રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવા અંગે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો અને 14 પ્રશ્નો પૂછ્યા હતા. આ અંગે SCમાં હવે 22 જુલાઈ 2025ના રોજ સુનાવણી થવાની છે.
વાત એમ છે કે સુપ્રીમ કોર્ટમાં બે ન્યાયાધીશોની બેન્ચે તમિલનાડુ સરકારની અરજી પર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાજદીપ ધનખડે આનો વાંધો ઉઠાવ્યો હતો. આ પછી, રાષ્ટ્રપતિએ પોતાના પ્રશ્નો મોકલીને સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો.
રાષ્ટ્રપતિએ 12 મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટને 14 પ્રશ્નો પૂછ્યા હતા અને તેનો અભિપ્રાય માંગ્યો હતો. આમાં એ પ્રશ્ન પણ શામેલ હતો કે શું સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરી શકે છે? આ ઉપરાંત, શું રાજ્ય વિધાનસભા દ્વારા બનાવેલા કાયદાને બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની મંજૂરી વિના લાગુ કરી શકાય છે? આ 14 પ્રશ્નો શું હતા એ જાણવા અહીં ક્લિક કરો.
નિયમ મુજબ, સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા સંદર્ભની સુનાવણી કરે છે અને રાષ્ટ્રપતિને પોતાનો અભિપ્રાય આપે છે. કેસની સુનાવણી કરતી બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ એસ. નરસિંહા અને જસ્ટિસ એ.એસ. ચાંદુરકરનો સમાવેશ થાય છે.

