તાજેતરમાં જ મનાલીમાં બરફનો આનંદ માણતી એક મુસ્લિમ મહિલાનો (Muslim Woman) વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે આ મામલે કેરળમાં CPI(M) સમર્થક સુન્ની જૂથ સાથે જોડાયેલા એક અગ્રણી મુસ્લિમ મૌલવીએ (Maulvi) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
આ કેસ નફીસુમ્મા નામની એક મહિલાનો છે, જેના પતિનું અવસાન 25 વર્ષ પહેલાં થયું હતું. ડિસેમ્બરમાં તેણે પોતાની ત્રણ પરિણીત પુત્રીઓ સાથે મનાલી જવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેમની આ યાત્રાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે બરફમાં પહેરવામાં આવતા કપડાં પહેરીને, બરફનો ગોળો હાથમાં પકડીને અન્ય લોકોને પણ આવી રીતે યાત્રા પર નીકળવા માટે પ્રોત્સાહિત કરતી જોવા મળી રહી છે.
આ વિડીયો વાયરલ થયા બાદ કંથાપુરમ અબૂબકર મુસલિયારના નેતૃત્વ હેઠળના CPI(M) તરફી સુન્ની જૂથના સભ્ય મૌલવી ઇબ્રાહિમ સકાફી પુજક્કટ્ટીરીએ એક વિધવા મહિલાના જીવનનો આનંદ માણવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
A poor lady widowed 25 years ago takes a fun trip to Manali.
— Padmaja Joshi (@PadmajaJoshi) February 21, 2025
And that’s threatening enough to patriarchy, for a cleric to publicly shame her.
Ibrahim Saqafi tells Nafeesumma to ‘remain at a corner of her house praying’ instead of playing in the snow. pic.twitter.com/5WosuX0ONG
ગત અઠવાડિયે સફાકીએ એક સમુદાયના કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે, “તમે કદાચ એક વિડીયો જોયો હશે… એક દાદી જેના પતિનું 25 વર્ષ પહેલાં અવસાન થયું હતું, તે દૂરના રાજ્યમાં બરફમાં રમી રહી છે, જ્યારે તે ઘરે હોવી જોઈતી હતી, એક ખૂણામાં ઈબાદત કરતી હોવી જોઈતી હતી. ત્યારે તે બીજા રાજ્યમાં ગઈ અને બરફમાં રમી રહી છે… આ એક સમસ્યા છે.”
નફીસુમ્માના પરિવારે તેમના આ નિવેદન પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમની પુત્રી જિફનાએ 20 ફેબ્રુઆરીએ મીડિયાને જણાવ્યું હતું કે, “ઉસ્તાદના (મૌલવી) વલણથી અમને ખૂબ જ દુઃખ થયું છે.” આગળ કહ્યું કે, “તેમણે મારી માતાની માનસિક શાંતિને ખલેલ પહોંચાડી છે અને હવે તે બહાર પગ નથી મૂકી શકતી. તેમના ભાષણ પછી, સમુદાયના લોકો માને છે કે તેણે કંઈક ખોટું કર્યું છે. શું વિધવાને દુનિયાનો અનુભવ કરવાનો અધિકાર નથી?”
મૌલવી અબૂબકર પણ આપી ચૂક્યા છે વિવાદિત નિવેદન
ઉલ્લેખનીય છે કે આ પહેલાં મૌલવી અબૂબકરે પણ આવું જ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સાર્વજનિક સ્થળો પર પુરુષો અને મહિલાઓના સાથે કસરત કરવાને હરામ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, આમ કરીને મહિલાઓ કસરતની આડમાં પુરુષોને પોતાનું ‘જિસ્મ દેખાડે’ છે. તેમણે કહ્યું હતું કે, “મહિલાઓ પોતાના શરીરને ઉઘાડું કરીને વ્યાયામ અને કસરત કરે છે અને પુરુષોને પોતાનું શરીર દેખાડે છે. આ પ્રકારની હરકતો વિચારોને નષ્ટ કરે છે. ઇસ્લામમાં પુરુષોએ આ રીતે મહિલાઓને જોવી હરામ છે.”