હોમપેજદુનિયાટ્રમ્પે કહી તો દીધું કે ‘ભારત 25% ટેરિફ ચૂકવશે’, પણ આ રીતે...

ટ્રમ્પે કહી તો દીધું કે ‘ભારત 25% ટેરિફ ચૂકવશે’, પણ આ રીતે નથી ચાલતો વૈશ્વિક વ્યાપાર: વાંચો વાસ્તવમાં કોણ કર ચૂકવશે અને ભારતીય એક્સપોર્ટને કઈ રીતે થઈ શકે અસર

પ્રથમ દૃષ્ટિએ અર્થ એવો થાય કે ભારત અમેરિકાને દંડ સ્વરૂપે કોઈ રકમ ચૂકવશે. પણ વાસ્તવિક દુનિયામાં ટેરિફ આ રીતે કામ કરતાં નથી. આ નિર્ણયથી ખરેખર ટેરિફ કોણ ચૂકવશે અને ભારતીય નિકાસકારોને કઈ રીતે અસર થશે તે જાણવા માટે ટેરિફ, વૈશ્વિક વ્યાપાર સિસ્ટમ ખરેખર કઈ રીતે કામ કરે છે એ સમજવું પડશે. 

- Advertisement -

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) 30 જુલાઈએ એક ઘોષણા કરીને ‘ભારત પર 25% ટેરિફ’ (Tariff) લાગુ કરવાની ઘોષણા કરી છે. યુ-ટર્ન નહીં લેવાય તો 1 ઑગસ્ટથી આ નવો કર લાગુ થશે. હંમેશની જેમ ટ્રમ્પે આ જાણકારી પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ મારફતે આપી. 

પોસ્ટમાં ટ્રમ્પે (કે સોશિયલ મીડિયા સંભાળતી તેમની ટીમે) જે રીતે શબ્દો પસંદ કર્યા છે, તેને જોતાં સ્પષ્ટ દેખાય આવે છે કે સમગ્ર નિર્ણયને ભારતને જાણે સજા આપવામાં આવતી હોય તે રીતે રજૂ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ લખે છે કે, ‘ઇન્ડિયા વિલ ધેરફોર બી પેઇંગ અ ટેરિફ ઑફ 25%.’ આનું ગુજરાતી ભાષાંતર કરીએ તો આવું થાય– ‘તેથી, ભારત હવે 25% ટેરિફ ચૂકવશે.’

પ્રથમ દૃષ્ટિએ આ વાક્યનો અર્થ એવો થાય કે ભારત અમેરિકાને દંડ સ્વરૂપે કોઈ રકમ ચૂકવશે. પણ વાસ્તવિક દુનિયામાં ટેરિફ આ રીતે કામ કરતાં નથી. આ નિર્ણયથી ખરેખર ટેરિફ કોણ ચૂકવશે અને ભારતીય નિકાસકારોને કઈ રીતે અસર થશે તે જાણવા માટે ટેરિફ, વૈશ્વિક વ્યાપાર સિસ્ટમ ખરેખર કઈ રીતે કામ કરે છે એ સમજવું પડશે. 

- Advertisement -

સાદી વ્યાખ્યા એ છે કે કોઈ દેશ અન્ય દેશમાંથી આયાત થતા સામાન પર કર લાગુ કરે તેને ટેરિફ કહેવાય છે. જો અમેરિકાની સરકાર ભારતથી આયાત થતા સામાન પર 25% ટેરિફ લાગુ કરે તો આ પૈસા ભારતના ખજાનામાંથી નહીં જાય કે ન ભારતના નિકાસકારોએ ચૂકવવા પડે. આ રકમ ચૂકવવી પડે અમેરિકાના આયાતકારોએ, જેઓ સામાન મંગાવે છે. તેમાં અમેરિકાના હોલસેલરો પણ આવી ગયા, ડિસ્ટ્રીબ્યુટરો પણ અને મેન્યુફેક્ચરો પણ. આ તમામે અમેરિકાના પોર્ટ પર જ્યારે ભારતીય સામાન આવે ત્યારે 25% ટેક્સ આપવો પડશે. 

ઉદાહરણ તરીકે લઈએ તો ભારતીય કંપની 1 લાખ ડોલરનું ટેક્સટાઇલ અમેરિકાના કોઈ રિટેલરને મોકલે તો અમેરિકન રિટેલરે ત્યાંની સરકારને વધારાના 25 હજાર ડોલર ટેક્સ તરીકે ચૂકવવા પડશે. હવે ક્ષતિપૂર્તિ કઈ રીતે કરવી એ રિટેલર પર નિર્ભર કરે છે. તેઓ નફાનું માર્જિન ઘટાડી દે એ પણ શક્ય છે અથવા તો આખરે ભાવ વધારીને ભારણ અમેરિકાના ગ્રાહકો પર નાખવામાં આવે. એક વિકલ્પ એ પણ છે કે ભારતીય નિકાસકારો સાથે વાટાઘાટો કરીને ભાવ ઘટાડી શકે. 

જેથી શાબ્દિક રીતે જોવા જઈએ તો ભારત વધુ ટેરિફ નહીં ચૂકવે, આયાત કરનાર અને આખરે અમેરિકાનો ગ્રાહક ચૂકવશે. એટલે ટ્રમ્પની ફાંકા ફોજદારીને બાજુ પર રાખીએ તો વાસ્તવિકતા એ છે કે પૈસા જે દેશમાંથી સામાન આવે છે ત્યાંથી નહીં પણ અમેરિકાના ગ્રાહકોના ખિસ્સામાંથી જ આવશે. 

ભારતીય નિકાસકારો પર અસર થશે, પણ આડકતરી રીતે

જોકે આનો અર્થ એ પણ નથી કે ભારતને બિલકુલ અસર જ નહીં થાય. જે અસરો થશે એ આડકતરી રીતે થનારી અસરો છે. ઊંચા ભાવોનો અર્થ એ પણ છે કે ઉત્પાદનની અમેરિકાના બજારોમાં માંગ ઓછી થશે. રિટેલરો પણ રસ ઓછો દાખવતા થશે અને તેના કારણે ગ્રાહકો સુધી પણ પહોંચ ઘટશે. વધુ ભાવના કારણે વેચાણ પર અસર થઈ શકે અને ગ્રાહકો આખરે સસ્તી ચીજો શોધવા તરફ વળી જશે. 

બીજી તરફ અમેરિકન આયાતકારો પણ અન્ય વિકલ્પો શોધવા માંડશે, જ્યાંથી ટેરિફ ચૂકવવો ન પડે. જેથી અંતે ભારતીય નિકાસ પર તેની અસર થશે. નિકાસ જાળવી રાખવા માટે ભારતીય કંપનીઓએ ભાવ ઘટાડવો પડશે, જેથી આયાત કરનારાઓ પર ટેરિફનું ભારણ ઓછું થાય. જો એક્સપોર્ટર ભાવ ઘટાડી દેશે તો તેની આવકમાં ઘટાડો થશે. ભારતના નિકાસકારોને અસર આ રીતે થશે.

અહીં ભારતને અસર કેટલીક થશે તેનો આધાર એ બાબત પર પણ છે કે અમેરિકાના રિટેલરો સમાન પ્રકારનાં ઉત્પાદનો ટેરિફ વગર અન્ય દેશમાંથી આયાત કરી શકે કે કેમ. ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ લગભગ મોટાભાગના દેશો પર ઊંચા ટેરિફ લાગુ કરી રાખ્યા છે. ટેરિફ લાગુ કરીને તેમને વ્યાપાર કરાર માટે તૈયાર કરવાની તેમની તરકીબ હવે દુનિયા સામે ઉઘડતી જાય છે. ઉપરાંત દરેક દેશ પર ટેરિફનો દર જુદો રાખવામાં આવ્યો છે. 

ઉદાહરણ જોઈએ તો ભારતથી અમેરિકા નિકાસ થતાં ઉપ્તાદનોમાં ટેક્સટાઇલનો ફાળો મોટો છે. ટેક્સટાઈલ નિકાસ કરતા અન્ય બે દેશો બાંગ્લાદેશ અને વિયેતનામ છે. બાંગ્લાદેશ પર ટ્રમ્પે 35% ટેરિફ લાગુ કર્યો છે અને વિયેતનામ પર 20%. એટલે અમેરિકીઓ ભારતના વિકલ્પ તરીકે બાંગ્લાદેશ તો પસંદ ન કરી શકે, એકમાત્ર વિકલ્પ વિયેતનામ રહે. અહીં નોંધવાનું એ પણ રહે કે વિયેતનામ પર આ 20% ટેરિફ અમેરિકા સાથે ટ્રેડ ડીલ સાઈન કર્યા બાદ લાગુ કરવામાં આવ્યો હતો. 

ઓછા ટેરિફથી ઉત્પાદનો મળતાં પણ હોય તેમ છતાં પણ ભારતને બાજુ પર મૂકીને સંપૂર્ણપણે અન્ય દેશ પર નિર્ભર રહેવું અમેરિકા માટે પણ શક્ય નથી. ઉદાહરણ તરીકે એપલ લઈએ તો આ કંપની ચીન, ભારત અને વિયેતનામમાં પોતાનાં ઉત્પાદનો બનાવે છે, જેનું વિશ્વભરમાં વેચાણ થાય છે. ચીન પર પહેલેથી 35% ટેરિફ છે. ભારત પર 25% ટેરિફની ઘોષણા કરવામાં આવી છે. ચીન પર વધુ ટેરિફના કારણે કંપનીએ પહેલેથી જ ભારતમાં ઉત્પાદન વધારી દીધું છે. વિયેતનામમાં ભલે ટેરિફ દર નીચો હોય પણ તેની ક્ષમતા સ્વાભાવિકપણે એટલી નથી કે ભારત-ચીન બંનેનાં ઉત્પાદનોને પહોંચી વળે.

વિકલ્પો શોધવા પણ સરળ નથી  

વિકલ્પો શોધવા પણ કહેવા જેટલી સરળ વાત નથી અને એ પણ જોવાનું રહે કે અમેરિકનો ખરેખર ભારતીય ઉત્પાદનો જેટલી ગુણવત્તા અન્યત્રથી મેળવી શકે કે નહીં. એ ન મળે ત્યાં સુધી તેમણે ભારતથી ખરીદી ચાલુ રાખવી પડશે અને ગુણવત્તાને પહોંચી વળે તેવાં ઉત્પાદનો અન્યત્રથી મેળવવાં એ અઘરું કામ છે. 

આને પણ ઉદાહરણથી સમજીએ તો ભારત ફાર્માસ્યુટિકલનું એક મોટું સપ્લાયર છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ગુણવત્તામાં બિલકુલ બાંધછોડ કરી શકાય તેમ નથી. હવે આનો વિકલ્પ શોધવા માટે અમેરિકન ખરીદદારોએ વધુ મહેનત કરવી પડે, એ ધોરણો મેળવવાં પડે અને અમેરિકન સરકાર પાસેથી પરવાનગી પણ લેવાની રહે. એટલે આવાં વિશેષ ઉત્પાદનોના સંદર્ભે ભારતને બહુ અસર પડે એમ લાગતું નથી. જે સામાન્ય ઉત્પાદનો છે, જે બધેથી મળી રહે તેમ છે, તેમાં અસરો થઈ શકે. 

ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે ટ્રમ્પે જે કહ્યું કે ‘ભારત 25% વધુ ટેરિફ ચૂકવશે’, એ તથ્યાત્મક રીતે બંધબેસતું નથી. ભારતના નિકાસકારોને અસર થશે એ વાત સાચી છે, પણ એ કઈ રીતે થશે એ ઉપર સમજાવ્યું. બીજું, રશિયન હથિયારો અને તેલ ખરીદવા પર પણ જે ‘પેનલ્ટી’ની વાત છે એ પણ ભારત સરકાર નહીં પણ આયાતકારો અને ગ્રાહકો જ ચૂકવશે. 

ટેરિફ અને પેનલ્ટી અમેરિકન આયાતકારો જ ચૂકવશે, જેઓ તેની ક્ષતિપૂર્તિ કઈ રીતે કરે એ અલગ વાત છે. પણ તેની અસર ભારતથી યુએસ નિકાસ થતાં ઉત્પાદનો પર જરૂરથી પડશે, પણ ભારત અમેરિકાને સીધી રીતે કોઈ રકમ નહીં ચૂકવે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં