ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar) રાજીનામું (Resignation) આપ્યા બાદથી સતત સમાચારનો મારો ચાલી રહ્યો છે. હવે તો એ પણ સમાચાર સામે આવી ગયા છે કે, રાષ્ટ્રપતિએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયમાં મોકલી દીધું છે. સમાચારોના આ વંટોળમાં કેટલાક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે જે વિપક્ષીઓના બેવડાં ધોરણોને ઉજાગર કરે છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ વડાપ્રધાન મોદીથી લઈને અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.
આ સાથે જ વિપક્ષના, ખાસ કરીને કોંગ્રેસના, ઘણા નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જગદીપ ધનખડ માટે ચિંતા વ્યક્ત કરી છે! તેમણે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિનું અચાનક રાજીનામું જેટલું ‘ચોંકાવનારું’ છે, એટલું જ ‘અકલ્પનીય’ છે. તેમણે એવું પણ કહ્યું છે ધનખડ સાથે તેમની વાતચીત પણ થઈ છે. તેમણે ચિંતા વ્યક્ત કરવાની આડશ પાથરીને આડકતરી રીતે રાજકારણ ખેલવાનો પ્રયાસ કર્યો છે.
The sudden resignation of the Vice President and Chairman of the Rajya Sabha is as shocking as it is inexplicable. I was with him alongside a number of other MPs till around 5 PM today and had spoken to him over the phone at 7:30 PM.
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 21, 2025
No doubt Mr. Dhankar has to give topmost…
પહેલાં તેમણે કહ્યું કે, જગદીપ ધનખડે પોતાના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ જોઈએ. ત્યારબાદ તેઓ ‘પરંતુ’ શબ્દની સાથે પોતાનું રાજકારણ શરૂ કરે છે અને કહે છે કે, એ પણ સત્ય છે કે, તેમના અચાનક રાજીનામા પાછળ જે દેખાઈ રહ્યું છે, તેનાથી પણ ઘણું વધારે છે. ત્યારબાદ ફરી તેઓ શબ્દરમત રમે છે અને કહે છે કે, “જોકે, આ સમય અટકળો લગાવવા માટેનો નથી.” ત્યારબાદ તેઓ વડાપ્રધાન પાસેથી એવી અપેક્ષા રાખે છે કે, તેઓ જગદીપ ધનખડને રાજીનામું ન આપવા માટે રાજી કરી લે. સાથે એવું પણ કહે છે કે, “આ જ દેશના હિતમાં હશે.”
#WATCH | Delhi | On the resignation of Vice President Jagdeep Dhankhar, Congress Rajya Sabha MP Renuka Chowdhury says, "…If his health has deteriorated, he could have been admitted to AIIMS…Vice President Jagdeep Dhankhar is a Jaat. Everything is fine, but there is a strange… pic.twitter.com/na9spTXoS7
— ANI (@ANI) July 22, 2025
માત્ર જયરામ જ નહીં, પરંતુ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ પણ આ વિશે પ્રતિક્રિયા આપી છે અને આ આખા મુદ્દાને જાતિવાદ સાથે જોડી દીધો છે. તેમણે કહ્યું છે કે, જો ઉપરાષ્ટ્રપતિ બીમાર હોય તો એઇમ્સ જેવી હોસ્પિટલો છે અને ત્યાં તેમની સારવાર થઈ શકે છે. ત્યારબાદ તેઓ ‘ઉપરાષ્ટ્રપતિ તો જાટ છે અને તંદુરસ્ત છે’ જેવી જાતિવાદી દલીલો કરીને ભાજપ પર પ્રહાર કરતાં જોવા મળે છે. તે સિવાય કોંગ્રેસ સાંસદ રણજીત સુરજેવાલાએ પણ આ વિશે ટિપ્પણી કરી છે.
#WATCH | Delhi: On the resignation of Vice President Jagdeep Dhankhar, Congress MP Randeep Surjewala says, "The sudden and mysterious manner in which the Vice President resigned leaves many questions unanswered. The BJP has a track record of weakening both constitutional offices… pic.twitter.com/juuN63fhJJ
— ANI (@ANI) July 22, 2025
તેમણે આ ઘટનાને ઉપરાષ્ટ્રપતિના સન્માન સાથે જોડી દીધી અને ભાજપ પર ઠીકરું ફોડતાં એવી દલીલ કરી કે, ભાજપ બંધારણીય કાર્યો અને પ્રક્રિયાઓ બંનેને નબળાં
પાડે છે. જોકે, બંધારણીય પદ પર બેઠેલા ઉપરાષ્ટ્રપતિની મશ્કરી અને ટીખળ ભૂતકાળમાં કોણ કરી રહ્યું હતું તે જગજાહેર બાબત છે. વધુમાં તેમણે એવો પણ મુદ્દો જોડી દીધો છે કે, ભાજપ બંધારણીય પદ પર રહેલા આવા લોકોનું સન્માન જાળવી શકતો નથી અને માત્ર અપમાન જ કર્યાં કરે છે.
વિપક્ષની ડાહી-ડાહી વાતો અને વાસ્તવિકતા અલગ
વાસ્તવમાં ઉપરાષ્ટ્રપતિના રાજીનામા બાદ જે વિપક્ષ ડાહી-ડાહી વાતો કરી રહ્યો છે અને બંધારણીય સંસ્થા તથા પદ પર રહેલા લોકોના સન્માનના બણગાં ફૂંકી રહ્યો છે, એ જ વિપક્ષ તાજેતરના ભૂતકાળમાં બંધારણીય પદ પર રહેલા દેશના ઉપરાષ્ટ્રપતિની ટીખળ અને મશ્કરી કરવામાં કોઈ કચાશ નહોતો છોડી રહ્યો. આ જ વિપક્ષે વારંવાર જગદીપ ધનખડની મજાક ઉડાવી હતી અને પદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી હતી. ત્યાં સુધી કે, આ જમાત તેમના જ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હતી અને હવે આ જ જમાત જગદીપ ધનખડના સન્માનને લઈને ચિંતા થતી હોવાનો ડોળ કરી રહી છે.
વિગતે વાત કરીએ તો વિપક્ષી નેતાઓએ જગદીપ ધનખડની મજાક ઉડાવવાની તમામ મર્યાદાઓ ઓળંગી લીધી હતી. ડિસેમ્બર, 2023માં TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ જે રીતે રાજ્યસભાના તત્કાલીન સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી હતી, શું તે સમયે બંધારણીય પદની ગરિમા અને સન્માન યાદ નહોતું આવ્યું? હવે જ્યારે તેમણે માત્ર સ્વાસ્થ્યના કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે તો તેમના સન્માનની વાતો થવા લાગી છે.
કલ્યાણ બેનર્જી જે સમયે ધનખડની મિમિક્રી કરી રહ્યા હતા તે જ સમયે રાહુલ ગાંધી હાથમાં મોબાઈલ લઈને હરખ સાથે તેમના સહયોગીનો વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. આખા દેશમાં આ ઘટનાની ટીકા કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ હોબાળો પણ થયો હતો. બંધારણીય પદ પર રહેલા તત્કાલીન ઉપરાષ્ટ્રપતિનું વિપક્ષે આ રીતે સન્માન જાળવ્યું હતું અને હવે તક શોધીને સન્માનનું જ્ઞાન પણ આ વિપક્ષ જ આપી રહ્યો છે.
#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/b835BUGRoR
— ANI (@ANI) December 19, 2023
માત્ર એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઉપરાષ્ટ્રપતિને ભાજપના પ્રવક્તા ગણાવી દીધા હતા અને ત્યાં સુધી કહી દીધું હતું કે, તેઓ સ્કૂલના હેડમાસ્તરની જેમ કામ કરી રહ્યા છે. તે સિવાય ગૃહમાં પણ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ તરીકેનું તેમનું સન્માન જાળવવામાં વિપક્ષ નિષ્ફળ ગયો હતો અને હવે પોતાના રાજકીય હિતો સાધવા માટે આવાં નિવેદનો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો કરી રહ્યો છે.
કોઈપણ ભોગે સરકારને કરે છે ટાર્ગેટ
જગદીપ ધનખડ જે સમયે પદ પર હતા, તે સમયે તો કોંગ્રેસ સહિતની વિપક્ષી ટોળકીએ માત્ર તેમની મશ્કરી જ કરી હતી. ન તો તેમને ક્યારેય ગંભીરતાથી લીધા હતા કે ન તો તેમના બંધારણીય પદની ગરિમા જાળવી હતી. આ ટોળકી તો તેમને હટાવવા માટે કમર કસી રહી હતી અને હવે જ્યારે તેઓ પોતે સ્વાસ્થ્યનું કારણ આપીને હટી રહ્યા છે તો વિપક્ષને રાજકારણ સૂઝવા લાગ્યું છે. જે સમય સન્માન કરવાનો હતો તે સમયે તેઓ અનાદર કરવાની મર્યાદા સર કરી રહ્યા હતા અને હવે સન્માન કરવાનો ડોળ કરીને સરકારને ટાર્ગેટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
જે વિપક્ષ આજે ભાજપ પર બંધારણીય પદની ગરિમાના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યો છે, તે વિપક્ષે પોતાની કરમકુંડળી પણ જોવી જોઈએ. જે બાબતનું પોતે ક્યારેય પાલન પણ ન કર્યું હોય તે જ બાબતનો દોષ બીજા પર ઢોળવાના આવા પ્રયાસોને જ મહાપુરુષોએ ‘બેવડાંધોરણો’ કહ્યા છે અને આ જ કોંગ્રેસની વાસ્તવિકતા છે. મુદ્દો કોઈપણ હોય અંતિમ ધ્યેય માત્ર અને માત્ર મોદી સરકારને ટાર્ગેટ કરવાનો જ હોય છે.


