
મધ્ય-પૂર્વના દરિયાઈ વિસ્તારમાં ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે (13 જૂન) ભારતીય ક્રૂ ધરાવતા જહાજ ‘લીઆકી ફ્રીડમ’ પર હુમલાની અફવાઓ ઉડી હતી. જોકે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) આ અહેવાલોને સદંતર ફગાવી દેતા તેને ‘ફેક ન્યુઝ’ ગણાવ્યા છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે સરકારે સીધો જહાજના કેપ્ટન સાથે સંપર્ક સાધ્યો છે અને તમામ ભારતીય ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.
અગાઉ ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઑફ ઇન્ડિયા દ્વારા વ્હીકલનું વીએચએફ (VHF) રેડિયો કનેક્શન ન મળવાને કારણે ચિંતા વ્યક્ત કરાઈ હતી, જેનો લાભ લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી. ભારતીય એજન્સીઓએ તુરંત એક્શનમાં આવીને જહાજના લોકેશનને ટ્રેક કરી લીધું હતું અને વિદેશ મંત્રાલયે સત્તાવાર ફેક્ટ-ચેક જાહેર કરીને દેશવાસીઓને આવી ભ્રામક અફવાઓથી સાવધ રહેવા અપીલ કરી છે.
Fake News Alert!
— MEA FactCheck (@MEAFactCheck) June 13, 2026
Please stay alert against such false and baseless claims and posts on social media. pic.twitter.com/Xn8I65LdKu
આ અફવાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે આ સપ્તાહે ઓમાનની ખાડી નજીક અમેરિકી સૈન્યએ ઈરાનની નાકાબંધીના નામે વિદેશી ધ્વજ ધરાવતા માલવાહક જહાજોને નિશાન બનાવ્યાં છે. અમેરિકી નૌસેનાની આ સૈન્ય કાર્યવાહીમાં આ અઠવાડિયે ત્રણ અલગ-અલગ જહાજોને (એમટી મેરીવેક્સ, એમટી સેટ્ટેબેલો અને એમટી જલવીર) નિશાન બનાવાયાં હતાં.
જોકે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોતાના અમેરિકી સમકક્ષ માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરીને ભારતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે વૈશ્વિક વેપારી જહાજો પર આ પ્રકારની જીવલેણ સૈન્ય કાર્યવાહી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને તે તુરંત બંધ થવી જોઈએ.

