Friday, April 26, 2024
More
    હોમપેજગુજરાતઆખરે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ : મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત, કહ્યું- આદિવાસીઓમાં ગેરસમજ...

    આખરે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ : મુખ્યમંત્રીની સત્તાવાર જાહેરાત, કહ્યું- આદિવાસીઓમાં ગેરસમજ ઉભી કરાઈ

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર-નર્મદા-તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી.

    - Advertisement -

    ગુજરાત સરકારે આખરે પાર-તાપી-નર્મદા-રિવર લિંક પ્રોજેક્ટ રદ કરી દીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. સુરત ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે આદિવાસી ભાઈ-બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવામાં આવી છે.

    મુખ્યમંત્રીએ રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, મારી સરકાર આદિવાસીઓના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ આદિવાસીઓને મળતો આવ્યો છે અને મળતો પણ રહેવાનો છે. દમણ ગંગા-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ યોજના અંગે આદિવાસી ભાઈ-બહેનોમાં ઉભી કરવામાં આવેલ ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે.” 

    તેમણે આગળ કહ્યું કે, “કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ યોજના જાહેર કરવામાં આવ્યા બાદ સબંધિત રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવે છે અને તે બાદ જ આગળ વધવામાં આવે છે. પરંતુ આ યોજના માટે ગુજરાત સરકારે મંજૂરી આપી નથી અને સરકારનો નિર્ણય છે કે આ યોજના કોઈ પણ સંજોગોમાં આગળ વધારવામાં નહીં આવે.”

    - Advertisement -

    મુખ્યમંત્રીએ આગળ કહ્યું, “આ યોજના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી અને અન્ય મંત્રીઓ, ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં પણ યોજના રદ કરવા અંગે સહમતિ સધાઈ હતી. જેથી આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.”

    ઉલ્લેખનીય છે કે આ વર્ષના વાર્ષિક બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને રિવર લિંક પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. જેમાં ગુજરાતની પાર-તાપી અને નર્મદા નદીના લિંકિંગનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ યોજના જાહેર થયા બાદથી જ રાજનીતિક પાર્ટીઓ દ્વારા આદિવાસીઓને આગળ કરીને સરકાર વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો અને ઠેરઠેર વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. 

    આ મામલે ગુજરાત રાજ્ય સરકારે પુનર્વિચારણા કરી કેન્દ્ર સરકાર સાથે પણ ચર્ચા કરી હતી. ઉપરાંત દક્ષિણ ગુજરાતના મંત્રીઓએ વલસાડ ખાતે આદિવાસી નેતાઓ સાથે બેઠક પણ કરી હતી અને તેમને અન્યાય નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતું. આ મુદ્દે રાજ્યના ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જઈને ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમન અને અન્ય મંત્રીઓને પણ મળ્યા હતા. જેમાં પ્રોજેક્ટ રદ કરવા અંગે સહમતિ બની હતી. 

    ગુજરાત સરકારે આ પહેલાં વિધાનસભામાં પ્રોજેક્ટ સ્થગિત કરવા અંગે જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર આ પ્રોજેક્ટ સ્થગિત કરી રહી છે. જોકે, હવે ગુજરાત સરકારે પ્રોજેક્ટ રદ કરી દીધો છે અને સ્વયં મુખ્યમંત્રીએ આ મામલે સત્તાવાર જાહેરાત કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં