Saturday, February 1, 2025
More
    હોમપેજસ્પેશ્યલ'મને 100 નચિકેતા આપો, હું વિશ્વ બદલી નાખીશ': શા માટે સ્વામી વિવેકાનંદ...

    ‘મને 100 નચિકેતા આપો, હું વિશ્વ બદલી નાખીશ’: શા માટે સ્વામી વિવેકાનંદ અંગ્રેજી શિક્ષણને કહેતા યંત્ર અને મડદાં પેદા કરનારું મશીન- વાંચો ભારતીય કેળવણી પરના તેમના વિચારો

    સ્વામી વિવેકાનંદ એવું દ્રઢપણે માનતા હતા કે, જ્યાં સુધી અંગ્રેજી શિક્ષણને બદલવામાં નહીં આવે કે, વ્યવસ્થાને પરિવર્તિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ દેશમાં એક પણ નચિકેતા પેદા નહીં થઈ શકે.

    - Advertisement -

    12 જાન્યુઆરી, 1863. ઇતિહાસની એ તારીખ, જ્યારે બંગાળના એક નાનકડા ગામમાં જન્મ થયો હતો વિશ્વના ઓજસ્વી યુવા સંન્યાસીનો. વાત છે સ્વામી વિવેકાનંદની (Swami Vivekananda). બાળપણનું તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત (Narendranath Datta). અંગ્રેજી શિક્ષણના કારણે તેમના મનમાં હંમેશા ઈશ્વર પ્રત્યેનો અણગમો અને ઈશ્વરના અસ્તિત્વ પરના સવાલો ભર્યા પડ્યા હતા. તેમણે નિશ્ચય કર્યો કે, જ્યારે તેમને સાક્ષાત ઈશ્વરના દર્શન થશે, ત્યારે જ તેઓ ઈશ્વરને સત્ય તરીકે જોઈ શકશે. અનેક વર્ષો વીતી ગયાં, પરંતુ તેમને સત્યનો ભેટો ન થઈ શક્યો. પરંતુ, એક સમય એવો પણ આવ્યો કે, તેમને સંન્યાસી રામકૃષ્ણ પરમહંસમાં કોઈ દિવ્ય તત્વ દેખાયું.

    પોતાના સ્વભાવ મુજબ તેમણે રામકૃષ્ણ પરમહંસને એક પ્રશ્ન કર્યો. ‘શું તમે ઈશ્વરને જોયા છે?’. ભૂતકાળના તમામ વિદ્વાન વ્યક્તિઓએ આ પ્રશ્નનો ઉત્તર કાં તો ટાળી દીધો હતો કાં તો ગોળ-ગોળ ફેરવીને ઉડાવી દીધો હતો. તેનાથી એકદમ વિપરીત રામકૃષ્ણ પરમહંસે કહ્યું, ‘હું ઈશ્વરને દરરોજ જોઉ છું. તેની સાથે વાતો પણ કરું.’ જવાબ સાંભળીને નરેન્દ્રનાથ દત્ત અવાક રહી ગયા. તેમણે પણ રામકૃષ્ણ પરમહંસ સામે ઈશ્વરને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. સમયની સાથે નરેન્દ્રનાથ દત્તની યોગ્યતા બની અને તેમને પણ દર્શન થયા ‘અસીમિત અને અવિકારી સત્ય’ના. ત્યારથી તેમણે ક્યારેય ઈશ્વર કે તેના હોવા પર સવાલ નથી ઉઠાવ્યા. તે ઘટના નરેન્દ્રનાથ દત્તના જીવનનો એક નવો વળાંક હતી. કારણ કે, તેના કારણે જ દેશને સ્વામી વિવેકાનંદ જેવા કર્મઠ અને યુવા સંન્યાસી મળી શક્યા.

    અંગ્રેજી શિક્ષણનો શા માટે કર્યો વિરોધ?

    વાત અહીં પૂરી નથી થતી. સ્વામી વિવેકાનંદે સત્યની શોધ તો કરી લીધી, પરંતુ હવે તેમના મનના અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ પર ભારોભાર નફરત પેદા થવા લાગી હતી. તેમણે પોતાના પુસ્તક ‘શિક્ષા’માં (સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો દ્વારા રચાયેલ પુસ્તક) અંગ્રેજી શિક્ષણ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ શિક્ષણ મનુષ્યને પોતાના અતીત અને સત્યથી અળગું કરે છે અને મડદાં અને યંત્ર બનાવીને છોડે છે, તે મનુષ્યને મડદાં અને યંત્ર બનાવનારું મશીન છે. પૃષ્ઠ નંબર- 2માં સ્વામી વિવેકાનંદ કહે છે કે, “આપણાં બાળકોને નિષેધાત્મક (નકારાત્મક) અને અભાવાત્મક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમાં એક એવો ભયંકર દોષ છે, જે તેના તમામ સારા પાસાઓને પણ બદલી કાઢે છે. પ્રથમ તો તે માણસને ‘મનુષ્ય’ બનાવનાની કેળવણી જ નથી.”

    - Advertisement -
    સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનો પર આધારિત પુસ્તક

    સ્વામી વિવેકાનંદના મતે અંગ્રેજી શિક્ષણ દેશના બાળકોને નકારાત્મક બનાવી રહ્યું છે. તેમના શબ્દોમાં જોઈએ તો, “આપણે અંગ્રેજી શિક્ષણ દ્વારા માત્ર એટલું જ શીખ્યું છે કે, આપણે કશું જ નથી. કદાચ જ આપણને એવું કહેવામાં આવ્યું હશે કે, તમારા દેશમાં અનેક મહામાનવો પેદા થયા છે. આપણે તો આપણાં હાથ અને પગનો ઉપયોગ પણ છોડી દીધો છે. અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાનું પરિણામ એ આવ્યું કે, 50 વર્ષે (વ્યાખ્યાન સમયની ગણતરી) પણ આપણે એક મૌલિક વિચાર ધરાવતો યુવાન પેદા નથી કરી શક્યા અને જો કોઈ યુવાન પેદા થયો પણ છે તો તે કાં તો વિદેશોથી ભણ્યો છે અથવા તો હિંદુ ધર્મશાસ્ત્રોના વિવિધ ધાર્મિક સંસ્થાનો કે ગુરુકુળોમાં ભણ્યો છે.”

    ‘મને 100 નચિકેતા આપો, હું વિશ્વ બદલી નાખીશ’- સ્વામી વિવેકાનંદ

    સ્વામી વિવેકાનંદના માટે માહિતી અને શિક્ષણ બંને તદ્દન ભિન્ન બાબતો છે. તેઓ કહેતા કે, શિક્ષણ વિવિધ માહિતીઓનો ઢગલો નથી કે તેને મસ્તિષ્કમાં ઠુંસી દેવામાં આવે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવામાં આવે. આપણે ભારતીય ઓજસ પરંપરાના તે વિચારોને આત્મસાત કરવાની જરૂર છે, જે જીવનનિર્માણ, મનુષ્યનિર્માણ અને ચરિત્રનિર્માણમાં સહાયરૂપ બને. તેમણે કહ્યું હતું કે, “જો તમે એક વિચારને આત્મસાત કરીને પોતાના જીવન અને ચારિત્ર્યનું નિર્માણ કરી દો છો તો તમે એક આખી લાઇબ્રેરીને કંઠસ્થ કરનારા વ્યક્તિ કરતાં વધુ શિક્ષિત અને બુદ્ધિશાળી છો. જો શિક્ષણનો અર્થ માત્ર માહિતી જ હોત તો લાઇબ્રેરીઓ દુનિયાના સૌથી મોટા સંત બની જાત અને વિશ્વકોષ તો મહાન ઋષિના પદ પર હોત.”

    તેમણે યુવાનોને ટકોર કરતાં કહ્યું હતું કે, “વિદેશી ભાષાના બીજા વ્યક્તિઓના વિચારોને રટીને, પોતાના મનના તેને થોપીને અને યુનિવર્સિટીની કેટલીક ડિગ્રીઓ લઈને તમે પોતાની જાતને શિક્ષિત સમજી રહ્યા છો? તેનાથી તમને કે તમારા દેશને શું લાભ થયો કે થશે? આંખો ખોલીને જુઓ… ભારતખંડના પ્રાચીન યુવા મહાપુરુષોને સમજો અને પોતાનામાં આત્મસાત કરો.” તેમના દ્રષ્ટિકોણમાં શિક્ષિત યુવાન અને બુદ્ધિશાળી વ્યક્તિ નચિકેતા હતા. જેઓ યમરાજ પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. સ્વામીજી હંમેશા કહેતા કે, નચિકેતા જેવી દ્રઢ ઈચ્છાશક્તિ જ આ દેશને ફરી વિશ્વગુરુ બનાવી શકે છે.

    તેમણે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, જ્યાં સુધી ભારતનો યુવાન નચિકેતા કે પ્રાચીન ભારતીય યુવા પાત્રોને પોતાનો આદર્શ નહીં બનાવી શકે. ત્યાં સુધી તે માત્ર ગુલામીની માનસિકતામાં જ રહેશે. તેમના મતે યુવાન નચિકેતાની જેમ દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતો હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે, “મને 100 નચિકેતા આપો, હું વિશ્વ બદલી નાખીશ.”

    કેવું હોવું જોઈએ શિક્ષણ?

    સ્વામી વિવેકાનંદ અનુસાર, શિક્ષણ એવું હોવું જોઈએ, જેનાથી ચારિત્ર્ય બને, માનસિક અને શારીરિક વિકાસ થાય, મનુષ્યને પોતાના પગ પર ઊભો રાખીને ખરા અર્થમાં ‘આત્મનિર્ભર’ બનાવે તે છે ખરું શિક્ષણ. તમામ પ્રકારના શિક્ષણનો એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ, તે છે મનુષ્યનિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ. સ્વામી વિવેકાનંદે શિક્ષણની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, “મનુષ્યની અંદર રહેલી પૂર્ણતાને અભિવ્યક્ત કરવી, તે શિક્ષણ છે.” આ વ્યાખ્યાનો અર્થ સમજાવતા તેઓ કહે છે કે, મનુષ્ય પોતે જ સ્વયંપૂર્ણ અને સિદ્ધ છે. બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ તેમની ભીતર છે, જરૂર છે તો તેને ઓળખવાની અને જાગૃત કરવાની. જે બાબતો તે શક્તિઓને ઓળખવા અને જાગૃત કરવામાં મદદ કરે છે, તે જ શિક્ષણ છે. બાકી બધી જ વસ્તુઓ માત્ર માહિતીનો ઢગલો છે.

    એક વ્યાખ્યાન દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્ઞાન માણસમાં સ્વભાવસિદ્ધ છે. કોઈપણ જ્ઞાન બહારથી નથી આવતું. તમામ જ્ઞાન અને માહિતીઓ અંદર જ છે. આપણે વારંવાર કહીએ છીએ કે, માણસ ‘શોધે’ છે, પરંતુ વાસ્તવમાં આપણે કહેવું જોઈએ કે, માણસ ‘આવિષ્કાર’ કરે છે અથવા તો ‘પ્રગટ’ કરે છે. આવિષ્કારનો અર્થ છે- મનુષ્યનો પોતાની અનંત જ્ઞાનરૂપ આત્મા પરથી પડદો હટાવી લેવો. તેમણે એવું પણ કહ્યું હતું કે, “આપણે કહીએ છીએ કે, ન્યૂટને ગુરુત્વાકર્ષણનો આવિષ્કાર કર્યો હતો. તો શું તે આવિષ્કાર એક ખૂણામાં બેસીને ન્યૂટનની રાહ જોઈ રહ્યો હતો. ના, તે તેના મનમાં જ હતો. જ્યારે સમય આવ્યો ત્યારે તેણે તે આવિષ્કારને ઓળખી લીધો અને દુનિયાની સામે મૂકી દીધો. દુનિયાને જે કોઈપણ મહાન જ્ઞાન પ્રાપ્ત થયું છે, તે સંપૂર્ણ ભીતરમાંથી જ નીકળ્યું છે. આપણાં ઋષિઓ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ ભારતને વિશ્વગુરુ બનાવી ગયા હતા.”

    સ્વામી વિવેકાનંદ એવું દ્રઢપણે માનતા હતા કે, જ્યાં સુધી અંગ્રેજી શિક્ષણને બદલવામાં નહીં આવે કે, વ્યવસ્થાને પરિવર્તિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ દેશમાં એક પણ નચિકેતા પેદા નહીં થઈ શકે. આજના સમયમાં પણ આપણી અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠતા રહે છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા તજજ્ઞો હંમેશા એક વાત સાનાછૂપા કહેતા હોય છે કે, ‘આપણે એક પણ સ્વામી વિવેકાનંદ પેદા નથી કરી શક્યા.’ આજે પણ એવાં અનેક ઉદાહરણો છે કે, પોતાના ક્ષેત્રમાં સફળ થયેલો વ્યક્તિ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિમાં અભ્યાસ કરીને આગળ નથી વધ્યો, પરંતુ પોતાના અનુભવો અને જે-તે ધાર્મિક સંસ્થાના મૂળને પામીને જ સફળ થઈ શક્યો છે.

    શિક્ષણને લગતા સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી આપણે વિશાળ સાગરમાંથી માત્ર બે બુંદ જેટલી જ ચર્ચા કરી શક્યા છીએ. સ્વામીજી વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતા હતા, તેથી જ તેમણે તે સમયે શિક્ષણ વ્યવસ્થાને પરિવર્તિત કરવા માટેની અનેક ભલામણો પણ કરી હતી. આજે પણ સ્વામી વિવેકાનંદના શિક્ષણ સાથેના વિચારો એટલા જ પ્રાસંગિક છે, જેટલા તે સમયે હતા. આજે દુનિયાના અનેક મહાપુરુષોએ સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ બનાવી, તેમના વિચારોને આત્મસાત કરીને પોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે અને આગળ પણ કરતાં રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં