હોમપેજરાજકારણવડાપ્રધાન રાહુલ ગાંધી

વડાપ્રધાન રાહુલ ગાંધી

આગામી 1000 દિવસ નક્કી કરશે કે ભારત વિરુદ્ધ ચાલી રહેલાં કાવતરાંઓની મોદી ‘આકરી કિંમત ચૂકવશે કે નહીં.’ મોદીને ‘સલામત’ રાખવાની જવાબદારી આ દેશના મતદારોની છે, આપણી છે, આપણા સૌની સહિયારી જવાબદારી છે આ.

- Advertisement -

કૉલમ: લેફ્ટ, રાઈટ અને સેન્ટર

લેખક: સૌરભ શાહ

2029ની લોકસભા માટેની ચૂંટણી આડે સાડા ત્રણ વર્ષ બાકી રહ્યાં છે. એ પહેલાં આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આવતા વર્ષે બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. 2027માં ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની વિધાનસભાઓ માટે ચૂંટણી થશે. એ પછીના વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક સહિત 9 રાજ્યોમાં અને જનરલ ઇલેક્શનના વર્ષમાં મહારાષ્ટ્ર તથા જમ્મુ-કાશ્મીર સહિત 8 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. 

- Advertisement -

આ દરેક ચૂંટણી વખતે વિપક્ષો દ્વારા કોઈને કોઈ નવો મુદ્દો ઉછાળવામાં આવશે. બિહાર માટે SIR વિશે ભ્રમણા ફેલાવવામાં આવે છે એમ. અગાઉ EVMને લઈને પ્રજાને ગેરમાર્ગે દોવાનું કામ થયું. આ દરેક ચૂંટણી વખતે મીડિયા દ્વારા ‘મોદી માટે આ લિટમસ ટેસ્ટ છે’નું ઘસાઈ ગયેલું વાજિંત્ર વગાડવામાં આવશે અને જ્યાં ભાજપ જીતશે ત્યાં કોંગ્રેસની મોરલ વિક્ટરીનું તિકડમ ચાલુ થઈ જશે. 

કોંગ્રેસ અને તેના સાથી પક્ષો માટે હવે પછીના મહિનાઓ ‘ડુ ઑર ડાય’ જેવા છે. તેઓ મરણિયા બનવાના છે. સુસાઈડ બૉમ્બરોની જેમ વિપક્ષો પણ ‘હું તો મારું પણ તને ગંગાસ્વરૂપ કરું’ બોલીને ફિદાઈન બનીને મોદી સરકાર પર, રાષ્ટ્રનાં હિતો પર આત્મઘાતી હુમલાઓ કરશે. મોદી માટે આવતાં ત્રણ-ચાર વર્ષનો ગાળો એમની સમગ્ર કારકિર્દીમાં સૌથી કટોકટીભર્યો પુરવાર થવાનો છે, જેનો એમને અંદેશો છે. 

7મી ઑગસ્ટે નવી દિલ્હીમાં ભારતરત્ન એમ. એસ સ્વામીનાથનની (જેઓ ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિત ક્રાંતિના જનક ગણાય છે એમની) જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સને સંબોધન કરતાં વડાપ્રધાને પ્રવચનના આરંભે વિદેશી પ્રતિનિધિઓ સમક્ષ એક ઘણી અગત્યની વાત કહી: 

‘અમારા માટે અમારા ખેડૂતોનું હિત જળવાય એ અમારી સૌથી મોટી પ્રાયોરિટી છે. અમે ક્યારેય અમારા ખેડૂતોનાં તેમજ મત્સ્યઉદ્યોગ તથા ડેરીઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનાં હિત સાથે ચેડાં નહીં થવા દઈએ. અંગત રીતે મને ખબર છે કે મારે આ માટે આકરી કિંમત ચૂકવવી પડશે, પણ હું તૈયાર છું એના માટે. આજે ભારત પોતાના ખેડૂતો અને મસ્ત્યા-ડેરી ઉદ્યોગોના લોકોનું હિત સાચવવા પ્રતિબદ્ધ છે.’

મોદીએ આ શબ્દો અમેરિકા સાથે ચાલી રહેલી ટૅરિફ વૉરના સંદર્ભમાં ઉચ્ચાર્યા. અમેરિકા વધારાની ટૅરિફ દ્વારા ભારતનું નાક દબાવીને પોતાનાં કૃષિ ઉત્પાદનો ભારતમાં ઠાલવવા માગે છે. એક જમાનામાં અમેરિકાની મૉન્સાન્ટો નામની વિરાટ અને બદનામ મલ્ટીનેશનલ કંપનીનો ભારત સરકારમાં દબદબો હતો. સત્તામાં ઊંચો હોદ્દો ધરાવતા રાજકારણીઓ તેમજ મંત્રાલયો સાથે સંકળાયેલા સિનિયર સરકારી બાબુઓ મૉન્સાન્ટોના એજન્ટ હોય એવી રીતે નીતિઓ ઘડીને નિર્ણયો લેતા થઈ ગયેલા. મૉન્સાન્ટોનાં જિનેટિકલી મોડિફાઈડ (જી. એમ) બિયારણોથી કપાસ જેવા પાકનું કૃષિ ઉત્પાદન વધી જતું પણ લાંબે ગાળે ખેડૂતો બરબાદ થઈ જતા, આપઘાત પણ કરતા. કોંગ્રેસના શાસનમાં દસ વર્ષ સુધી વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ મંત્રી રહેલા શરદ પવાર ક્યારે પોતાની પ્રામાણિકતા, દેશપ્રેમ કે નિષ્ઠા માટે વખણાયા નથી. ભારત સરકારમાં મૉન્સાન્ટોનું ઉપરાણું લેવામાં પવાર મોખરે હતા. મોદીયુગમાં મૉન્સાન્ટોની જોહુકમી દૂર થઈ ગઈ, જેને કારણે આ ક્ષેત્રમાં અમેરિકાને ફટકો પડ્યો. 

પ્રેસિડન્ટ ટ્રમ્પ ભારત પર અનેક પ્રકારે દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા છે પણ મોદી ટસના મસ નહીં થાય. ટૅરિફ વૉરની સીડી પર રહીને ભારતમાં ફરી એકવાર અસ્થિરતા લાવવાનું પ્લાનિંગ કરતા અમેરિકાના ડીપ સ્ટેટનો પણ મોદીને પરિચય છે. જ્યૉર્જ સોરોસની ટોળકી દુનિયાના અનેક દેશોની રાજકીય પરિસ્થિતિને ડામાડોળ કરીને આર્થિક લાભો ખાટી રહી છે. અમેરિકાની આ ખતરનાક ગેંગ ભારતમાં કરોડો ડૉલર ઠાલવીને દેશમાં અરવિંદ કેજરીવાલો અને પ્રશાંત કિશોરો પેદા કરીને સર્વત્ર અરાજકતા ફેલાવવાની મંશા રાખે છે. મોદી જાણે છે કે દેશમાં અને પ્રદેશોમાં ભાજપને સત્તા પરથી ઉથલાવવા માટે કોણ કોણ કેવાં-કેવાં કાવતરાં ઘડે છે. 

શાહીન બાગ અને ખેડૂત આંદોલનો તો ટ્રેલર હતાં એની પણ મોદીને ખબર છે. એટલે જ એમણે કહ્યું: ‘…મારે આ માટે એની આકરી કિંમત ચૂકવવી પડશે, પણ હું તૈયાર છું એના માટે…’ 

આગામી ત્રણ-ચાર વર્ષ મોદી માટે, સમગ્ર ભારત માટે ભારે ઉથલપાથલનાં વર્ષો હશે એની માનસિક તૈયારી આપણે સૌએ કરી લેવી જોઈએ. ચીને ભારતનો 20,000 કિમીનો પ્રદેશ પચાવી પાડ્યો છે એવાં બેબુનિયાદ વિધાનો કર્યા કરતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ કૉલરથી પકડીને ખખડાવ્યા ત્યારે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસી ચમચાઓ સર્વોચ્ચ અદાલત વિશે અને ભારતની ન્યાય પ્રણાલી વિશે એલફેલ બોલવા લાગ્યા. કોઈ પુરાવા વગર ઈલેક્શન કમિશન પર આક્ષેપો કરતા રાહુલ ગાંધીએ એક કરતાં વધારે વાર ભારતની ખાડે ગયેલી ચૂંટણી પ્રક્રિયા પર અમને વિશ્વાસ નથી એવો બકવાસ કર્યો છે. ઑપરેશન સિંદૂર પછી ભારતનાં કેટલાં વિમાનો તૂટ્યાં એનો હિસાબ માગતા પાગલ પપ્પુને અને એના પ્રેમીઓને ગાલે તમાચો મારીને વાયુસેનાના વડા અને એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે કહ્યું કે, ઑપરેશન સિંદૂર દરમિયાન S-400 દ્વારા પાકિસ્તાનનાં પાંચ ફાઈટર જેટને તોડી પાડવામાં આવ્યાં છે એ પછી પણ જાણે પાકિસ્તાન સરકારના પોતે એજન્ટ હોય એવા આ રાષ્ટ્રદ્રોહીઓની શાન ઠેકાણે આવી નથી. 

ભારતનાં સુરક્ષાદળોની સતત તૌહીન કરનારાઓ, દેશનું સંરક્ષણ કરનારાઓ પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ સર્જાય એવાં વિધાનોનો સતત મારો કરનારાઓ રાષ્ટ્રદ્રોહનો ગુનો આચરે છે. ન્યાયતંત્ર કે ચૂંટણી પંચ જેવી આદરણીય બંધારણીય સંસ્થાઓનો તિરસ્કાર કરવાનું કારણ માત્ર પોતાનું ફ્રસ્ટ્રેશન નથી પણ પ્રજાની ઉશ્કેરણી કરીને તેઓ રસ્તા પર દોડી આવે, દેશની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તહસનહસ થઈ જાય એવો ખેલ રાહુલ ગાંધી એના આકાઓના નિર્દેશથી ખેલી રહ્યા છે. ગરીબો, દલિતો અને જાતિવાદીઓને ભરમાવીને એ સૌને મોદી સરકાર વિરુદ્ધ ઉશ્કેરીને પરિસ્થિતિને કાબૂ બહાર લઈ જવાની યોજના ઘડાઈ છે. મુસ્લિમોને, બંગાળ-આસામ-કેરળની પ્રજાને આમાં સાથે લઈને દેશમાં ઠેરઠેર શાહીન બાગ થાય, રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને–પાકિસ્તાનવાદીઓને સાથે લઈને ભૂતકાળનાં ખેડૂત આંદોલન જેવાં નાટકોની નકલ કરીને નીતનવા બહાને હિંસક દેખાવો થતા રહે અને મોદીના સામર્થ્યની, એમની ધીરજની તથા એમના સંયમની કસોટી થાય એવું વાતાવરણ રચાય એ માટે ભારતની મક્કમ આર્થિક નીતિથી ઘવાયેલા અમેરિકાના ડીપ સ્ટેટના ખોળામાં બેસીને કોંગ્રેસ સહિતના વિપક્ષો છેક છેલ્લી પાયરી પર જઈને દેશમાં ઉત્પાત મચાવવા આતુર છે. એ સૌને ખબર છે કે 2029માં મોદી ચોથી વાર વડાપ્રધાન બન્યા તો બીજા દાયકાઓ સુધી દિલ્હી દૂર, ખૂબ દૂર થઈ જવાનું છે. 

કેટલાક લોકો, જેવા કે કોંગ્રેસના જયરામ રમેશ કે તૃણમૂલનાં સાગરિકા ઘોષ કે સમાજવાદી અખિલેશ યાદવ મોદીના ‘આકરી કિંમત’વાળા નિવેદનની બેફામ ટીકા કરે છે. આ એ લોકો છે જેઓ હાથમાં પેટ્રોલનું પીપડું પકડીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ખેડૂત આંદોલન જેવી કોઈ નવી સ્ક્રિપ્ટ લખાય. 

આગામી 1000 દિવસ નક્કી કરશે કે ભારત વિરુદ્ધ ચાલી રહેલાં કાવતરાંઓની મોદી ‘આકરી કિંમત ચૂકવશે કે નહીં.’ મોદીને ‘સલામત’ રાખવાની જવાબદારી આ દેશના મતદારોની છે, આપણી છે, આપણા સૌની સહિયારી જવાબદારી છે આ. મોદીના રાષ્ટ્રયજ્ઞના હવનમાં હાડપિંજરો નાખવા આવનારાં દૈત્યોનો સામનો મોદી અને એમની ટીમ પોતાની રીતે કરશે અને આપણે સૌએ આપણી રીતે કરવાનો છે: 

1) મોદીને સલાહ આપવાનું બંધ કરીએ 

શાસન વ્યવસ્થામાં ક્યાંક છિદ્રો દેખાય તો એને આપણા અંગત પ્રયત્નો દ્વારા દૂર કરીએ અને જો એમાં નિષ્ફળ રહીએ તો એના માટે મોદીનો વાંક કાઢવાને બદલે મૌન સેવીએ. આપણાં છિદ્રો શત્રુઓ સમક્ષ ઉઘાડાં ન પાડીએ એવું વિદુરનીતિમાં કહ્યું છે. અને આપણી સાથે સારા સંબંધો ધરાવનારાઓ સમક્ષ પણ ઉઘાડાં ન પાડીએ એવું વિદુરજીના પાડોશીના ભત્રીજાએ કહ્યું છે. 

2) જ્યાં ને ત્યાં ઝંડો લઈને નીકળી પડવાની જરૂર નથી

ટ્રમ્પની નવી ટેરિફનીતિ ભારતના અર્થતંત્રને જ્યાં જ્યાં નુકસાનકર્તા પુરવાર થવાની હશે તેના ઈલાજ શોધવા માટે મોદી પાસે આર્થિક બાબતોમાં તથા વિદેશ નીતિ વિશે સલાહ આપનારા ટોપ મોસ્ટ નિષ્ણાતો છે. તમારી પાસે નથી છતાં આપણે સોશિયલ મીડિયામાં કે લિફ્ટમાં થતી ગોસિપમાં ટ્રમ્પને ગાળાગાળ કરીને ‘બહાદુરી’ દેખાડીએ છે. મોદી બોલ્યા એક પણ શબ્દ ટ્રમ્પ વિશે? ના. તો આપણે પણ ચૂપ રહેવાનું. હુપાહૂપ કરીને વિપક્ષી વાંદરાઓની ડાળી પર જઈને બેસવાની ચેષ્ટા બંધ કરવાની. 

3) ભારતનું, મોદીનું, સનાતન પરંપરાનું, આપણી અર્થવ્યવસ્થાનું અને દેશની સંરક્ષણ નીતિનું ખરાબ લાગે એવા કોઈ પણ સમાચારને ફેક ન્યૂઝ ગણવાના

જો એવી કોઈ બાબતમાં નાનકડું સત્ય છે એવું પુરવાર થાય તો પણ એની ટીકા કરીને આપણે પોતાની જ પીઠ પર કોરડા વીંઝવાની જરૂર નથી. ઘરની વાત ઘરમાં રાખવાની હોય. કુટુંબના કોઈ સભ્યનો પગ કુંડાળામાં પડી ગયો હોય ત્યારે આડોશપાડોશમાં એનો ઢંઢેરો પીટવા નીકળવાનું ના હોય. ઘરબેઠાં નિરાકરણ આવી જતું હોય તો સારી વાત છે, પરિવારના વડીલો પર ભરોસો રાખવાનો. આમ છતાં વાત લીક થઈ જાય અને બહારવાળો ટોન્ટ મારી જાય તો એને સંભળાવી દેવાનું કે ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.’ અને આ હકીકત પણ છે. ભાજપ કે મોદી સરકારનું એક અંગ વાંકું હશે તો કોંગ્રેસ-આપ-તૃણમૂલ-ડીએમકે-સમાજવાદી વગેરેનાં અઢાર અંગ વાંકાં છે. પણ રાજદીપ-રવીશ-અંજુમથી માંડીને સ્થાનિક ચિંગુમિંગુ ટીવી કે યુટ્યુબ ચેનલોનાં સલીમો-અનારકલીઓ તમને એક દેખાડીને અઢાર છુપાવશે, કારણ કે તેઓને એવું કરવાના ચિક્કાર લાભ મળે છે. 

4) માત્ર ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી પૂરતી નથી 

સરસંઘચાલકની વાત સાચી છે. મોહન ભાગવતજીએ કહ્યું કે, ‘ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચ્યા પછી આપણે ત્રણ ટ્રોલિયન ડૉલરની ઇકોનોમી બની જઈએ ત્યારે એ કોઈ નવીનવાઈની વાત નહીં હોય. દુનિયામાં અનેક અમીર દેશો છે– અમેરિકા અને ચીન તો છે જ છે. પૈસાદાર દેશો ઘણા છે, પણ આધ્યાત્મ અને ધર્મ આપણી પાસે છે. દુનિયા એના માટે આપણી પાસે આવે છે. આ ક્ષેત્રમાં આપણે વિરાટ બનીએ છીએ ત્યારે આખી દુનિયા આપણને નમન કરે છે, આપણને વિશ્વગુરુ માને છે. બાકીની જે વાતો છે તેનું મહત્ત્વ તો છે જ. ધર્મ અને મોક્ષનું માત્ર મહત્ત્વ નથી, અર્થ અને કામની પણ અગત્યતા છે જ. બાકીની બધી ઉન્નતિ તો કરવાની જ છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે ધર્મ અને અધ્યાત્મની બાબતમાં મોટા થઈશું તો આપણો દેશ વાસ્તવમાં વિશ્વગુરુ બનશે.’ 

વિશ્વગુરુ શબ્દ સાંભળીને ડાબેરી ઝનૂનીઓ મજાક કરવા દોડી આવે છે. આખલો લાલ કપડું જોઈને ભડકે એમ ભગવો જોઈને સેક્યુલરિયાઓ રાષ્ટ્રપ્રેમીઓને શિંગડા મારવા દોટ મૂકે છે. એમની હરકતોથી ડર્યા વિના, એમની ધાકધમકીઓ-મજાકો-ઉપેક્ષાઓને અવગણીને; સનાતન પરંપરાને, આપણા ધર્મ-કર્તવ્યને તથા અધ્યાત્મને-જીવન અને વિશ્વને જોવાની આપણી સમજણને-દ્રષ્ટિને વળગી રહીએ. અરાજકતાવાદીઓ લિબરલ આર્ટ્સના નામે, એલજીબીટીક્યુના નામે, ઉદારતા-પ્રગતિ-આધુનિકતાના નામે આપણા ખભા પરના બકરાને કૂતરું ગણવા માંગે છે. જેવું આ બકરું તમે ખભા પરથી ઉતારશો કે તરત આ લોકો બકરાને કતલખાને લઈ જઈને બિરિયાનીની જયાફત ઉડાવશે. વાસ્તે, સાવધાન. એમની મંશાને બર ન આવવા દઈએ. આટલું દ્રઢપણે કરીશું તો આપણે આપોઆપ મોદીના કવચ બનીને આ દેશની સુરક્ષા કરી શકીશું. ભવિષ્યમાં વિશ્વની બીજા કે પહેલા નંબરની અર્થવ્યવસ્થા બનવા માટે આગામી પેઢીઓને પ્રેરણા આપી શકીશું. 

5) ભારતનું ભાવિ મોદીના નહીં, તમારા હાથમાં છે 

આવી રહેલા દિવસોમાં મોદી સરકારને કંઈ થયું તો તેના માટે જવાબદાર હું-તમે-આપણે સૌ હોઈશું. આપણે જો અડગ રહીશું, મક્કમ બનીને અડીખમ રહીશું તો ડીપ સ્ટેટના એજન્ટો મોદીનું કે આપણી આવનારી સાત પેઢીઓનું કશું બગાડી શકવાના નથી. પણ આપણે જો અવઢવમાં રહ્યા, દોઢડાહ્યા બનીને હાયપરડા હિંદુની જેમ રાયતા વિંગના સભ્ય બની ગયા કે આક્ષેપબાજીઓના વાતાવરણમાં ડરના માર્યા શંકાશીલ થયા તો મોદીનો ભય સાચો પડશે– 2029માં રાહુલ ગાંધી તમારો વડાપ્રધાન બનશે.

છેલ્લો બૉલ 

જે દિવસે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે એ દિવસથી એના નામ પરથી પપ્પુનો ઠપ્પો હટી જશે 

.

.

.

અને 140 કરોડ ભારતીયોના નામ સાથે જોડાઈ જશે.

(એફબી પર ફરતું અને ટ્વિટર પર તરતું)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં