હોમપેજરાજકારણકોંગ્રેસનું રાજકારણ, કોંગ્રેસનું સેક્યુલરિઝમ: જેમને મહાકુંભમાં થઈ હતી ગરીબીની ચિંતા, જેમના માટે...

કોંગ્રેસનું રાજકારણ, કોંગ્રેસનું સેક્યુલરિઝમ: જેમને મહાકુંભમાં થઈ હતી ગરીબીની ચિંતા, જેમના માટે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા હતો ‘રાજનીતિક કાર્યક્રમ’, તેઓ હોંશેહોંશે દોડી ગયા ઇફ્તાર પાર્ટીમાં

મલ્લિકાર્જુન ખડગેએ એક મંચ પરથી જાહેર સભામાં કહ્યું હતું કે મહાકુંભમાં જવાથી શું ગરીબી દૂર થઈ જશે? હવે પ્રશ્ન એ છે કે શું ઈફ્તાર પાર્ટીઓ કરવાથી ગરીબી દૂર થઈ જશે?

- Advertisement -

ભાજપ જ્યારે કહે કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી કે હિંદુઓનો વિરોધ કરનારી પાર્ટી છે ત્યારે ઘણા એને રાજનીતિથી પ્રેરિત નિવેદનો કે ગપગોળા માને છે. પણ સમયાંતરે આ વાતની સાબિતી બીજું કોઈ નહીં પણ સ્વયં કોંગ્રેસના નેતાઓ જ આપતા રહ્યા છે.

હમણાં રમજાન ચાલી રહ્યો છે. રમજાનમાં ઇફ્તાર પાર્ટીઓ થાય છે. 2014માં મોદી આવ્યા પહેલાં રમજાનમાં ઇફ્તાર પાર્ટીઓ કરવી એ રાજકીય પક્ષોની પ્રિય પ્રવૃત્તિ હતી. એમાં સત્તાધારી પક્ષ અને સરકાર પણ આવી ગયાં. મોદીએ આવીને આ બધું બંધ કરાવી દીધું એટલે હવે ચર્ચા ઓછી જોવા મળે છે કે રાષ્ટ્રીય રાજકારણમાં તેનું રિલેવન્સ રહ્યું નથી, પણ હજુ પણ આવી પાર્ટીઓ થાય છે ખરી. 

આવી જ એક પાર્ટી ગુરુવારે (20 માર્ચ) ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા આયોજિત કરવામાં આવી. આ પાર્ટીમાં આમ તો ઘણા નેતાઓ, હસ્તીઓએ ભાગ લીધો પણ ખાસ નામો જેની ચર્ચા કરવી જોઈએ એ છે- મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, જયા બચ્ચન વગેરે વગેરે. 

- Advertisement -

મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જાણકારો કહે છે કે આ ભાઈનું પદ જોકે નામનું છે અને નિર્ણયો હજુ પણ 10 જનપથ પરથી જ લેવાય છે. એટલે તેમને આવી પાર્ટીઓમાં જવાનો ભરપૂર સમય મળી રહેતો હશે એ માનવામાં આવે એવી વાત છે. તેઓ જતા હોય તેમાં કોઈને વાંધો પણ ન હોય, પરંતુ વાચકોને જાણ હશે કે આ ભાઈ હજુ મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં જનારાઓને સલાહ આપી રહ્યા હતા. 

મલ્લિકાર્જુન ખડગેએ એક મંચ પરથી જાહેર સભામાં કહ્યું હતું કે મહાકુંભમાં જવાથી શું ગરીબી દૂર થઈ જશે? હવે પ્રશ્ન એ છે કે શું ઈફ્તાર પાર્ટીઓ કરવાથી ગરીબી દૂર થઈ જશે? હકીકત એ છે કે ઈફ્તારને કે મહાકુંભને ગરીબી સાથે કંઈ લેવાદેવા નથી. ઉપરથી મહાકુંભ લાખો-કરોડોનો કારોબાર વધારે છે, ઇફ્તારમાં એવું કંઈ થતું નથી. પણ મલ્લિકાર્જુને વૉટબેન્ક સાચવવાની છે. એક તરફ હિંદુ આસ્થાના મહાપર્વનો ઉપહાસ કરવો, મજાક ઉડાવવી, શ્રદ્ધાથી ત્યાં જનારાઓને ચાબખાં મારવાં અને બીજી તરફ ઇફ્તારનું આમંત્રણ મળે તો હોંશે-હોંશે દોડી જવું- હિન્દીમાં આના માટે એક સરસ શબ્દ છે- દોગલાપન. 

સોનિયા ગાંધી જ્યારે સુપર પીએમ હતાં ત્યારે UPA સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે ભગવાન રામ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવાઓ કે પ્રમાણ મળ્યાં નથી. કેન્દ્રમાં બેઠેલી સરકાર આવું સોગંદનામું કરે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે પણ કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે ભલભલું થાય તેના પરચા તેઓ આપણને હજુ પણ અમુક રાજ્યોમાં જ્યાં સરકાર છે ત્યાંથી બતાવતા રહે છે. 

આ જ સોનિયા ગાંધીને જ્યારે 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલા રામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મોકલવામાં આવ્યું તો તેમણે ઠુકરાવી દીધું. આ યાદીમાં ગરીબીવાળા ભાઈ મલ્લિકાર્જુન ખડગે અને તત્કાલીન લોકસભા વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે. 

આ આમંત્રણ કેન્દ્રની સરકારે નહીં પણ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે પાઠવ્યું હતું. મંદિર નિર્માણમાં સરકારની કોઈ ભૂમિકા રહી જ ન હતી. પરંતુ નરેન્દ્ર મોદી ભગવાનની પૂજા કરવાના હતા, હિંદુ આસ્થાનો એક નવો યુગ શરૂ થવાનો હતો એ પ્રસંગે કોંગ્રેસીઓ કઈ રીતે ઉપસ્થિત રહી શકે? પછી બહાનાં એવાં કાઢવામાં આવ્યાં કે કાર્યક્રમનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. તો ભલા માણસો, તમને સિત્તેર વર્ષ સુધી આવું ‘રાજનીતિકરણ’ કરતા કોણે રોક્યા હતા? 

બીજાં એક નેતા, જેમની આમ તો રાષ્ટ્રીય રાજકારણમાં પ્રાસંગિકતા શૂન્ય બરાબર છે, પણ ચર્ચા નીકળી છે તો આગળ વધારીએ. જયા બચ્ચન. આ બેને મહાકુંભ વિશે અત્યંત આપત્તિજનક નિવેદન આપતાં કહ્યું હતું કે ભાગદોડમાં જેઓ મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહો નદીમાં ફેંકી દેવામાં આવ્યા. કોઈ આધાર-પુરાવા વગર હિંદુ મહાપર્વ વિશે સંસદમાં આવી હીન કક્ષાની ટિપ્પણીઓ કરનાર હવે ઈફ્તાર પાર્ટીમાં ભાગ લઈ રહ્યાં છે. 

એ હકીકત છે કે ઇફ્તાર પાર્ટીઓ કાયમ તુષ્ટિકરણના રાજકારણનો એક ભાગ રહી છે. રમજાન કે અન્ય પ્રસંગોએ આવી પાર્ટીઓ કરીને સમુદાય વિશેષની મોટી વૉટબેન્ક સાચવવા માટે પાર્ટીઓ હવાતિયાં મારતી રહે છે. બીજી તરફ હિંદુઓની ચિંતા કોઈને નથી, એટલે તેમના તહેવારો, સંસ્કૃતિ કે ધર્મ વિશે કોઈ પણ સ્ટેજ પર ચડીને લવારા કરી જાય છે. તેમના મંદિરોમાં થતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ‘રાજકીય કાર્યક્રમ’ ગણાવી દેવામાં આવે છે અને 144 વર્ષે થતા મહાકુંભ વિશે પૂછવામાં આવે છે કે તેનાથી શું ગરીબી દૂર થઈ જશે? 

એક તરફ આ રાજકીય પાર્ટીઓ હિંદુઓને નીચા દેખાડવામાં, તેમની આસ્થાની મજાક ઉડાવવામાં કોઈ કસર બાકી રાખતી નથી અને બીજી તરફ આવી પાર્ટીઓ કરીને, ખાસ અનામત જાહેર કરીને કે લલચાવનારી જાહેરાતો કરીને સમુદાય વિશેષના તુષ્ટિકરણમાં રત રહે છે. વળી બહાર આવીને એવું પણ કહે છે કે દેશમાં સાંપ્રદાયિક રાજકારણ વધી રહ્યું છે. ભાજપ પર આરોપ લગાવે છે કે તેઓ કોમવાદી બની રહ્યા છે. કારણ કે આ મહાન આત્માઓએ દરેક બાબત માટે વ્યાખ્યાઓ સ્વયં ઘડી છે અને સેક્યુલરિઝમની તેમણે પોતે ઘડેલી વ્યાખ્યા જ એ છે કે હિંદુવિરોધ, મુસ્લિમ તુષ્ટિકરણ એટલે પંથનિરપેક્ષતા. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં