવાસીઓને ભરમાવવાની એક ચાલ છે, પરંતુ લોકો હવે જાણી ગયા છે. 

તેમણે 14 ઑગસ્ટના રોજ ધરમપુરમાં કોંગ્રેસ નેતાઓએ કરેલી રેલીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ રેલી સદંતર ફ્લૉપ ગઈ હતી અને માત્ર રાજકીય રેલી બનીને રહી ગઈ હતી. લોકો હવે સાચી વાતથી વાકેફ થઈ ગયા છે અને કોંગ્રેસની વાતોમાં આવી રહ્યા નથી. 

ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પર શું જોયું? 

ઑપઇન્ડિયા જ્યારે વલસાડ-ડાંગનાં ગામડાંમાં પહોંચ્યું તો આ જ પરિસ્થિતિ દેખાઈ. સ્થાનિકો હવે રાજકારણથી દૂર થતા જોવા મળે છે. 2022માં કોંગ્રેસે જે માહોલ સર્જી નાખ્યો હતો તેવું હવે કશું જ નથી. 

ધરમપુરમાં જે સ્થળે રેલી થઈ હતી ત્યાં હવે સન્નાટો છે. સ્થાનિકો જણાવે છે કે રેલીને ધારેલો પ્રતિસાદ મળ્યો ન હતો. કોંગ્રેસ નેતાઓ હજારો-લાખોની જનમેદની એકઠી કરવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ હકીકતે ધારવા કરતાં ઓછા લોકો પહોંચ્યા. લોકોનું કહેવું છે કે રેલીએ રાજકીય સ્વરૂપ પકડી લીધું હતું, જેના કારણે સામાન્ય લોકો અળગા રહ્યા અને મોટેભાગે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓના કાર્યકરોએ જ ભાગ લીધો હતો. 

તેઓ કહે છે કે, સાંસદ ધવલ પટેલે પ્રેસ કૉન્ફરન્સ કર્યા બાદ માહોલ ઘણોખરો બદલાઈ ગયો અને લોકોના મગજમાંથી મૂંઝવણ દૂર થઈ. હવે લોકો જાણી ગયા છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી અને મુદ્દાનો માત્ર રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

ધરમપુરમાં અહીં સ્થળે કોંગ્રેસ નેતાઓએ રેલી કરી હતી, પછીથી ઝંડા પણ લઈ લેવાયા

ઑપઇન્ડિયા ડાંગનાં એ ગામોમાં પણ પહોંચ્યું, જ્યાં ડેમ બનવાની વાત હતી. કોંગ્રેસ નેતાઓ અહીં અવારનવાર બેઠકો કરતા રહે છે અને તાજેતરમાં પણ અહીં અનંત પટેલે બેઠકો કરી હતી. જોકે તેની બહુ અસર હવે પડી રહી નથી તેમ જણાય રહ્યું છે. 

‘ડેમ ફરી બનશે તેવી વાતો હવે માત્ર અફવા’

ડાંગના ચીકારની બાજુમાં આવેલા જામલાપાડા ગામના અરવિંદભાઈ બિરારી ઑપઇન્ડિયાને જણાવે છે કે, 

“…આમાં હવે બધું રાજકારણ ઘૂસી ગયું છે. સરકારે કહ્યું છે કે ડેમ નહીં બને તો હવે અમને ચિંતા નથી. રાજકીય પાર્ટીના માણસો આવે છે, પણ ગામલોકો હવે તેમની સાથે બહુ જોડાતા નથી. ડેમ ફરી બનશે તેવી વાતો હવે અફવા સિવાય બીજું કશું નથી.”

તેઓ કહે છે, “અમને બીજી કોઈ બાબતો સાથે નિસબત નથી. ડેમ બને તોપણ અસરગ્રસ્ત સ્થાનિકોને બીજે સ્થળાંતરિત કરવામાં આવશે તેવી વાત હતી, પરંતુ એક વાતની ચિંતા હતી કે મોટાભાગના લોકોની જમીન સરકારી ચોપડે નોંધાયેલી નથી, જેથી વળતર મેળવવામાં મુશ્કેલી પડી હોત. પરંતુ હવે સરકારે કહ્યું છે કે આવી કોઈ વાત નથી તો તેનો પ્રશ્ન જ ઉદભવતો નથી.”

ચીકાર ગામમાં પણ માહોલ સામાન્ય છે. અહીંના સ્થાનિકોનો પણ મત છે કે હવે મુદ્દાનું રાજકીયકરણ કરી દેવામાં આવ્યું છે. તેઓ કહે છે કે આમાં હવે રાજકારણ સિવાય બીજું કંઈ રહ્યું નથી. તેઓ કહે છે કે આટલાં વર્ષોમાં અહીં ડેમનું કોઈ કામ થયું નથી કે કોઈ ચર્ચા પણ ન હતી. હવે ફરીથી રાજકીય નેતાઓએ આ ચર્ચાઓ શરૂ કરી છે, પરંતુ સ્થાનિકોને હવે તેનો કોઈ ફેર પડતો નથી. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં