હોમપેજક્રાઈમભારત વિરુદ્ધ ભડકાવવા માંગતા હતા યુદ્ધ, સોશિયલ મીડિયાથી કરતા હતા 'ગઝવા-એ-હિન્દ'નો પ્રચાર:...

ભારત વિરુદ્ધ ભડકાવવા માંગતા હતા યુદ્ધ, સોશિયલ મીડિયાથી કરતા હતા ‘ગઝવા-એ-હિન્દ’નો પ્રચાર: ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીઓ ઑપરેશન સિંદૂર વિરુદ્ધ મોદી સરકાર સામે કરવા માંગતા હતા જેહાદ

ATS અનુસાર, આ ગ્રુપે અનેક ઇન્સ્ટાગ્રામ સમૂહો બનાવ્યા હતા, જ્યાં તેઓ જેહાદી સામગ્રીનો પ્રચાર કરતા હતા અને ભારતમાં લોકતંત્રની જગ્યાએ શરિયા કાનૂન લગાવી 'ગઝવા-એ-હિન્દ' કરવાની વાતો કરતા હતા.

- Advertisement -

બુધવારે (23 જુલાઈ) ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (Gujarat ATS) મોટી કાર્યવાહી હાથ ધરીને આતંકવાદી સંગઠન અલ-કાયદા (Al Qaeda) સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની (Terrorists) ધરપકડ કરી હતી. આ તમામ અલ-કાયદાની જ એક શાખા અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) માટે કામ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. વધુમાં હવે ATSએ આ ધરપકડને લઈને અનેક ઘટસ્ફોટ પણ કર્યાં છે. ATSના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ તમામ આતંકવાદીઓ ભારત અને લોકતંત્ર વિરુદ્ધ યુદ્ધ ભડકાવવા માટે જેહાદ કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર  ‘મુજાહિદ’ નામ સાથે અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા હતા.

માહિતી અનુસાર, આતંકવાદીઓની ઓળખ ફરદીન શેખ (ફતેવાડી, અમદાવાદ), મોહમ્મદ ફૈક (દિલ્હી), ઝીશાન અલી (નોઇડા) અને સૈફુલ્લાહ કુરેશી (મોડાસા) તરીકે થઈ છે. ATSના અધિકારીઓએ જણાવ્યું છે કે, ચારેય આતંકીઓ સામે આતંકવાદી સંગઠન AQISની વિચારધારાનો અને કટ્ટરપંથનો પ્રચાર કરવા અને આતંકવાદી સંગઠનો માટે ભરતી કરવા જેવી બાબતોના આરોપો છે. અધિકારીઓએ હાલ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સૂચના મળતાં જ ATSએ શરૂ કરી દીધી હતી કાર્યવાહી

ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું છે કે, ડેપ્યુટી SP હર્ષ ઉપાધ્યાયને 10 જૂનના રોજ અલ-કાયદાની વિચારધારાને પ્રોત્સાહન આપનારાં પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોશીએ વધુમાં કહ્યું હતું કે, આ અકાઉન્ટ્સ મજહબી આધાર પર લોકતંત્ર અને ભારત વિરુદ્ધ યુદ્ધ ભડકાવી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ અકાઉન્ટ્સની ગતિવિધિઓ પર નજર રાખવા અને તેના સંચાલકો વિશે માહિતી મેળવવા માટે એક તકનીકી ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. 

- Advertisement -

ATS અનુસાર, આગળની તપાસમાં આ ચાર આતંકવાદીઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત ATSએ આ ચારેય લોકો પર ચાંપતી નજર રાખી હતી. વધુમાં અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા સિવાય તેમની અન્ય અમુક ગતિવિધિઓ પણ શંકાના દાયરામાં હતી. તે સિવાય ફરદીન શેખ પાસેથી એક તલવાર અને અલ-કાયદા સાથે સંકળાયેલું સાહિત્ય પણ મળી આવ્યું હતું.

‘ઑપરેશન સિંદૂર સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળી આવ્યા’- ATS

ATSના DIG સુનિલ જોશીએ વધુમાં કહ્યું હતું કે, એજન્સીને આતંકવાદીઓ પાસેથી ઑપરેશન સિંદૂર સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. તેમણે વિગતે વાત કરતા કહ્યું હતું કે, આતંકીઓ પાસેથી મળી આવેલી સામગ્રી ભારતવિરોધી હતી અને પાકિસ્તાનનું સમર્થન કરી રહી હતી. તે સિવાય તે મજહબી કટ્ટરતા ભડકાવી શકે એવી હતી. ATS અનુસાર, આ ગ્રુપે અનેક ઇન્સ્ટાગ્રામ સમૂહો બનાવ્યા હતા, જ્યાં તેઓ જેહાદી સામગ્રીનો પ્રચાર કરતા હતા અને ભારતમાં લોકતંત્રની જગ્યાએ શરિયા કાનૂન લગાવી ‘ગઝવા-એ-હિન્દ’ કરવાની વાતો કરતા હતા.

તપાસ કરનારા અધિકારીઓને ફરદીન પાસેથી ‘ભારત વિરુદ્ધ જેહાદ ભડકાવનારું’ સાહિત્ય મળી આવ્યું છે, જે ભારતના હાલના ‘ઑપરેશન સિંદૂર’ વિરુદ્ધ જેહાદ કરવાના પક્ષમાં હતું. તે સિવાય ATSને એક વિડીયો પણ મળી આવ્યો છે, જેમાં ફરદીનને તલવાર લહેરાવતો દર્શાવવામાં આવ્યો છે અને તે કહેતો સંભળાય રહ્યો છે કે, “બસ આ એક જ વસ્તુ બાકી હતી, હવે પૂરી થઈ ગઈ. અલ્લાહુ અકબર.”

અધિકારીઓએ વધુમાં કહ્યું છે કે, આ આતંકીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મુસ્લિમ યુવાનોને આતંકવાદી હુમલા કરવા માટે પ્રેરી રહ્યાં હતાં અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી મોદી સરકાર વિરુદ્ધ સશસ્ત્ર હિંસાની વાત કરી રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સનાં નામ અનુક્રમે ‘f4rdeen_03’ (મોહમ્મદ ફરદીન દ્વારા સંચાલિત), ‘Sharyat_ya_shahadat’ (મોહમ્મદ ફૈક દ્વારા સંચાલિત), ‘Mujahideen1’ અને ‘Mujahideen3’ (ઝીશાન દ્વારા સંચાલિત) છે. તે સિવાય ‘Sefullah_muja_hid313’ નામનું એકાઉન્ટ સૈફુલ્લાહ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. 

અધિકારીઓએ એ પણ જણાવ્યું છે કે મોહમ્મદ ફૈક ઘણા પાકિસ્તાની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સના સંપર્કમાં હતો, જે તેને જેહાદી સામગ્રી આપી રહ્યાં હતાં. ATSએ જણાવ્યા મુજબ, આ ચાર આતંકીઓ આખા દેશમાં જેહાદી સામગ્રી ફેલાવવાના ષડ્યંત્ર સાથે નીકળ્યા હતા. હાલ તમામ આતંકીઓના ફોન જપ્ત કરી લેવાયા છે અને તેમાંથી ઘણા ડેટા પણ રિકવર કરી લેવાયા છે. હવે તે તમામ ડેટાનું વિગતવાત વિશ્લેષણ કરવામાં આવશે. 

ATSની જાણકારી અનુસાર, UAPAની કલમ 13, 18, 38 અને 39 તથા BNSની કલમ 113, 152, 196 અને 68 હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, ફરદીન અને સૈફુલ્લાહને બુધવારે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે. બાકી બે આરોપીઓ મોહમ્મદ ફૈક અને ઝીશાનને ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં