કોંગ્રેસ (Congress) પાર્ટી રાજ્યસભા સભાપતિ (Rajya Sabha Speaker) જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (Motion of No Confidence) લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે INDI-એલાયન્સ પણ તેના સમર્થનમાં હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ અને વિપક્ષી દળો સભાપતિ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, AAP, સપા, TMC સહિતની અનેક પાર્ટીઓએ સહમતી દર્શાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ રાજ્યસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે 60થી વધુ હસ્તાક્ષર પણ ભેગા કરી લીધા છે. INDI ગઠબંધનમાં એક સમયે વિરોધાભાસ દર્શાવી રહેલી પાર્ટીઓ પણ આ મામલે ફરી કોંગ્રેસની તરફેણ કરતી જોવા મળી રહી છે. સંસદના શીતકાલીન સત્ર દરમિયાન કરેલા હોબાળા વખતે સભાપતિએ પક્ષપાત કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા છે. વિપક્ષી પાર્ટીઓ અનુચ્છેદ 67 (B) અંતર્ગત અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
શીતકાલીન સત્રના પહેલા દિવસે થયો હતો ભારે હોબાળો
નોંધવું જોઈએ કે, રાજ્યસભામાં કોંગ્રેસ સહિતની પાર્ટીઓ શીતકાલીન સત્રના પહેલા દિવસે ભારે હોબાળો કરી રહી હતી. આ કારણે સદનની કાર્યવાહી પહેલાં ત્રણ કલાક, બાદમાં આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. એક તરફ કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અદાણી અને અન્ય મુદ્દાઓ પર કેન્દ્રને ઘેરવા પ્રયાસ કરી રહી હતી, તો NDAએ જ્યોર્જ સોરસ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
NDAએ જ્યોર્જ સોરસ મુદ્દે કોંગ્રેસ અને તેમના નેતાઓ પર આકરા પ્રહારો કરીને વિદેશી ફંડિંગ મેળવી દેશની સરકાર અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાના આરોપ લગાવ્યા હતા. NDAએ આ મામલે કોંગ્રેસને ખુલ્લીને ચર્ચા કરવાનો પડકાર ફેંકતા કોંગ્રેસે તરત જ અદાણીનું નામ લઈને ઢાંકપિછોડો કરી નારેબાજી શરૂ કરી દીધી હતી. કોંગ્રેસે હોબાળો કરીને NDA દ્વારા ઉઠાવવામાં આવેલો આખો મુદ્દો દબાવીને હોબાળો મચાવી દીધો હતો. આ બધા વચ્ચે આખા સત્રને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ મામલાને લઈને જ કોંગ્રેસ પાર્ટી રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે.