Monday, July 15, 2024
More
  હોમપેજસ્પેશ્યલચીનમાં લાખો ઉઇગર મુસ્લિમો પર અમાનવીય અત્યાચાર, છતાં સેક્યુલર-લિબરલ વર્ગ આટલાં વર્ષે...

  ચીનમાં લાખો ઉઇગર મુસ્લિમો પર અમાનવીય અત્યાચાર, છતાં સેક્યુલર-લિબરલ વર્ગ આટલાં વર્ષે પણ મૌન

  ભારતમાં ઇસ્લામવાદીઓ, લિબરલો, ડાબેરીઓ અને તેમની આખી ઇકોસિસ્ટમ ‘મુસ્લિમો પર અત્યાચાર’ નો નરેટિવ ચલાવવાની એકેય તક ચૂકતી નથી. પરંતુ ‘મુસ્લિમો પર થતો અત્યાચાર’ ખરેખર કેવો હોય તે જાણવા માટે ચીન એક બહુ સારું ઉદાહરણ છે. 

  - Advertisement -

  ચીનના ઉઇગર મુસ્લિમો ફરીથી ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે ચીનના જે વિસ્તારમાં ઉઇગર મુસ્લિમોની વસ્તી સૌથી વધુ પ્રમાણમાં છે, ત્યાં હાલ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ મુલાકાતે ગયા છે. 2014 બાદ જિનપિંગની આ પહેલી મુલાકાત છે. ઉત્તર-પશ્ચિમે આવેલ શિનજિયાંગ પ્રાંત ઉઇગર મુસ્લિમો પર થતા દમન અને અત્યાચારો માટે વિશ્વભરમાં કુખ્યાત છે. 

  શી જિનપિંગે શિનજિયાંગમાં ફરીથી સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કે તેમની સરકાર ઉઇગર મુસ્લિમો પ્રત્યેની નીતિઓ બદલવાના મૂડમાં નથી અને હાલ જે ચાલી રહ્યું છે એવું જ ચાલશે. વળી તેમણે મુસ્લિમોને એવી પણ સલાહ આપી કે તેમણે ચીનમાં રહેવું હોય તો ચીનની પરંપરા અપનાવી લેવી પડશે અને સત્તાધારી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાની વિચારધારાને અનુરૂપ જ ચાલવું પડશે. 

  ભારતમાં ઇસ્લામવાદીઓ, લિબરલો, ડાબેરીઓ અને તેમની આખી ઇકોસિસ્ટમ ‘મુસ્લિમો પર અત્યાચાર’ નો નરેટિવ ચલાવવાની એકેય તક ચૂકતી નથી. ક્યાંક કોઈ નાનકડી ઘટનાનો પણ પોતાની રીતે એજન્ડા ચલાવવા માટે તેઓ ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ ‘મુસ્લિમો પર થતો અત્યાચાર’ ખરેખર કેવો હોય તે જાણવા માટે ચીન એક બહુ સારું ઉદાહરણ છે. 

  - Advertisement -

  ચીનમાં 2013-14 માં થયેલા આતંકવાદી હુમલાઓમાં આરોપ ઉઇગર મુસ્લિમો પર લગાવવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી ઉઈગરોની જિંદગી નર્ક કરતાં પણ ખરાબ બની ગઈ છે. મુસ્લિમોની વસ્તી નષ્ટ કરવાથી લઈને તેમના સાંસ્કૃતિક વારસાને ખતમ કરી દેવા માટે જે કંઈ કરવું પડે તે ચીનની સરકારે કર્યું છે. 

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં લગભગ 10 લાખ જેટલા ઉઇગર મુસ્લિમો તેમજ અન્ય લઘુમતી મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટમાં આ 15 આંકડો લાખ તો ક્યાંક 20 લાખ જણાવવામાં આવે છે. જોકે, સાચો આંકડો એથી પણ વધારે હોય તો નવાઈ નહીં! ચીને શરૂઆતમાં તો આ ડિટેન્શન સેન્ટરોના અસ્તિત્વને જ નકારી દીધું હતું અને આવું કંઈ હોવાની ઘસીને ના પાડી દીધી હતી. પરંતુ પછીથી કહ્યું હતું કે આ એક વૉકેશનલ ટ્રેનિંગ સ્કૂલ છે, જ્યાં ધાર્મિક કટ્ટરવાદ રોકવા માટેનું ‘શિક્ષણ’ આપવામાં આવે છે. 

  આ ડિટેન્શન સેન્ટરમાં કેદ ઉઇગર મુસ્લિમો પર અનેક અત્યાચારો કરવામાં આવે છે. અહીં પુરુષોને દાઢી રાખવા પર પ્રતિબંધ છે તેમજ કુરાનનું પણ પઠન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસ્લિમોની વસ્તી ઘટાડવા માટે પુરુષોની બળજબરીથી નસબંધી કરાવવામાં આવી હોવાનું પણ અહેવાલોમાં સામે આવી ચૂક્યું છે. જેના કારણે શિનજિયાંગ પ્રાંતમાં જન્મદરમાં ભારે ઘટાડો નોંધાયો છે. 

  ડિટેન્શન સેન્ટરમાં કેદ ઉઇગર મુસ્લિમ મહિલાઓ પર પણ હદ બહારનો અત્યાચાર ગુજારવામાં આવે છે. મહિલાઓ સાથે બળાત્કાર જાણે અહીં સામાન્ય બાબત બની ગઈ છે. પહેલાં મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવે છે અને ત્યારબાદ બળજબરીથી ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. લાખો મહિલાઓ પર આ અત્યાચાર થતા રહ્યા છે. 

  કેદ કરવામાં આવેલ ઉઇગર મુસ્લિમોની દેખરેખ માટે ચીન સરકારે તેમના માણસો રાખ્યા છે, જેઓ ચીનના અધિકારીઓ હોય છે. આ અધિકારીઓ ઉઈગરોના ઘરમાં ઘૂસીને મુસ્લિમોને બળજબરીથી શરાબ અને ભૂંડનું માંસ ખવડાવે છે તેમજ ઘરની મહિલાઓ ઉપર બળાત્કાર પણ કરતા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. 

  ડિટેન્શન સેન્ટરોમાં કેદ કરીને અત્યાચાર કરવા ઉપરાંત ચીનની સરકાર મુસ્લિમોની સાંસ્કૃતિક ઓળખ પણ જડમૂળમાંથી નાશ કરવામાં લાગી છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2017 થી 2020 સુધીમાં માત્ર શિનજિયાંગ પ્રાંતના 900 વિસ્તારોમાં કુલ 16 હજાર મસ્જિદો કાં તો અડધી તોડી નાંખવામાં આવી કાં તો સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાંખવામાં આવી હતી. 

  આ ઉપરાંત, ચીનની મોટી મસ્જિદોના ગુંબજ અને મિનારા તોડી નાંખીને આ ઇમારતોનું ચીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુંબજ અને મિનારા સામાન્ય રીતે ઇસ્લામિક બાંધકામની ઓળખ ગણાય છે, જેથી ચીનમાં મસ્જિદો પરથી આ મિનારા અને ગુંબજ જ હટાવી દેવામાં આવ્યા છે અને ઇમારતને સામાન્ય કરી નાંખવામાં આવી છે. એટલું જ નહીં, એક ગામમાં તો મસ્જિદ તોડી પાડીને ત્યાં શૌચાલય બનાવ્યાના પણ દાખલા છે. 

  ઉઇગર મુસ્લિમો ઉપર થતા અત્યાચારને આટલા શબ્દોમાં સમાવી શકાય તેમ નથી. જેટલી વિગતો પબ્લિક ડોમેઈનમાં છે એ જ અત્યંત ભયાવહ છે. જેથી વાસ્તવિક પરિસ્થિતિ શું હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. જોકે, આટલું થયા છતાં દુનિયાભરના ઇસ્લામિક દેશો ચીન સામે એક શબ્દ પણ બોલી શકતા નથી. 

  પાકિસ્તાન સહિતના ઇસ્લામિક રાષ્ટ્રો ભારત વિશે હંમેશા ટિપ્પણી કરતા રહે છે અને દુનિયાભરનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ ચીનમાં મુસ્લિમો ઉપર થતા અત્યાચાર પર મોં પર આંગળી મૂકીને ચૂપચાપ બેસી રહે છે. 

  ઇસ્લામિક દેશોના આ બેવડાં માપદંડો સમયે-સમયે ઉજાગર થતા રહ્યા છે. નૂપુર શર્મા વિવાદ તેનું તાજું ઉદાહરણ છે. નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે કરેલી કથિત વિવાદિત ટિપ્પણીને લઈને ઇસ્લામિક દેશો ભારત પર તૂટી પડ્યા હતા અને એક આખી ગ્લોબલ ઇકોસિસ્ટમ સક્રિય થઇ ગઈ હતી. આખરે ભાજપે નૂપુર શર્માને બરતરફ કરવાં પડ્યાં હતાં. પરંતુ આ ઝંડા લઈને ફરતો એકેય દેશ આટલા વર્ષે પણ ચીન સામે બોલી શકતો નથી, તે વિચારવા જેવી બાબત છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં