લગભગ 12 કલાકની ચર્ચા બાદ લોકસભાએ બહુમતીથી વક્ફ (સંશોધન) બિલ પસાર કરી દીધું છે. બિલના સમર્થનમાં 288 મત પડ્યા, જ્યારે વિરોધમાં 232 મત. આખરે બહુમતીથી ગૃહે મધ્ય રાત્રિએ બિલ પસાર કર્યું.
The Waqf (Amendment) Bill, 2025 passed in Lok Sabha; 288 votes in favour of the Bill, 232 votes against the Bill#WaqfAmendmentBill
— ANI (@ANI) April 2, 2025
બિલ પર બપોરે 12 વાગ્યાથી ચર્ચા શરૂ થઈ હતી, જે લગભગ રાત્રે 12:30 સુધી ચાલી. ત્યારબાદ બિલ વિચાર માટે રજૂ કરવામાં આવ્યું. જ્યાં વિપક્ષોએ મતદાનની માંગ કરી. જેને બહુમતી મળતાં બિલ રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ લગભગ એક કલાક સુધી વિવિધ સાંસદોએ પ્રસ્તાવિત કરેલા સુધારાઓ પર મતદાન થયું. અંતે બિલ પસાર કરવા મતદાન માટે મૂકવામાં આવ્યું. જેમાં બહુમતી મળતાં પસાર કરી દેવામાં આવ્યું.
બિલ પર ચાલેલી ચર્ચામાં પક્ષ-વિપક્ષના અનેક સાંસદોએ ભાગ લીધો. સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. ભાજપના અન્ય સાંસદો, સાથી પાર્ટીના સાંસદો તેમજ વિપક્ષની લગભગ તમામ પાર્ટીના સાંસદો અને અપક્ષ સાંસદોએ પણ ચર્ચામાં ભાગ લીધો.
ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ ઑગસ્ટ 2024માં રજૂ કરવામાં આવેલા આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપ સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં એક JPC બનાવવામાં આવી.
JPCએ લગભગ ચારેક મહિના સુધી અનેક બેઠકો કરીને, દેશભરમાં પ્રવાસ કરીને, વિવિધ વક્ફ બોર્ડના સભ્યો સાથે બેઠકો કરીને, જુદા-જુદા હિતધારકોના અભિપ્રાયો લઈને જાન્યુઆરી 2025માં સંશોધિત બિલ લોકસભા સ્પીકરને સોંપ્યું હતું. ત્યારબાદ JPCનો રિપોર્ટ પણ ગૃહમાં રાખવામાં આવ્યો. ત્યારબાદ બજેટ સત્રના બીજા ભાગના અંતિમ તબક્કામાં 2 એપ્રિલના રોજ લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.
હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. રાજ્યસભામાં ચર્ચા કરીને પસાર કરે તો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ એ એક્ટ બનશે.