બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Elections) પહેલાં ચાલી રહેલા વૉટર લિસ્ટ રિવિઝન પ્રક્રિયા (Voters list Revision) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે (10 જુલાઈ) સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ પ્રક્રિયા પર રોક લગાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જોકે સાથે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો છે કે તેઓ ઓળખ સાબિત કરવા માટેના દસ્તાવેજોમાંથી આધાર કાર્ડ કઈ રીતે બાકાત રાખી શકે?
કોર્ટે કોઈ વચગાળાનો આદેશ પસાર કર્યો નથી. જોકે ચૂંટણી પંચ પાસે અમુક બાબતોનો ખુલાસો માંગવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું, “મામલાની સુનાવણી થવી જોઈએ. 28 જુલાઈએ યોગ્ય કોર્ટ સમક્ષ લિસ્ટ કરવામાં આવે. ચૂંટણી પંચ એક અઠવાડિયામાં અથવા 21 જુલાઈ પહેલાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરે. 28 જુલાઈ પહેલાં રિજોઇન્ડર દાખલ કરવામાં આવે.”
#BiharElections2025 Justice Dhulia : The matter needs hearing. Let it be listed on July 28 before appropriate court. Let counter be filed within one week , on or before July 21 and rejoinder before July 28. ,
— Bar and Bench (@barandbench) July 10, 2025
કોર્ટે કહ્યું કે, “ચૂંટણી પંચે વોટર વેરિફીકેશન માટે જે દસ્તાવેજોની યાદી આપી છે તેમાં 11 ચીજોનો સમાવેશ થાય છે અને તેમને જણાવ્યું છે કે તે સંપૂર્ણ નથી. જેથી અમારા મત મુજબ જો આમાં આધાર કાર્ડ, EPIC કાર્ડ અને રાશન કાર્ડ પણ સામેલ કરવામાં આવે તો એ ન્યાયના હિતમાં હશે. હવે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે તેઓ આ ડોક્યુમેન્ટ્સ રાખવા માંગે છે કે કેમ. જો તેઓ સામેલ કરવા ન માંગતા હોય તો તેનાં કારણો રજૂ કરવાં પડશે.”
કોર્ટે સાથે એમ પણ કહ્યું કે વૉટર લિસ્ટનું પુનઃ મૂલ્યાંકન કરવાની જોગવાઈ બંધારણમાં પણ છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું, “તેઓ (ચૂંટણી પંચ) જે કરી રહ્યા છે એ બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે. તમે એવું ન કહી શકો કે આ ગેરબંધારણીય છે. તેમણે અંતિમ વખત આવી પ્રક્રિયા ક્યારે થઈ હતી (2003) તે પણ જણાવ્યું છે. તેમની પાસે ડેટા છે. ચૂંટણી પંચ પાસે પ્રક્રિયા કરવા માટે પૂરેપૂરો તર્ક છે.”
ઉલ્લેખનીય છે કે 24 જૂનના રોજ ચૂંટણી પંચે બહાર પાડેલા નિર્દેશ અનુસાર, 2003ના ઇલેક્ટોરલ રોલમાં જેમનાં નામ ન હોય તેવા મતદારોએ નાગરિકતા પુરવાર કરવા માટે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાં પડશે. ડિસેમ્બર 2004 બાદ જન્મેલાઓએ માતા-પિતા બંનેની નાગરિકતા પુરવાર કરતાં પ્રમાણપત્રો રજૂ કરવાં પડશે. આ માટે હાલ રિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટ દોડી ગયેલા વિપક્ષો અને સંગઠનોનું કહેવું છે કે આ પ્રક્રિયા ભૂલભરેલી છે અને તેનો ચૂંટણી પંચ પાસે કોઈ અધિકાર નથી. એવી પણ દલીલો કરવામાં આવી કે તેનાથી જે ખરા મતદારો છે તેમનાં નામ પણ કમી થઈ જશે. એવી પણ દલીલ કરવામાં આવી કે તેનાથી નાગરિકતા સાબિત કરવા માટે ‘બર્ડન ઑફ પ્રૂફ’ સરકારને સ્થાને નાગરિકો પર આવી જાય છે. સાથે આધાર-રાશન સામેલ ન કરવા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. જોકે કોર્ટે હાલ કોઈ રોક લગાવી નથી.


