Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસંગીતને ‘હરામ’ માનતા તાલિબાનીઓના ત્રાસને કારણે દેશ છોડવા મજબુર બન્યા અફઘાન સંગીતકારો...

    સંગીતને ‘હરામ’ માનતા તાલિબાનીઓના ત્રાસને કારણે દેશ છોડવા મજબુર બન્યા અફઘાન સંગીતકારો : પાકિસ્તાન જતા ત્યાંથી પણ દેશનિકાલ કરાયા

    તાલિબાનોના 1996 થી 2001 ના શાસન દરમિયાન તાલિબાન સરકારે સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

    - Advertisement -

    ઓગસ્ટ 2021 માં અમેરિકન સેનાના પલાયન બાદ અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાને કબજો મેળવી લીધો હતો. ત્યારથી અફઘાનિસ્તાન ફરીથી 90ના દાયકામાં પરત ફરી રહ્યું છે. તાલિબાની આતંકવાદીઓના ત્રાસના કારણે અફઘાન સંગીતકારો દેશ છોડવા મજબુર બની રહ્યા છે.

    ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, લગભગ 200થી વધુ અફઘાન સંગીતકારો દેશ છોડીને પાકિસ્તાન સ્થળાંતરિત કરી ગયા છે. જોકે, તેમના માટે પાકિસ્તાનમાં રહેવું પણ શક્ય રહ્યું નથી કારણ કે પાકિસ્તાની સરકાર આવા અફઘાન નાગરિકોને પકડીને દેશનિકાલ કરી રહી છે.

    તેમના 1996 થી 2001 ના શાસન દરમિયાન તાલિબાન સરકારે સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ વખતે પણ તાલિબાને કબજો મેળવ્યાના પંદર દિવસમાં દેશમાં સંગીત પર પ્રતિબંધ લાગુ કરી દીધો હતો. તાલિબાને કહ્યું હતું કે, ઇસ્લામમાં સંગીતને હરામ માનવામાં આવે છે અને જેથી જાહેર જગ્યાઓ પર સંગીત વગાડી શકાશે નહીં. જે બાદ તાલિબાનીઓ આ સંગીતકારોના કાર્યક્રમો અટકાવી રહ્યા છે અને તેમના સાધનોની પણ તોડફોડ કરી હતી. તાલિબાનીઓ અનુસાર, સંગીત ઇસ્લામિક કાયદા પ્રમાણે ‘હરામ’ છે.

    - Advertisement -

    આ ડરના કારણે લગભગ 200 જેટલા અફઘાન સંગીતકારો પાકિસ્તાન ભાગી ગયા હતા. દેશ છોડવા મજબુર બનેલા અફઘાન સંગીતકારો અને નાગરિકોએ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ સ્થિત પેશાવરમાં શરણ લીધું છે, પરંતુ અહીં તેમને પૈસાની તંગીના કારણે તકલીફ પડી રહી છે. તો બીજી તરફ પાકિસ્તાની સરકાર તેમને પકડીને ફરી અફઘાનિસ્તાન મોકલી રહી છે. 

    પેશાવરમાં શરણાર્થી તરીકે આવેલા અફઘાન નાગરિકોને પાકિસ્તાન પકડી-પકડીને ફરી અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે. ગયા અઠવાડિયે પેશાવરના તહેલકા વિસ્તારમાંથી પાકિસ્તાન પોલીસે ટ્રાવેલ ડોક્યુમેન્ટ વગર આવેલા ચાર જેટલા અફઘાન નાગરિકોની ધરપકડ કરી હતી. આ તમામ અફઘાનિસ્તાનથી આવેલા સંગીતકારો હતા. 

    જોકે, પાકિસ્તાનની આ કાર્યવાહીનો દેશમાંથી જ વિરોધ થઇ રહ્યો છે. પાકિસ્તાની સંગીતકારો અને રાજકીય પાર્ટીના કાર્યકરોએ અફઘાન નાગરિકોને ફરીથી પરત મોકલવા બદલ પાકિસ્તાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગુરુવારે પેશાવરમાં અફઘાન અને પશ્તોન સંગીતકારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જીવન જોખમે રહેતા અફઘાન સંગીતકારોને બક્ષી દેવાની માંગ કરી હતી.

    અફઘાન સંગીતકારોનું કહેવું છે કે તાલિબાન શાસન હેઠળ તેઓ કામ કરી શકતા નથી અને તેમના વિઝા અને પાસપોર્ટની મુદત પણ પૂર્ણ થઇ ગઈ હોવાથી ટ્રાવેલ ડોક્યુમેન્ટ વગર પાકિસ્તાન આવ્યા છે. ખેબર પખ્તુનખ્વાના પશ્તો સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખ રાશિદ અહમદે તંત્રને અફઘાન નાગરિકો રહી શકે તે માટે ખાસ પરમિટ જારી કરવા માટે અપીલ કરી હતી. 

    આ ઉપરાંત, પેશાવરના કલાકારો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જો અફઘાન નાગરિકોને છોડવામાં નહીં આવે તો ઇસ્લામાબાદ સુધી માર્ચનું આયોજન કરવામાં આવશે. તેમણે અફઘાન નાગરિકોને પરત મોકલવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે લાખો અફઘાન શરણાર્થીઓ આજે પણ પાકિસ્તાનમાં રહે છે, તો આ સંગીતકારોને પણ શરણ આપવામાં આવવું જોઈએ.

    બીજી તરફ, પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે અફઘાન કલાકારોને ફોરેનર્સ એક્ટ હેઠળ પકડવામાં આવ્યા છે અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આગળ શું કરવું તે નક્કી થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં