ગુજરાતમાં (Gujarat) હાલ જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે, એ છે ભાજપ (BJP) નેતા કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) અને AAP નેતા ગોપાલ ઇટાલિયા(Gopal Italia) વચ્ચે ચાલી રહેલ વાકયુદ્ધ. જેમાં બંને એકબીજાને ચેલેન્જ આપીને પડકારી રહ્યા છે. ₹2 કરોડના ઈનામથી શરૂ થયેલી માથાકૂટ બંનેના રાજીનામાં પર આવીને અટકી હતી, જેમાં સોમવારે (14 જુલાઈ) ભાજપ નેતા કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે 100થી વધુ ગાડીઓના કાફલા સાથે વાજતે-ગાજતે ગાંધીનગર (Gandhinagar) વિધાનસભામાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કહ્યા મુજબ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી, પરંતુ આ દરમિયાન ગોપાલ ઈટાલિયા કે આમ આદમી પાર્ટીના બીજા કોઈ પણ નેતાઓ પણ ત્યાં ફરક્યાં ન હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગોપાલ ઇટાલિયાને આ બાબતે ફોન કોલ પણ કરવામાં આવ્યો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
વાસ્તવમાં થયું એવું હતું કે, ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પડકાર ફેંક્યો હતો કે, તેઓ અને ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને ફરી ચૂંટણી લડે. જો તેમાં ઇટાલિયા જીતે તો અમૃતિયાએ ₹2 કરોડ આપવાની જાહેરાત કરી હતી. ખાસ વાત તો એ છે કે, ગોપાલ ઇટાલિયાએ સામો વિડીયો બનાવીને આ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો હતો. જોકે, રાજીનામું આપવા જતી વખતે તેઓ આવ્યા જ નહીં એ અલગ વાત છે. આ બધામાં પાણી પછી પાળ બાંધવા આવેલા AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (isudan Gadhvi) ઇટાલિયાનો લૂલો બચાવ કરતા મીડિયા સામે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાના રાજીનામાની તો કોઈ વાત જ નથી થઈ! ગોપાલ ઇટાલિયા કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં. આ ઓછું હોય એમ તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, આ મામલે ભાજપ ખોટો ભ્રમ ફેલાવી રહ્યું છે.
AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કરી હતી સ્પષ્ટતા
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 14, 2025
ગોપાલ ઇટાલિયાના રાજીનામાનો સવાલ જ નથી:ઇસુદાન ગઢવી
રાજીનામાની ચેલેન્જ વચ્ચે BJP-AAPની સ્પષ્ટતા#GopalItalia | #KantiAmrutiya | #GujaratPolitics | #IsudanGadhvi | @isudan_gadhvi pic.twitter.com/giYBVstJ6G
પરંતુ ગોપાલ ઇટાલિયાનો બચાવ કરવા માટે જુઠ્ઠું બોલી રહેલા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી એ ભૂલી ગયા છે કે, ગોપાલ ઇટાલિયાએ પોતે જ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. કાંતિ અમૃતિયા દ્વારા ચેલન્જ આપવામાં આવી હતી, ત્યારે ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવી કાંતિ અમૃતિયાને વળતો પડકાર ફેક્યો હતો કે, તેઓ ચેલેન્જ સ્વીકારે છે અને જો તેઓ મરદ માણસ હશે તો રાજીનામું આપી દેશે. આ ઘટનાક્રમમાં કાંતિ અમૃતિયા તો રાજીનામું આપવા ગાંધીનગર પહોંચી ગયા પરંતુ ભાજપ નેતાની મર્દાનગીનું પ્રમાણપત્ર માંગનાર ગોપાલ ઇટાલિયા ક્યાંય દેખાયા નહીં.
આ રહ્યો એ વિડીયો જેમાં ઇટાલિયા મોટા ઉપાડે ચેલેન્જ સ્વીકારતા રાજીનામું આપવાની વાત કરતા દેખાય છે.
વિડીયોમાં ગોપાલ કહી રહ્યા છે કે, “મોરબીના ધારાસભ્ય એવું કહે છે કે, ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ₹2 કરોડનું ઈનામ પણ આપીશ. તો મોરબીના ધારાસભ્યએ આપેલી ચેલેન્જ આપણે સ્વીકારી લઈએ છીએ, સહર્ષ.”
વધુમાં તેઓ બડાઈ હાંકતા મોરબીના ધારાસભ્યને કહે છે કે, ”શૂરા બોલ્યા ના ફરે.. જો તમે મરદ માણસ હોવ અને જુબાનના પાક્કા હોવ તો આજે 10 તારીખ થઈ છે. મોડામાં મોડું 12 તારીખ સુધીમાં તમારું રાજીનામું પડી જવું જોઈએ” અને અંતે તેઓ કહે છે કે,” ગોપાલ ઇટાલિયા વટથી ચેલેન્જ સ્વીકારે છે.”
આ વિડીયોમાં તેઓ ‘વટથી’ ચેલેન્જ સ્વીકારવાની વાત કરતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે ‘શૂરા બોલ્યા ના ફરે’ જેવા ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરી ભાજપ નેતાને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સિવાય તેઓ વિડીયોમાં સ્પષ્ટ કહેતા સંભળાય છે કે, તેઓ કાંતિ અમૃતિયાની ચેલેન્જનો સ્વીકાર કરી રહ્યા છે. તેમ છતાં તેમની પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કહે છે કે, ‘એવી કોઈ વાત જ નથી થઈ’! આ સમગ્ર ઘટનાક્રમને જોતાં લાગી રહ્યું છે કે, ઈસુદાન ગઢવી માત્ર અને માત્ર ઇટાલિયાનો બચાવ કરવા મેદાને ઉતર્યા છે. એ જ ઇટાલિયા જેમણે કહ્યું હતું કે, ‘શૂરા બોલ્યા ન ફરે.’ હવે કોણ શૂરા છે અને કોણ નહીં એ નિર્ણય તો વાંચકો કરી શકે.


