Thursday, April 3, 2025
More
    હોમપેજરાજકારણએક વડાપ્રધાન મોદી છે, જેમણે વક્ફ બિલમાં સંશોધન કરીને સરકારી જમીન કબજે...

    એક વડાપ્રધાન મોદી છે, જેમણે વક્ફ બિલમાં સંશોધન કરીને સરકારી જમીન કબજે થતી બચાવી…એક વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી હતાં, જેમણે રાજ્યોને પત્ર લખીને કહ્યું હતું- વક્ફને પરત સોંપો સંપત્તિ

    મોદી સરકારે સંશોધિત બિલમાં જોગવાઈ કરી છે કે, આ કાયદો અમલમાં આવ્યા પહેલાં કે પછી જે કોઈ સરકારી સંપત્તિ વક્ફ સંપત્તિ ઘોષિત કરવામાં આવી હોય કે ઓળખ કરવામાં આવી હોય, તે વક્ફ સંપત્તિ રહેશે નહીં.

    - Advertisement -

    લોકસભાએ 2-3 એપ્રિલની મધ્યરાત્રિએ પસાર કરેલા વક્ફ (સંશોધન) બિલ, 2025ની ચારેકોર ચર્ચા ચાલી રહી છે. લગભગ 12 કલાકની ચર્ચા અને 2 કલાકના મતદાન બાદ લોકસભાએ બિલ (Waqf Bill) પસાર કરી દીધું અને હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે. રાજ્યસભામાંથી પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એ એક્ટ બનશે અને વક્ફને તત્કાલીન કોંગ્રેસ સરકારોએ જે અમાપ અને અનિયંત્રિત શક્તિઓ આપી દીધી હતી તેની ઉપર કાયમી ધોરણે લગામ લાગશે. 

    એક તરફ નરેન્દ્ર મોદી સરકાર છે, જેણે વક્ફ પર નિયંત્રણ લગાવીને વિવિધ રાજ્યોનાં બોર્ડ આપખુદ બનીને મનફાવે એ રીતે વર્તી ન શકે એ સુનિશ્ચિત કર્યું અને એક પારદર્શી, કાયદાકીય પ્રક્રિયા અમલમાં આવે એવી ગોઠવણ કરી. બીજી તરફ ભૂતકાળની કોંગ્રેસ સરકારો હતી, જે મુસ્લિમ તુષ્ટિકરણ માટે સતત આ કાયદો મજબૂત બનાવતી રહી. અંતિમ વખત 2014ની લોકસભા ચૂંટણીની તરત પહેલાં તત્કાલીન UPA સરકારે કાયદો વધુ મજબૂત બનાવી દીધો અને વક્ફને એટલું મજબૂત કરી દીધું કે આ મજહબી જમીનદાર દેશમાં ઠેરઠેર જઈને જમીનો કબજે કરતું રહ્યું. 

    શરૂઆત પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી, જેમણે બ્રિટિશ સરકારના વક્ફ કાયદાઓને સંકલિત કરીને એક કાયદો બનાવ્યો. અત્યારે જે વક્ફ કાઉન્સિલ અને વિવિધ રાજ્યોમાં વક્ફ બોર્ડ કાર્યરત છે એ નેહરુ સરકારની દેન છે. 1995માં પછીથી આ કાયદો રદ કરીને નવેસરથી કાયદો અમલમાં લાવવામાં આવ્યો. અત્યારે આ 1995નો કાયદો અમલમાં છે. 2013માં કોંગ્રેસે સંશોધન કર્યું હતું. 2025માં ભાજપ સરકારે કર્યું. બંને સંશોધનોમાં આસમાન-જમીનનો ફેર છે. 

    - Advertisement -

    વક્ફને મજબૂત કરવામાં પૂર્વ વડાંપ્રધાન, જવાહરલાલ નહેરુનાં પુત્રી અને રાહુલ ગાંધીનાં દાદી ઈન્દિરા ગાંધીએ પણ યથાયોગ્ય યોગદાન આપ્યું હતું. માર્ચ, 1976માં તેમણે વિવિધ રાજ્યોની સરકારોને પત્ર લખીને કહ્યું હતું કે, વક્ફ સંપત્તિઓ વિશે તેઓ બહુ ‘ચિંતિત’ છે અને રાજ્યોની વક્ફ સંપત્તિઓ ખાલી કરીને બોર્ડને આપવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવે. 

    26 માર્ચ, 1976ના રોજ રાજ્ય સરકારોને લખેલા પત્રમાં ઈન્દિરા ગાંધી કહે છે કે, ‘વક્ફના સંચાલનમાં કઈ રીતે સુધારો આવે એ બાબતને લઈને હું ઘણા સમયથી ચિંતિત છું. વક્ફ સંપત્તિઓની યોગ્ય જાળવણી થાય અને વક્ફ એક્ટ, 1954 (ત્યારે એ કાયદો અમલમાં હતો) હેઠળ બોર્ડ દ્વારા તેનું યોગ્ય સંચાલન કરવામાં આવે એ રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ.’

    ઈન્દિરા ગાંધીએ રાજ્ય સરકારોને લખેલો પત્ર

    આ સાથે ઈન્દિરા ગાંધીએ પત્રમાં અમુક બાબતો પણ સૂચવી હતી. પત્રમાં તેઓ કહે છે કે, ઘણી બધી વક્ફ સંપત્તિઓ પ્રાઇવેટ પાર્ટીઓ તેમજ રાજ્ય સરકારો અને સ્થાનિક સંસ્થાઓના હાથમાં જતી રહી છે. વક્ફ બોર્ડ આ બાબતે રાજ્ય સરકારો અને વિભાગો સામે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી શકે છે, પણ આ પ્રકારની કાર્યવાહી કરવી યોગ્ય નહીં રહે. જેથી આ બાબતનો નિકાલ પ્રશાસનિક સ્તર પર લાવવામાં આવે એ હિતાવહ છે. આ બાબતે ત્રણ સૂચનો કરવામાં આવે છે. 

    ત્યારપછી ગાંધીએ આ ત્રણ સૂચનો કર્યાં હતાં, જે આ પ્રમાણે છે.

    1. જ્યાં શક્ય હોય ત્યાં વક્ફ સંપત્તિઓ ખાલી કરીને જે-તે વક્ફ બોર્ડને સુપરત કરી દેવામાં આવે. 
    2. જે જમીનો પર ઈમારતો બની ગઈ છે અને તે ખાલી કરવું વ્યવહારિક રીતે અશક્ય છે, ત્યાં રાજ્ય સરકાર વક્ફ બોર્ડ સાથે એક સ્થાયી લીઝ નક્કી કરે અને માર્કેટ કિંમત પ્રમાણે વક્ફ બોર્ડને ચૂકવણી કરે. 
    3. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રાજ્ય સરકારો વક્ફ બોર્ડની આવી જમીનોની માર્કેટ કિંમત ચૂકવી દે અને બદલામાં બોર્ડ જે-તે જમીન પર પોતાનો દાવો છોડી દે. જો મુતવલ્લી સંચાલન કરતા હોય તો તેમની મંજૂરીથી દાવો છોડી દેવામાં આવે. 

    ઈન્દિરા ગાંધી પત્રમાં કહે છે કે, વક્ફ બોર્ડે રાજ્ય સરકારોને જે સંપત્તિ સરકારના વિભાગો પાસે છે તેની યાદી મોકલી આપી હોવાનું મને જાણવા મળ્યું છે. આ મામલે ઉપર જણાવ્યા મુજબ કામ કરવામાં આવે અને શું કામ થયું છે તેના માસિક અહેવાલો વડાપ્રધાન કાર્યાલય અને વક્ફ સંભાળનારા મંત્રીને મોકલી આપવામાં આવે. 

    પત્રમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે ઘણી વક્ફ સંપત્તિઓ ઘણાં નજીવાં ભાડાં પર આપવામાં આવી છે, અને રેન્ટ કંટ્રોલ એક્ટના કારણે ભાડાંમાં વધારો પણ થઈ શકતો નથી. પરંતુ વક્ફ ઇન્કવાયરી કમિટીનો વચગાળાનો રિપોર્ટ કહે છે કે, તમામ જાહેર વક્ફ, જેનો ઉપયોગ મજહબી કે ચેરિટેબલ હેતુઓ માટે થતો હોય કે પછી તમામ પબ્લિક ટ્રસ્ટની સંપત્તિ (કોઈ પણ સમુદાયની હોય) તેને રેન્ટ કંટ્રોલ એક્ટમાંથી બાકાત રાખવામાં આવે. 

    તત્કાલીન વડાંપ્રધાન કમિટીની વાતમાં ટાપસી પૂરાવતાં કહે છે કે, વક્ફ કોઈ વ્યક્તિને લાભ પહોંચાડવા માટે નથી, જેથી તેને વૈયક્તિક જમીન માલિકો કરતાં અલગ નિયમો લાગુ પડવા જોઈએ. અન્ય રાજ્યોનો સંદર્ભ આપીને ઈન્દિરા ગાંધી કહે છે કે, આ રાજ્યોએ વક્ફ સંપત્તિને રેન્ટ કંટ્રોલ એક્ટમાંથી બાકાત કરવા સહમતી દર્શાવી છે, અન્ય રાજ્યોએ પણ આ બાબતે વિચાર કરવો જોઈએ. 

    મોદી સરકારે કહ્યું- કોઈ સરકારી સંપત્તિ વક્ફ સંપત્તિ ન બની શકે

    આ પત્ર અને તાજેતરના બિલ પરથી ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે– કાયદામાં મૂકવામાં આવેલી ઢીલનો લાભ લઈને વક્ફ બોર્ડ એક પછી એક સરકારી સંપત્તિ પર પણ દાવો માંડતાં રહ્યાં છે, પરંતુ તેની સત્યતા ચકાસવાના સ્થાને ઈન્દિરા ગાંધીએ આ દાવાઓ સાચા માની લઈને રાજ્ય સરકારોને જ કહી દીધું હતું કે તેઓ વક્ફને સરકારી સંપત્તિઓ પરત સોંપી દે. બીજી તરફ મોદી સરકારે બિલમાં સંશોધન કરીને એ સુનિશ્ચિત કર્યું છે કે સરકારી સંપત્તિઓ કબજે કરી શકાય નહીં. 

    મોદી સરકારે સંશોધિત બિલમાં જોગવાઈ કરી છે કે, આ કાયદો અમલમાં આવ્યા પહેલાં કે પછી જે કોઈ સરકારી સંપત્તિ વક્ફ સંપત્તિ ઘોષિત કરવામાં આવી હોય કે ઓળખ કરવામાં આવી હોય, તે વક્ફ સંપત્તિ રહેશે નહીં. જો કોઈ વિવાદ ઉદ્ભવે તો કલેક્ટરને તપાસ સોંપવામાં આવે અને તેઓ સંપત્તિ સરકારી છે કે વક્ફ તે નક્કી કરીને રાજ્ય સરકારને રિપોર્ટ મોકલશે. જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી સંપત્તિ વક્ફ ગણાશે નહીં. જો કલેક્ટરની તપાસમાં સંપત્તિ સરકારી નીકળે તો રેવન્યુ રેકર્ડમાં જરૂરી સુધારા કરવાના રહેશે. ત્યારબાદ સરકાર વક્ફ બોર્ડને આદેશ આપીને રેકર્ડમાં જરૂરી સુધારા કરાવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં