હોમપેજદેશમમતા બેનર્જીના રાજમાં 6600થી વધુ કંપનીઓએ છોડ્યું બંગાળ: યુપી-ગુજરાત જેવા રાજ્યોમાં નાખ્યો...

મમતા બેનર્જીના રાજમાં 6600થી વધુ કંપનીઓએ છોડ્યું બંગાળ: યુપી-ગુજરાત જેવા રાજ્યોમાં નાખ્યો પાયો, ઉદ્યોગોનું કબ્રસ્તાન બની રહ્યું છે ‘શોનાર બાંગ્લા’

એવું કહેવાય છે કે, આ જ બંગાળમાં ક્યારેક આદિત્ય બિરલાને તેમની ગાડીમાંથી ખેંચીને રસ્તા પર મારવામાં આવ્યા હતા અને નગ્ન કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે પોતાનો વ્યવસાય સમેટી લીધો. આવું જ અન્ય વેપારી પેઢીઓ સાથે પણ થયું.

- Advertisement -

કેન્દ્ર સરકારે (Central Government) તાજેતરમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ દાયકામાં પશ્ચિમ બંગાળમાંથી (West Bengal) 6,000થી વધુ કંપનીઓએ પોતાનો વ્યવસાય સમેટી લીધો છે. તેમાંથી 2,000થી વધુ કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય છોડ્યું છે. આ કંપનીઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં ગઈ છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળ મમતા બેનર્જીના (Mamata Banerjee) શાસન હેઠળ છે.

પશ્ચિમ બંગાળમાંથી ઉદ્યોગોનું આ પલાયન તૃણમૂલ કોંગ્રેસના (TMC) શાસન દરમિયાન થયું છે. એક તરફ કંપનીઓ રાજ્ય છોડી રહી છે તો બીજી તરફ નવું રોકાણ પણ નજીવું થઈ રહ્યું છે. દેશના ચોથા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય માટે આ સ્થિતિ ગંભીર અને ચિંતાજનક છે.

આ આંકડા આઘાતજનક હોય શકે, પરંતુ પશ્ચિમ બંગાળ અને ઉદ્યોગોનું પલાયન એ જૂનો સંબંધ છે. મોટી વ્યાપારી પેઢીઓએ પોતાનું મુખ્ય મથક ખસેડવાથી લઈને મોટા બ્રાન્ડ્સની ફેક્ટરીઓ બંધ થવા સુધી, આ વલણ વર્ષોથી ચાલુ છે. આનું એક કારણ મમતા બેનર્જી સરકારનો ઉદ્યોગ-વિરોધી અભિગમ અને રાજ્યની બગડેલ કાયદા-વ્યવસ્થાની સ્થિતિ છે.

- Advertisement -

એક સમયે એશિયાની મોટી ઔદ્યોગિક શક્તિઓમાં ગણાતા કોલકાતાના પતનની આ કથા મમતા બેનર્જીના શાસન પહેલાં વામપંથીઓએ લખી હતી. પરંતુ મમતાએ આ કથાને અંતિમ સ્વરૂપ આપ્યું અને ઉદ્યોગોમાં વધારો કરવાને બદલે તેમના તાબૂતમાં અંતિમ ખીલી ઠોકી દીધી.

કેટલી કંપનીઓએ બંગાળને કહ્યું બાય-બાય?

રાજ્યસભાના ચોમાસુ સત્ર દરમિયાન ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ એક સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે 2011-12થી 2024-25 દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી 6,688 કંપનીઓએ રાજ્ય છોડ્યું છે. 

મંત્રાલયના જવાબ મુજબ, આમાંથી એક તૃતીયાંશ, એટલે કે 2,200થી વધુ કંપનીઓએ 2019 પછી રાજ્ય છોડ્યું છે. આ વલણ 2011માં TMCના સત્તામાં આવ્યા પછીથી સતત ચાલુ છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ 6,688 કંપનીઓમાંથી 110 કંપનીઓ શેરબજારમાં સૂચિબદ્ધ હતી. 

મંત્રાલયનો ડેટા દર્શાવે છે કે, 2017-18 દરમિયાન સૌથી વધુ 1,027 કંપનીઓએ પશ્ચિમ બંગાળ છોડ્યું હતું. 2015-16 અને 2016-17 દરમિયાન અનુક્રમે 869 અને 918 કંપનીઓએ રાજ્યમાંથી વ્યવસાય સમેટ્યો હતો.

ક્યાં ગઈ આ કંપનીઓ?

કોર્પોરેટ મંત્રાલયના જવાબ પ્રમાણે, પશ્ચિમ બંગાળ છોડનારી કંપનીઓ અન્ય રાજ્યોમાં જઈ રહી છે, જ્યાં ઉદ્યોગો માટે નીતિઓ સરળ છે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. 2011-25 દરમિયાન સૌથી વધુ કંપનીઓ મહારાષ્ટ્ર ગઈ છે. 

આ ઉપરાંત, દિલ્હી અને ઉત્તર પ્રદેશ તેમની પસંદગીના સ્થળોમાં સામેલ થયા છે. મંત્રાલયનો ડેટા દર્શાવે છે કે 2011-25 દરમિયાન 1,300થી વધુ કંપનીઓ મહારાષ્ટ્ર ગઈ, જ્યારે 1,297એ દિલ્હીને પસંદ કર્યું. આ ઉપરાંત, 879 કંપનીઓ ઉત્તર પ્રદેશ ગઈ. 

છત્તીસગઢ, ગુજરાત અને રાજસ્થાન પણ 1,000થી વધુ કંપનીઓ પશ્ચિમ બંગાળમાંથી આકર્ષવામાં સફળ રહ્યા છે. જોકે, આની તૃણમૂલ સરકાર પર કોઈ અસર થતી જણાતી નથી. તે ઉદ્યોગોને રાજ્યમાં લાવવાને બદલે તેમને રાજ્યની બહાર ધકેલવા પર ઉતારૂ હોય એમ દેખાઈ રહ્યુ છે.

ઉદ્યોગો માટેની નીતિ પણ બદલાઈ

પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી વ્યવસાય કરતી કંપનીઓ રાજ્ય છોડી રહી છે અને તાજેતરમાં મમતા સરકારે એવું કંઈક કર્યું છે જેનાથી આ પલાયન વધુ તીવ્ર થઈ શકે છે. એપ્રિલ 2025માં મમતા સરકારે ઉદ્યોગોને લાભ આપતી તમામ સરકારી યોજનાઓ બંધ કરી દીધી હતી. 

1993થી 2021 સુધી ઉદ્યોગોને આકર્ષવા માટે બનાવેલી તમામ નીતિઓ રાજ્ય સરકારે એક જ ઝટકામાં ખતમ કરી દીધી. તેના કારણે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા પર કોઈપણ વ્યવસાયીને જમીન, વીજળી કે અન્ય કોઈ લાભ મળશે નહીં. 

એક અહેવાલ જણાવે છે કે, મમતા સરકારે આ લાભો બંધ કર્યા કારણ કે તેઓ ‘સામાજિક કાર્યો’ માટે સરકારી ખજાનામાંથી વધુ નાણાં મુક્ત કરવા માગે છે. એટલે કે, મમતા સરકાર ઉદ્યોગો બંધ કરીને લોકોને વધુ પોતાના પર નિર્ભર બનાવવા માગે છે. 

અહેવાલ અનુસાર, આ પગલાંથી ઘણી સિમેન્ટ કંપનીઓને મોટો ઝટકો લાગશે, જેમાં ડાલમિયા જેવા દેશના જૂના અને વિશાળ વ્યાપારી એકમોનો પણ સમાવેશ થાય છે. આ નુકસાન ₹500 કરોડ સુધીનું હોવાનું જણાવાયું છે. 

ઉદ્યોગોને કોઈ લાભ ન આપવાનું આ પગલું પશ્ચિમ બંગાળ સરકારે એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે અન્ય રાજ્યો ઉદ્યોગોને ખુલ્લા હાથે આવકાર આપી રહ્યા છે. ક્યાંક ₹1માં જમીન આપવામાં આવે છે તો ક્યાંક આખા નવા શહેરો બનાવવામાં આવે છે જેથી ઉદ્યોગો ત્યાં આવે.

મોટા દાવા, રોકાણ નહીં

પશ્ચિમ બંગાળમાં જૂની કંપનીઓ બહાર જઈ રહી છે અને નવું રોકાણ પણ માત્ર જાહેરાતો અને કાગળોમાં જ આવે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, જાન્યુઆરી-નવેમ્બર 2024માં પશ્ચિમ બંગાળમાં ₹39,000 કરોડથી વધુના રોકાણના પ્રસ્તાવો આવ્યા હતા જે દેશમાં ત્રીજા નંબરે હતા.

પરંતુ કેન્દ્ર સરકારના એક અન્ય વિભાગનો અહેવાલ આ દાવાની વાસ્તવિકતા ઉજાગર કરે છે. ભલે રાજ્યમાં મોટા રોકાણના વચનો આપવામાં આવ્યા હોય, પરંતુ વાસ્તવમાં તે આ વચનોની સરખામણીમાં ઘણું ઓછું છે. DPIITના IEM અહેવાલ મુજબ, 2024માં નવેમ્બર સુધી પશ્ચિમ બંગાળમાં માત્ર ₹3,735 કરોડનું રોકાણ થયું હતું. 

ઔદ્યોગિક રોકાણની બાબતમાં પશ્ચિમ બંગાળ અન્ય રાજ્યોની સામે ક્યાંય ટકી શકતું નથી. આ જ અહેવાલ દર્શાવે છે કે, 2020-24 દરમિયાન ઉત્તર પ્રદેશમાં ₹71,000 કરોડથી વધુનું રોકાણ થયું, જ્યારે પશ્ચિમ બંગાળ માત્ર ₹15,000 કરોડનું રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું. રોકાણ આકર્ષવામાં તે ઝારખંડથી પણ પાછળ છે.

મોટી બ્રાન્ડ્સ છોડી રહી છે બંગાળ

કંપનીઓનો પશ્ચિમ બંગાળ છોડવાનો સિલસિલો સતત ચાલુ છે. 2024માં બ્રિટાનિયાએ કોલકાતા નજીક આવેલી તેની દાયકાઓ જૂની બિસ્કિટ ફેક્ટરી બંધ કરી દીધી. આવી જ રીતે ઘણી જ્યુટ મિલો પણ બંધ થઈ ગઈ છે અથવા અંતિમ શ્વાસ લઈ રહી છે. 

બ્રાન્ડ્સનું બંગાળ છોડવું કોઈ નવી વાત નથી. 2008માં ટાટા મોટર્સે સિંગુરમાં નેનોની ફેક્ટરી સ્થાપવાનું શરૂ કર્યું હતું, પરંતુ મમતા બેનર્જીના સતત વિરોધને કારણે તેમને બની-બનાવેલી ફેક્ટરી બંધ કરીને ગુજરાત ભાગવું પડ્યું હતું. 

મમતા બેનર્જીએ આ સિંગુર આંદોલન પછી જ રાજ્યમાં મોટી જીત હાંસલ કરી અને ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તામાં બેઠેલા કમ્યુનિસ્ટોને હટાવ્યા. પરંતુ જે નેતાની સત્તામાં આવવાનું કારણ જ ઉદ્યોગનો વિરોધ હતો, તેની પાસેથી ઉદ્યોગ-સમર્થક નીતિની અપેક્ષા રાખવી અનુચિત છે. 

એવું કહેવાય છે કે, આ જ બંગાળમાં ક્યારેક આદિત્ય બિરલાને તેમની ગાડીમાંથી ખેંચીને રસ્તા પર મારવામાં આવ્યા હતા અને નગ્ન કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે પોતાનો વ્યવસાય સમેટી લીધો. આવું જ અન્ય વેપારી પેઢીઓ સાથે પણ થયું.

બંગાળમાંથી ઉદ્યોગોનું પલાયન શા માટે ચિંતાનો વિષય?

પશ્ચિમ બંગાળમાંથી ઉદ્યોગોનું પલાયન માત્ર રાજ્ય માટે જ નહીં, પરંતુ આખા દેશ માટે ચિંતાનો વિષય છે. પશ્ચિમ બંગાળ દેશનું ચોથું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, પરંતુ તેનો દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર 3.5% હિસ્સો છે. આ પછાતપણાને કારણે રાજ્યમાં ભારે બેરોજગારીની સમસ્યા છે. 

ગેરકાયદેસર ઘૂસણખોરોનું પશ્ચિમ બંગાળમાં આગમન આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. રાજ્યમાં વારંવાર થતાં રમખાણો અને બહુસંખ્યક વસ્તી પરના હુમલાઓ પણ બ્રાન્ડ્સના ઘટતા વિશ્વાસનું કારણ બન્યા છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની દયનીય સ્થિતિને કારણે કોઈ મોટી કંપની રોકાણ કરવા માંગતી નથી. 

આ જ કારણે 1960ના દાયકામાં જે પશ્ચિમ બંગાળનું દેશની જીડીપીમાં 10%થી વધુ યોગદાન હતું, તે હવે માત્ર 5% પર આવી ગયું છે. તેનાથી નાના રાજ્યો પણ તેનાથી આગળ નીકળી રહ્યા છે. જો પશ્ચિમ બંગાળની મમતા સરકારનું આ જ વલણ રહ્યું તો તેની અસર બાકીના દેશ પર પણ પડશે.  તેની ધીમી આર્થિક વિકાસની ગતિ દેશને પાછળ ખેંચશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં