હોમપેજગુજરાતશું ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી અટકી ગઈ છે? ના– અહીં વાંચો...

શું ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી અટકી ગઈ છે? ના– અહીં વાંચો શું છે હાલની સ્થિતિ અને આગળ કઈ રીતે થશે કામગીરી

વાસ્તવિકતા એ છે કે કાર્યવાહી પર કોઈ પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું નથી. કાર્યવાહી સંપૂર્ણ થશે અને આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે, પરંતુ હવે તબક્કાવાર આ કામગીરી હાથ ધરવામાં આવશે. 

- Advertisement -

અમદાવાદના ચંડોળા તળાવ (Chandola Talav) વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ મોટાપાયે ચલાવવામાં આવી રહેલી ગુજરાત સરકારની ડિમોલિશન કાર્યવાહીની (Demolition Drive) ઝડપ થોડી ધીમી પડ્યા બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં એક ચર્ચા એવી ચાલી રહી છે કે અમુક કારણોસર કામગીરી અડધેથી જ અટકાવીને વીંટો વાળી દેવામાં આવ્યો છે. પ્રશાસન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આમાં હકીકત થોડી જુદી છે. 

વાસ્તવિકતા એ છે કે કાર્યવાહી પર કોઈ પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું નથી. કાર્યવાહી સંપૂર્ણ થશે અને આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે, પરંતુ હવે તબક્કાવાર આ કામગીરી હાથ ધરવામાં આવશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આધારભૂત સૂત્રો તરફથી ઑપઇન્ડિયાને અમુક વિગતો પ્રાપ્ત થઈ છે. જેનાથી ઘણીખરી બાબતો સ્પષ્ટ થઈ જાય છે. 

- Advertisement -

પહેલા તબક્કામાં જે બાંધકામ દૂર થયાં તેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે 

જાણકારી અનુસાર, પહેલા તબક્કામાં ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોએ તાણી બાંધેલાં અંદાજિત 4 હજાર જેટલાં ઝૂંપડાં બુલડોઝર કાર્યવાહીથી હટાવી દેવામાં આવ્યાં હતાં. જેનાથી લગભગ દોઢ લાખ ચોરસ મીટર વિસ્તાર દબાણમુક્ત કરવામાં આવ્યો છે. 

હાલ કાર્યવાહી થોડી ધીમી પડી છે તેનું કારણ એ છે કે પ્રથમ તબક્કામાં જે ઝૂંપડાં તોડવામાં આવ્યાં, તેના કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કાટમાળ દૂર થશે ત્યારબાદ બીજા તબક્કામાં કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે. ઉપરાંત, તળાવને ક્રમશઃ પાણીથી ભરવાનું પણ શરૂ કરી દેવામાં આવશે. 

તળાવ પાણીથી ભરાશે, પણ પહેલાં પાળાઓ દૂર કરવા જરૂરી 

આખું તળાવ પાણીથી ભરવા માટે પહેલાં આસપાસનાં નાનાં તળાવો અને મોટા તળાવને અલગ કરતા પાળા અને તેની ઉપર કરવામાં આવેલાં દબાણો દૂર કરવાં જરૂરી છે. જે દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ઉપરાંત, ત્યાં ફરીથી કોઈ પ્રકારનું દબાણ ન થાય તે માટે કમ્પાઉન્ડ વૉલ પણ બનાવવામાં આવી રહી છે. 

હાલ બીજા તબક્કા માટે સરવેની કામગીરી ચાલી રહી છે 

હાલ તળાવના વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામો હયાત છે તે બીજા તબક્કામાં હટાવવામાં આવશે. જેના માટે હાલ સરવેની કામગીરી ચાલી રહી છે. પહેલાં આ લોકોને દબાણો પોતાની રીતે હટાવી લેવા માટે સૂચના આપવામાં આવશે. ત્યારબાદ મુદત પૂરી થયે પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા સાથે મળીને તળાવની અંદર અને આસપાસનાં દબાણો તબક્કાવાર દૂર કરવાની કામગીરી હાથ ધરશે. તે પહેલાં વીજ કનેક્શન કાપવા જેવી કાર્યવાહી પણ થશે. જેના માટે હાલ સરવે ચાલી રહ્યો છે. 

જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા સૂચના આપવા છતાં પણ જો દબાણ કરનારાઓ સ્વૈચ્છિક રીતે આવાસો ખાલી નહીં કરે તો મહેસૂલ વિભાગ લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ કાર્યવાહી કરીને દબાણો દૂર કરશે. 

આટલી વિગતો પરથી સ્પષ્ટ છે કે કાર્યવાહી અટકાવવામાં આવી હોવાની વાતોમાં કોઈ તથ્ય નથી. કામગીરી ચાલી જ રહી છે. તબક્કાવાર ચાલી રહી છે અને સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ પ્રશાસન રાહતનો શ્વાસ લેશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં