સુપ્રીમ કોર્ટે (Supreme Court) પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, પત્ની (Wife) પોતાના બીજા પતિ (Second Husband) પાસે CrPSની કલમ 125 હેઠળ ભરણપોષણ (Maintenance) મેળવવાની હકદાર છે અને તે ભરણપોષણનો દાવો કરી શકે છે, ભલે પછી તેના પહેલા લગ્ન કાનૂની રીતે ભંગ ન પણ થયા હોય. કોર્ટે કહ્યું કે, તલાકનો (Divorce) ઔપચારિક આદેશ જરૂરી નથી. જો મહિલા અને તેનો પહેલો પતિ પરસ્પર સહમતીથી અલગ થયા હોય તો કાયદાકીય રીતે તલાક ન થયા હોવા છતાં પત્ની તેના અન્ય બીજા પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે અને તેને આવું કરતા રોકી શકાતી નહીં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે અરજદાર પત્નીને રાહત આપી અને તેલંગાણા હાઇકોર્ટના CrPCની કલમ 125 હેઠળ તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ આપવાનો ઇનકાર કરવાના આદેશ સામે તેની અપીલને મંજૂર કરી છે. તેલંગાણા હાઇકોર્ટે બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો ઇનકાર કરતો ચુકાદો આપ્યો હતો. તેનું કારણ આપતા કોર્ટે કહ્યું હતું કે, અરજદારના પહેલા લગ્ન હજુ સુધી કાનૂની રીતે ભંગ થયા નહોતા. જોકે, સુપ્રીમ કોર્ટે પત્ની તરફે ચુકાદો આપીને હાઇકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં એવું પણ કહ્યું હતું કે, CrPC 125 હેઠળ ભરણપોષણનો અધિકાર પત્નીને પ્રાપ્ત થતો લાભ નથી, પરંતુ પતિ દ્વારા નિભાવવામાં આવતી કાનૂની અને નૈતિક ફરજ પણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, CrPC કલમ 125ને તેના સામાજિક કલ્યાણમાં ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વ્યાપક અર્થઘટનની જરૂર છે.
‘પહેલા પતિ સાથે કાનૂતી રીતે વિવાહિત હતી મહિલા’- બીજો પતિ
આ કેસ મામલે મહિલા અરજદારના બીજા પતિએ ભરણપોષણની આ અરજીનો વિરોધ પણ કર્યો હતો. સાથે એવી દલીલ કરી હતી કે, અરજદારને તેની પત્ની ન માની શકાય. કારણ કે, મહિલાના તેના પહેલા પતિ સાથે કાયદાકીય રીતે લગ્ન હાલ પણ છે. પતિની આ દલીલમાં અરજદાર તરફથી હાજર વકીલે દલીલ કરી હતી કે, કલમ 125 CrPC હેઠળ ‘પત્ની’ શબ્દની વ્યાપક વ્યાખ્યા કરવામાં આવવી જોઈએ. જેથી કરીને અરજદાર જેવી મહિલાઓને તેમાં સામેલ કરી શકાય. ખાસ કરીને ત્યારે કે જ્યારે બીજા પતિને મહિલાના પહેલા લગ્ન વિશે જાણ હતી અને પત્ની તેના પહેલા પતિથી અલગ થઈ હતી.
બીજો પતિ ભરણપોષણ આપવાનો ઇનકાર ન કરી શકે- સુપ્રીમ કોર્ટ
હાઇકોર્ટનો નિર્ણય અલગ રાખીને જસ્ટિસ શર્માએ લખેલા નિર્ણયમાં કહેવાયું છે કે, કલમ 125 CrPC હેઠળ પત્ની દ્વારા તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો દાવો કરવાથી તેને કોઈ નહીં રોકી શકે. ભલે પછી તેના પહેલા લગ્ન કાનૂની રીતે ભંગ ન પણ થયા હોય. કોર્ટે કહ્યું કે, “બીજા પતિને મહિલાના પહેલા લગ્ન વિશે જાણ હતી. તેમ છતાં તેણે તેની સાથે લગ્ન કર્યા તો તે હવે ભરણપોષણ આપવાથી ઇનકાર ન કરી શકે અને તે માટેના કોઈ બહાના ન બનાવી શકે.”
શું હતી સમગ્ર ઘટના?
સમગ્ર ઘટના કઈક એવી છે કે, તેલંગાણાની રહેવાસી એક મહિલાના લગ્ન વર્ષ 1999માં એક પુરુષ સાથે થયા હતા. આ તેમના બીજા લગ્ન હતા. લગ્નના એક વર્ષ પછી, તેમને એક પુત્ર થયો, પરંતુ 2005માં, કેટલાક પારિવારિક વિવાદ અને અન્ય કારણોસર તેમને છૂટાછેડા લેવા પડ્યા. મહિલાએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ પહેલા પતિ સાથેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેમને રાહત મળી નહીં. હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં તે અંગેનો કેસ ચાલ્યો હતો અને અંતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે મહિલા 1999થી પ્રતિવાદીની પત્ની તરીકે રહી હતી. બંનેને એક દીકરો પણ છે. આવી સ્થિતિમાં, ભરણપોષણ પૂરું પાડવું ખોટું હશે એમ કહેવું કાયદેસર રીતે યોગ્ય નથી. લાંબી સુનાવણી બાદ કોર્ટે મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો છે.