પાડોશી દેશ ચીનમાં આમ તો ઘણાં બધાં નિયંત્રણો છે, પણ તેમ છતાં અહીં ઉઇગર મુસ્લિમોની કફોડી હાલત અને તેમના ઉપર થતા દમન વિશે સમયેસમયે જાણકારીઓ સામે આવતી રહે છે. તાજેતરમાં આવો જ એક કેસ સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ મહિલાને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. કારણ એ છે કે તે તેના પુત્ર અને પાડોશીનાં બાળકોને કુરાનના પાઠ ભણાવી રહી હતી. તેને શિનજિયાંગની જેલમાં નાખવામાં આવી છે. મહિલા પર આરોપ છે કે તેણે બાળકોને કુરાનની આયાતો શીખવીને ‘ગેરકાયદેસર મઝહબી ગતિવિધિ’ને અંજામ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનની ધાર્મિક ગતિવિધિઓના કાયદાનું ઉલ્લંઘન કરનાર મહિલાનું નામ રોઝી હોવાનું સામે આવ્યું છે અને તે સાયબાંગની રહેવાસી છે. આ મામલે માત્ર તે એક જ નહીં, એના પુત્રો સત્તાર કાદિર અને યુસુફ કાદિરને પણ સજા આપવામાં આવી છે. તેમના પર ગેરકાયદેસર મઝહબી ગતિવિધિઓમાં ભાગ લેવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. ચીનના કાયદા અનુસાર તેમણે તેમની અમ્મી પાસેથી ઇસ્લામના પાઠ ભણીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ રોઝીના પાડોશી હિદાયત યાકુબને પણ આ મામલે દોષી જાહેર કરીને તેને 9 વર્ષની સજા આપવામાં આવી છે.
સ્થાનિક પોલીસ અધિકારીને ટાંકીને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સત્તાર અને યુસુફે 2004થી લઈને 2008 સુધી તેમની અમ્મી રોઝી પાસેથી મઝહબી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ જૂન 2006માં તેમણે ત્રણ દિવસ માટે તેના પાડોશી યાકુબ હિદાયતને પણ મઝહબી શિક્ષા આપી હતી. આ તમામને હાલ દોષી જાહેર કરીને સજા ફટકારવામાં આવી છે.
નોંધવું જોઈએ કે ચીનમાં આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરપંથને નાથવા માટે ત્યાંની સરકારે ઉઇગર મુસ્લિમો પર અનેક નિયંત્રણો નાખ્યાં છે. જેમાં કુરાનની આયાત પઢવી, મસ્જિદોમાં જવું, પુરુષોએ દાઢી વધારવી…આ બધી બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
આ એક નહીં, આવા અનેક કિસ્સાઓ
ચીનમાં મુસ્લિમોની કફોડી હાલત જગજાહેર છે. અહીં ઉઇગર મુસ્લિમો પર એ હદના અત્યાચારો કરવામાં આવે છે કે તેમનું જીવન નર્ક કરતાં પણ ભયાવહ છે. ચીનમાં દાયકાઓથી ઉઇગર મુસ્લિમો પ્રતાડનાઓનો ભોગ બનતા આવ્યા છે. ચીનની સરકારે તેમની પેઢીઓની પેઢીઓ ખતમ કરી નાખી છે અને આ અત્યાચારો હજુ પણ યથાવત છે. આમ તો આખા દેશમાં આ જ હાલત છે પરંતુ શિનજિયાંગ પ્રાંત અને તેનો આસપાસનો વિસ્તાર ચીની ઉઇગર મુસ્લિમો માટે નર્કાગાર જેવો છે.
ચીનના ઉત્તર-પશ્ચિમે આવેલ શિનજિયાંગ પ્રાંતમાં સહુથી વધુ 35 લાખ ઉઇગર મુસ્લિમો વસે છે. આ જગ્યા તેમના પર દમન અને અત્યાચારો માટે વિશ્વભરમાં કુખ્યાત છે. અહીં મુસ્લિમોના મઝહબી બાબતોનું પાલન કરવું તે કાયદાકીય રીતે ગુનો છે. મુસ્લિમો અહીં કુરાનનું પઠન, નમાઝ પઢવી કે મસ્જિદમાં જવા જેવી ગતિવિધિઓનું પાલન નથી કરી શકતા. અહીં મુસ્લિમો અને અન્ય અલ્પસંખ્યક લોકોને સતત નજરકેદ રાખવામાં આવે છે. આ તમામ બાબતો ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના (CCP) નિયંત્રણ હેઠળ છે અને તેના દ્વારા જ આ આકરા નિયમો બનાવવામાં આવ્યા છે.
CCP દ્વારા ઉઇગર મુસ્લિમોને આતંકવાદી કે પછી આતંક સમર્થક તરીકે જોવામાં આવે છે અને તેમને સતત નજરકેદ રાખવામાં આવે છે. અહીં મોટાપાયે ઉઇગર મુસ્લિમોને કોમ્યુનિટી કેમ્પમાં મોકલવામાં આવે છે. આ પ્રકારની શિબિરો એક પ્રકારની જેલ જેવી જ હોય છે પરંતુ ચીને શરૂઆતમાં તો આ ડિટેન્શન સેન્ટરોના અસ્તિત્વને જ નકારી દીધું હતું અને આવું કંઈ હોવાની ઘસીને ના પાડી દીધી હતી. પરંતુ પછીથી કહ્યું હતું કે આ એક વૉકેશનલ ટ્રેનિંગ સ્કૂલ છે, જ્યાં ધાર્મિક કટ્ટરવાદ રોકવા માટેનું ‘શિક્ષણ’ આપવામાં આવે છે.
મુસ્લિમોની વફાદારી પર શંકા, રહે છે સતત સરકાર-પોલીસની નજર
પોલીસ અને સરકાર સતત અહીં નજર રાખે છે અને ઉઇગર મુસ્લિમોને એક રીતે કેદમાં જ રાખવામાં આવે છે. CCP સતત ઉઇગર મુસ્લિમોનું ચીનીકરણ કરી રહી છે. તેમના પર ચીનના મુખ્ય ધર્મ અને ધાર્મિક બાબતને સ્વીકારવા માટે દબાણ કરવામાં આવે છે. ચીનને એમ લાગે છે કે ઉઇગર મુસ્લિમો ચીન માટે વફાદાર નથી, તેમની વફાદારીને કાયમ શંકાની નજરે જ જોવામાં આવે છે. આ પ્રકારના સેન્ટરોમાં પુરુષો તો પ્રતાડિત છે જ, પરંતુ મહિલાઓ પણ તેમાંથી બાકાત નથી. અહીં મહિલાઓ સાથે બળાત્કાર જાણે અહીં સામાન્ય બાબત બની ગઈ છે. પહેલાં મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવે છે અને ત્યારબાદ બળજબરીથી ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. લાખો મહિલાઓ પર આ અત્યાચાર થતા રહ્યા છે.
માત્ર શિનજિયાંગ પ્રાંતમાં જ ઉઇગર મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે એવું નથી, પરંતુ અન્ય જગ્યાઓ પર પણ આ જ હાલત છે. વર્ષ 2022માં અમેરિકાના વિદેશ મંત્રાલયના વિભાગ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ચીનમાં રહેતા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો વિશે ખુલીને લખવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે CCP મુસ્લિમો વિરુદ્ધ ક્રૂરતાભર્યાં પગલાં લઈ રહી છે. એક રીતે આ અત્યાચારોને ‘નરસંહાર‘ પણ કહેવામાં આવ્યો હતો.
તેને નરસંહાર કરવા પાછળનું કારણ પણ ભયાવહ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચીન સરકારે લગભગ 900,000 ઉઇગર મુસ્લિમ બાળકોને તેમના અમ્મી-અબ્બુથી અલગ કરી દીધાં હતાં. CCP ઈચ્છે છે કે ઉઇગર મુસ્લિમો પોતાનું વર્તમાન અસ્તિત્વ ત્યજીને ‘હાની ચીની’ સંસ્કૃતિને અપનાવી લે. આ માટે તે એક રીતે શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોનો સફાયો કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 1941માં શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોની આબાદી 80% હતી અને હાની ચીનીઓની આબાદી માત્ર 5% હતી. વર્તમાન સમયમાં આ આંકડો 42%એ પહોંચી ગયો છે, જ્યારે હાની ચીની સમુદાયની આબાદી વધીને 37% થઈ ગઈ છે.
નસબંધી-યાતના-પ્રતાડનાથી મુસ્લિમોનું નામોનિશાન મિટાવી દેશે ચીન
આ આંકડા જોઇને માનવાધિકાર સંસ્થાઓએ ચીને માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે. આ મામલે માનવાધિકાર ઉચ્ચાયુક્ત (OHCHR) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચીન અને CCP સરકારની આ હરકત નિંદનીય છે. આયોગે લોકોને ગુમ કરી દેવા, નસબંધી, યાતના-પ્રતાડના, રાજનૈતિક કાવતરા અને યૌન શોષણ જેવા જધન્ય અપરાધોના આરોપ લગાવીને ચીનને ભાંડ્યુ હતું. એક આંકડા અનુસાર ગેરકાયદેસર નસબંધી કર્યા બાદ ચીનની સરકારે 45 લાખથી વધુ ઉઇગર મુસ્લિમોને જન્મ લેતા અટકાવી દીધા. આટલી ક્રૂરતા આચરવા માટે CCP કોઈ પણ હદ પાર કરતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
આરોપ છે કે CCP ઉઇગર મુસ્લિમોની જાસૂસી કરાવે છે. તેના માટે સરકાર અધિકારીઓને પરિવારો વચ્ચે પોતાના એજન્ટ મૂકી દે છે. આ એજન્ટો ઉઇગર મુસ્લિમોના પરિવારો વચ્ચે રહીને જાસૂસી કરતા રહે છે. આટલું જ નહીં, સરકાર ઉઇગર મુસ્લિમોના પરિવારના સભ્યો અને પાડોશીઓને પણ લલચાવી કે ડરાવી-ધમકાવીને એકબીજાની જાસૂસી કરાવે છે. બીજી તરફ ઉઇગર મુસ્લિમોને સતત નજર કેદ રાખીને તેમની પાસેથી એક-એક સેકન્ડનો હિસાબ લેવામાં આવે છે. ઉઇગર મુસ્લિમોએ ચીની અધિકારીઓને પોતાની સંપૂર્ણ દિનચર્યા વિશે જણાવવું પડતું હોય છે.
24/7 મુસ્લિમો નજરકેદ, આપવો પડે છે પળેપળનો ડેટા
સરકાર માત્ર જાસૂસી જ નહીં, સીધી રીતે પણ ઉઇગર મુસ્લિમોના જીવનમાં દખલગિરી કરતી આવી છે. તેમના ફોનના ટેપિંગથી માંડીને ઘરની સજાવટ, તેમનો મઝહબ પ્રત્યેનો લગાવ, તેમની ચાલચલણ વગેરે સરકાર અને તેના અધિકારીઓની નજર હેઠળ જ થાય છે અને ઉઇગર મુસ્લિમોને અધિકારીઓને આ તમામ ડેટા પૂરો પાડવાનો હોય છે. જો તે લોકો આમ ન કરે તો તેમને આકરી સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે.
CCPના નેતાઓ જાહેરમાં તે વાતને ખચકાયા વગર સ્વીકારે છે કે શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોનું ચીનીકરણ થવું જરૂરી છે અને તેને કોઈ પણ સંજોગોમાં અટકાવી કે ટાળી શકાય તેમ નથી. CCP ઉઇગર મુસ્લિમોને કોઈ પણ પ્રકારની મઝહબી સ્વતંત્રતા આપવા નથી ઈચ્છતી. તેમનું માનવું છે આમ કરવાથી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને મઝહબી કટ્ટરતા વધશે. ઉઇગર મુસ્લિમોને તેમના મઝહબી મૂળથી દૂર કરવા પ્રાંતની મસ્જિદોને તોડીને જગ્યાઓ સમતળ કરવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે પ્રાંતની મુલાકાત લઈને જાહેરમાં ચીનીકરણની હિમાયત કરે છે. સરકારે મસ્જિદો તોડીને તે સ્થળને પર્યટન સ્થળ સહિત જાહેર સ્થળોને બનવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આતંકવાદી હુમલા બાદ સરકારને મળી ગયો છુટ્ટો દોર
ચીનમાં 2013-14 માં થયેલા આતંકવાદી હુમલાઓ થયા હતા અને તેના આરોપ ઉઇગર મુસ્લિમો પર લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સરકારને જાણે છુટ્ટો દોર મળી ગયો. ત્યારથી લઈને આજ દિન સુધી ઉઈગરોની જિંદગી નર્ક કરતાં પણ ખરાબ બની ગઈ છે. મુસ્લિમોની વસ્તી નષ્ટ કરવાથી લઈને તેમના સાંસ્કૃતિક વારસાને ખતમ કરી દેવા માટે જે કંઈ કરવું પડે તે ચીનની સરકારે કર્યું છે. CCP સરકારનું માનવું છે કે દેશમાં આતંકવાદ ખતમ કરવા અને સાર્વભૌમત્વ સ્થાપવા અંતે ઉઇગર મુસ્લિમોનો અંત જરૂરી છે. આ માટે મસ્જિદોથી લઈને મઝહબી બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2017થી 2020 સુધીમાં માત્ર શિનજિયાંગ પ્રાંતના 900 વિસ્તારોમાં કુલ 16 હજાર મસ્જિદો કાં તો અડધી તોડી નાંખવામાં આવી કાં તો સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાંખવામાં આવી હતી.
આ ઉપરાંત, ચીનની મોટી મસ્જિદોના ગુંબજ અને મિનારા તોડી નાખીને આ ઇમારતોનું ચીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુંબજ અને મિનારા સામાન્ય રીતે ઇસ્લામિક બાંધકામની ઓળખ ગણાય છે, જેથી ચીનમાં મસ્જિદો પરથી આ મિનારા અને ગુંબજ જ હટાવી દેવામાં આવ્યા છે અને ઇમારતને સામાન્ય કરી નાંખવામાં આવી છે. એટલું જ નહીં, એક ગામમાં તો મસ્જિદ તોડી પાડીને ત્યાં શૌચાલય બનાવ્યાના પણ દાખલા છે.
મુસ્લિમો પર અત્યાચાર કરવાના નામે ભારતને ભાંડતા મુસ્લિમ દેશો ચીન પર ચુપ
ચીનમાં મુસ્લિમોની કફોડી હાલત અને ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા આટલા અત્યાચારો છતાં વિશ્વ આખાના મુસ્લિમ દેશો તેના પર મૌન સાધીને બેઠા છે. પાકિસ્તાન સહિતના ઇસ્લામિક રાષ્ટ્રો ભારતને ટાર્ગેટ કરવાનો એક પણ મોકો નથી ચૂકતા, પરંતુ જ્યારે વાત ચીન અને ત્યાના મુસ્લિમોની આવે ત્યારે તેમના મોઢામાં મગ ભરાઈ જાય છે. ચીનમાં દાયકાઓથી મુસ્લિમો વિરુદ્ધ અત્યાચારો થતા આવ્યા છે, પણ મજાલ છે કોઈ મુસ્લિમ દેશ તેની સામે બોલી શકે. પાડોશી દેશ પાકિસ્તાનની જ વાત કરીએ, તો ભારતને પોતાનું દુશ્મન ગણાવીને ભારતીય મુસ્લિમો પર અત્યાચારની પિપૂડી વગાડતા પાકિસ્તાનને ક્યારેય ચીની મુસ્લિમ દેખાયા જ નથી.
જોકે તેની પાછળનું એક કારણ પણ છે, વર્તમાન સમયમાં ચિંથરેહાલ થયેલું પાકિસ્તાન ચીનના ટુકડાઓ પર ગુજરાન ચલાવી રહ્યું છે. તેવામાં જો તે તેના માઈ-બાપ વિરદ્ધ જઈને ચીનમાં મુસ્લિમોની કફોડી હાલત વિશે અવાજ ઉઠાવે, તો તેમના કટોરામાંથી દોકડાના ખનકવાનો આવાજ બંધ થઈ જઈ. જોકે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોની આ પ્રકારની દોગલાઈ જગજાહેર છે. ન તો તેઓ ક્યારેય ચીન વિરુદ્ધ બોલવાની હિંમત કરી શકશે, ન તો ચીન મુસ્લિમોનો ખાત્મો બોલાવવાનું બંધ કરશે. તો જે ચાલી રહ્યું છે તેને જોયા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી.