પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ ભારતની રાજનીતિનાં તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. તૃણમૂલ કોંગ્રેસના હિંસક શાસન અને સેક્યુલર વામપંથીઓના દાયકાઓ જૂના ગઢમાં BJPનું આ ઐતિહાસિક પ્રદર્શન ઘણા લોકો માટે કદાચ આશ્ચર્યજનક હોઈ શકે, પરંતુ જમીની વાસ્તવિકતા અને પરિશ્રમ જાણનારાઓ માટે આ એક સુનિયોજિત રાષ્ટ્રવાદી ભગીરથ પ્રયાસનું પરિણામ છે. આ વિજયની પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓની વિશાળ રેલીઓ અને ભાજપ કાર્યકર્તાઓનો અથાક પરિશ્રમ તો ખરો જ પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જમીન સ્તર પરની શક્તિ, પ્રભાવ અને આત્મીયતા છે, જેણે આ અશક્ય લાગતા વિજયને વાસ્તવિકતામાં બદલી નાખ્યો.
આ માત્ર કોઈ સામાન્ય સત્તા પરિવર્તન કે પક્ષની જીત નથી, પરંતુ બંગાળની ધરતી પર સનાતન અને હિંદુ અસ્મિતાના પુનરુત્થાનનો ઐતિહાસિક દસ્તાવેજ છે. દાયકાઓ સુધી જે બંગાળમાં કમ્યુનિસ્ટો અને ત્યારબાદ મમતા બેનર્જીએ ઇસ્લામિક તુષ્ટિકરણ, ઘૂસણખોરી અને હિંદુવિરોધી એજન્ડા હેઠળ બંગાળી હિંદુઓને હાંસિયામાં ધકેલી દીધા હતા ત્યાં સંઘે જમીન સ્તરે કામ કરી, સામાન્ય હિંદુઓ સુધી પહોંચી, તેમની વ્યથા સમજી, તેમની સાથે આત્મીયતાથી સંબંધ બાંધીને સનાતની ચેતનાને જગાડી છે. આ વિરાટ પરિવર્તન અંગે સંઘની રણનીતિઓ જાણીને સમજીએ.
બંગાળ શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ
પશ્ચિમ બંગાળ એ ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પવિત્ર ભૂમિ છે. આ જ ભૂમિ પર સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદ જેવા અધ્યાત્મિક ચિંતક થઈ ગયા છે. આ એ જ ભૂમિ છે જેણે આપણાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના પ્રણેતાઓ આપ્યા જ્યાં ‘આનંદમઠ’ અને ગીતાંજલિ જેવી રચનાઓ રચાઈ છે. સંઘ પરિવારના હૃદયમાં હંમેશાં એ વાતની સૌથી મોટી પીડા હતી કે, જે ભૂમિ પર આટલા મહાપુરુષો થયા, શ્યામા પ્રસાદ મુખર્જી જેમણે પશ્ચિમ બંગાળને પાકિસ્તાન બનતા બચાવ્યું અને કાશ્મીર માટે બલિદાન આપ્યું, આવા મહાનુભાવોના જ ગૃહ રાજ્યમાં રાષ્ટ્રવાદી વિચારધારા સત્તાથી દૂર હતી.
બંગાળના લોકો સુધી વાસ્તવિક રાષ્ટ્રવાદ પહોંચાડવા અને પાછલા દાયકાઓથી અત્યાચારો ભોગવીને પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહેલ બંગાળી હિંદુઓને તેમના મૂળ યાદ અપાવવા માટે સંઘે નિર્ધાર કર્યો હતો. જ્યારે લુટિયન્સ મીડિયા અને લેફ્ટ મીડિયા મમતા બેનર્જીની કથિત લોકપ્રિયતાના ગુણગાન ગાવામાં વ્યસ્ત હતાં ત્યારે સંઘના સ્વયંસેવકો કોઈ પણ પ્રકારના પબ્લિસિટી સ્ટંટ વગર બંગાળનાં અંતરિયાળ ગામડાંમાં કામ કરી રહ્યા હતા. આ એક સંપૂર્ણપણે ‘સાયલન્ટ કેમ્પેઈન’ હતું. સંઘે જાણીજોઈને ટીવી કેમેરા અને પબ્લિસિટીથી અંતર રાખ્યું, જેથી ટુકડે-ટુકડે ગેંગ કે સત્તાધારી પક્ષના ગુંડાઓ તેમના કામમાં અવરોધ ન બને. આ જમીન સ્તરનું જોડાણ જ સંઘની વાસ્તવિક શક્તિ સાબિત થઈ.
ચૂંટણીમાં ખુલીને મેદાનમાં આવ્યા વિના, કોઈ પ્રચાર કર્યા વિના સંઘે લોકોના મગજમાંથી લેફ્ટ અને સેક્યુલરોના મૂળિયાં ઉખેડવાનું કામ કર્યું. આ કામ કરવા આશરે 250થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં 2 લાખથી વધુ ‘લોકમત પરિષ્કાર’ની નાની નાની બેઠકો યોજવામાં આવી હતી. સરેરાશ એક વિધાનસભા દીઠ 700 જેટલી માઇક્રો બેઠકો થઈ, જેમાં ઘરે-ઘરે, ચોકમાં, ચાની કિટલીઓ અને સ્થાનિક મંદિરોમાં જઈને લોકો સાથે સીધો રાષ્ટ્રવાદી સંવાદ સાધવામાં આવ્યો.
બંગાળી હિંદુઓને એક કરી સમજાવ્યું ચૂંટણીનું મહત્વ
બંગાળની ભોળી હિંદુ જનતાને કમ્યુનિસ્ટોએ વર્ષો સુધી જ્ઞાતિઓમાં વહેંચી રાખી હતી. સંઘે પોતાની આવી નાની-નાની બેઠકો કરીને હિંદુ સમાજને એ યાદ અપાવ્યું કે આ ચૂંટણી માત્ર દર પાંચ વર્ષે આવતી કોઈ સામાન્ય રાજકીય પ્રક્રિયા નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં પોતાની સંસ્કૃતિ, બહેન-દીકરીઓની સુરક્ષા અને સનાતની ઓળખ બચાવવા માટેની ‘અસ્તિત્વની ખરેખરી લડાઈ’ છે. આ દૃષ્ટિકોણ સમજાતાં જ મતદારોનો ઉત્સાહ બદલાઈ ગયો. જેના પડઘા બંગાળના બંને તબક્કાના મતદાનના આંકડાઓમાં સ્પષ્ટરૂપે સાંભળી શકાય છે.
બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા સત્તાપલટા બાદ ત્યાં થયેલી હિંદુવિરોધી હિંસા અને જમાત-એ-ઇસ્લામી જેવાં કટ્ટરપંથી સંગઠનોના અત્યાચારોની વાતો લઈને સંઘના વિવિધ સંગઠનો જનતા સમક્ષ ગયાં. સંઘે બંગાળના સરહદી જિલ્લાઓમાં વ્યાપકપણે લોકો સુધી વાત પહોંચાડી કે જો આ વખતે જાગૃત થઈને તુષ્ટિકરણ કરનારી સરકારને નહીં હટાવાય તો આવતીકાલે પશ્ચિમ બંગાળના હિંદુઓનું ભવિષ્ય પણ બાંગ્લાદેશ જેવું જ ભયાનક હશે. આ જાગૃતિએ મતોના એકત્રીકરણમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી.
વર્ગ-જાતિ-જ્ઞાતિ બધા ભેદ ભૂલીને હિંદુઓને કર્યા એકજૂટ
પશ્ચિમ બંગાળની રાજકીય સંસ્કૃતિ દાયકાઓ સુધી વર્ગ-સંઘર્ષના સિદ્ધાંત પર ચાલી હતી, જ્યાં હિંદુ હોવાની વાત કરવી એ ગુનો ગણાતો હતો. સંઘે આ જ્ઞાતિવાદી અને વર્ગવાદી કથિત ‘સેક્યુલર’ માળખાને જમીનદોસ્ત કરીને ‘હિંદુ કન્સોલિડેશન’ પર ભાર મૂક્યો. દલિત, સવર્ણ, પછાત કે આદિવાસીના ભેદભાવો ભૂલીને આખો સમાજ એક થઈને પોલિંગ બૂથ સુધી પહોંચે તેવું સામાજિક વાતાવરણ સંઘે ઊભું કર્યું.
જે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના વિસર્જન પર પણ મમતા બેનર્જી સરકારે મજહબી તુષ્ટિકરણ માટે પ્રતિબંધો લગાવ્યા હતા ત્યાં સંઘે રામનવમીના ઉત્સવને હિંદુ આત્મગૌરવ અને જાગૃતિનું પ્રતીક બનાવી દીધો. બંગાળની ગલીઓ અને રસ્તાઓ પર ભગવા ધ્વજ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાઓએ હિંદુઓમાંથી દાયકાઓ જૂનો ડર ભગાવી દીધો અને શાસક પક્ષના ઇસ્લામિક વોટબેંકના અહંકારને પણ તોડી નાખ્યો.
ભગિની સંસ્થાઓને પણ ઉતારી મેદાનમાં
સંઘે માત્ર પોતાના મુખ્ય નેટવર્ક પર આધાર રાખવાને બદલે તેના 14થી વધુ સંલગ્ન સંગઠનોને મેદાનમાં ઉતાર્યાં હતાં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ કોલેજોના યુવાનોને રાષ્ટ્રવાદ તરફ વાળ્યા, ભારતીય મઝદૂર સંઘે (BMS) લેફ્ટ યુનિયનોના ગઢ તોડીને શ્રમિકોને જોડ્યા અને વનવાસી કલ્યાણ આશ્રમે આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું. આ એક એવું સર્વસ્પર્શી આયોજન હતું જ્યાં દરેક સંગઠને પોતપોતાના ક્ષેત્રોમાં વિશેષ ભૂમિકા ભજવી.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત બંગાળના સંવેદનશીલ જિલ્લાઓમાં ડેમોગ્રાફી ચેન્જ અને ગેરકાયદે ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. આ વિસ્તારોમાં સંઘના સંગઠન ‘સીમાંત ચેતના મંચ’એ રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસ્કૃતિક રક્ષા અંગે સ્થાનિક લોકોને સંગઠિત કર્યા. આ જાગૃતિને કારણે ઘૂસણખોરોના જોરે ચૂંટણી જીતવાનું મમતા બેનર્જીનું ગણિત સંપૂર્ણપણે ઊંધું પડી ગયું.
ઉત્તર બંગાળ અને જંગલમહાલના વનવાસી, આદિવાસી અને ચાના બગીચાના શ્રમિકોના વિસ્તારોમાં, જ્યાં અગાઉ મિશનરીઓ ગરીબીનો લાભ ઉઠાવીને ધર્માંતરણ કરાવતા હતા, ત્યાં સંઘના વર્ષોના સેવા કાર્યોએ મોટી અસર પાડી. સંઘે ત્યાં સંસ્કાર કેન્દ્રો અને મફત શાળાઓ શરૂ કરી. આ જ સેવાના પાયા પર આજે ભાજપે આદિવાસી બેલ્ટમાં ટીએમસીના સૂપડા સાફ કરી નાખ્યા છે.
‘પહેલે મતદાન, ફિર જલપાન’ અને NOTAને મત ન આપવા જાગૃતિ
વિચારધારા ગમે તેટલી સારી હોય, પણ જ્યાં સુધી તે વોટમાં ન પરિણમે ત્યાં ચૂંટણી જીતી શકાતી નથી. સંઘના સ્વયંસેવકોએ ‘પહેલે મતદાન, ફિર જલપાન’ ના સૂત્ર સાથે બૂથ સ્તર પર માઇક્રો-પ્રબંધન કર્યું હતું. વહેલી સવારે જ સનાતની મતદારો પોતાનો વોટ આપી દે તે સંઘે સુનિશ્ચિત કર્યું હતું. આ સિવાય વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયાથી પળેપળની માહિતી મેળવીને એક પણ રાષ્ટ્રવાદી મતદાર વોટ આપવાથી વંચિત ન રહે તેની કાળજી પણ સંઘે જ રાખી હતી.
ઘણીવાર શાસક પક્ષથી નારાજ મતદારો કોઈ ભ્રમ કે નાની નારાજગીના કારણે NOTAનો (None of the Above) વિકલ્પ પસંદ કરીને પોતાના મતો વેડફી નાખતા હોય છે, જેનો સીધો ફાયદો અન્ય પાર્ટીઓ અને સેક્યુલર જમાતને થાય છે. સંઘના કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને લોકોને સમજાવ્યા કે આ સમયે NOTA કરવો એ આડકતરી રીતે તુષ્ટિકરણ કરનારી શક્તિઓને મજબૂત કરવા સમાન છે. આ સમજાવટથી NOTAનો ટ્રેન્ડ નહિવત થઈ ગયો.
ભાજપે પણ આંતરિક મતભેદોથી પર રહી કર્યું કામ
બંગાળ ભાજપમાં લાંબા સમયથી જૂના નેતાઓ અને અન્ય પક્ષોમાંથી આવેલા નવા નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળતી હતી, જે 2021માં નુકસાનનું કારણ બની હતી. આ વખતે સંઘે સુપ્રીમ ઓથોરિટી અને તટસ્થ મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવીને ‘સમન્વય બેઠકો’ યોજી. સંઘના નૈતિક પ્રભાવ સામે તમામ નેતાઓએ પોતાના વ્યક્તિગત અહંકાર છોડી દીધા અને સમગ્ર ભાજપ પક્ષે એક થઈને યુદ્ધની જેમ ચૂંટણી દરમિયાન કામ કર્યું.
ભાજપના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ જેઓ પોતે સંઘ પ્રચારક રહી ચૂક્યા છે, તેમણે સંઘના આ જમીની નેટવર્કનો લાભ લીધો. બંસલનું ડેટા-ડ્રિવન માઇક્રોમેનેજમેન્ટ અને સંઘનું સામાજિક નેટવર્ક એકમેક સાથે ભળી ગયા અને બંગાળની ચૂંટણીમાં કરામત કરી દેખાડી. સંઘે જમીન પર સામાજિક બદલાવ લાવ્યો અને શાહ-બંસલની જોડીએ આ બદલાવને એક ચોક્ક્સ વૈચારિક માળખું પૂરું પાડીને વોટમાં કન્વર્ટ કરી દીધી.
મમતાની ટિપ્પણીઓનો જવાબ આપ્યો જમીન સ્તર પર કાર્ય કરીને
ચૂંટણી પ્રચાર દરમિયાન બેબાક બનેલા મમતા બેનર્જીએ વારંવાર સંઘને નિશાન બનાવ્યું હતું અને તેને ‘બહારી અને વિભાજનકારી સંગઠન’ તરીકે ચિતરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મમતાએ ગુજરાતીઓ અંગે પણ ઘણા એલફેલ નિવેદનો આપ્યા હતા. પરંતુ સંઘે આ ઉશ્કેરણીના જવાબમાં કોઈ નિવેદનો કે ટિપ્પણીઓ કરવાની જગ્યાએ જમીન તીવ્રતાથી સેવા કાર્યો કરીને આપ્યો. મમતાના આ આક્રોશે ઉલટાનું હિંદુઓને વધુ એકજૂટ કર્યા.
કોલકાતા જેવા શહેરી વિસ્તારોમાં રહેતા અને પોતાને આધુનિક કે સેક્યુલર માનતો બંગાળી ઉચ્ચ વર્ગ (ભદ્રલોક) લાંબા સમયથી રાષ્ટ્રવાદી વિચારધારાથી દૂર રહ્યો હતો. આ વર્ગને આકર્ષવા માટે સંઘના બૌદ્ધિક મંચોએ વિશેષ સેમિનારો અને પુસ્તકોના માધ્યમથી એક નવી વૈચારિક ઝુંબેશ ચલાવી. જેમાં તેમણે લોકોને સમજાવ્યું કે કમ્યુનિસ્ટોની વિદેશી વિચારધારા એ અસલી બંગાળી સંસ્કૃતિ નથી, પરંતુ સ્વામી વિવેકાનંદ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને મહર્ષિ અરવિંદ જેવા મહાપુરુષોના વિચારો એ જ સાચો બંગાળી રાષ્ટ્રવાદ છે.
સંદેશખાલીથી ભ્રષ્ટાચાર સુધી…TMCને ઉઘાડી પાડી
સંઘની સૌથી મોટી તાકાત એ રહી કે તેણે સ્થાનિક સ્તરની સમસ્યાઓ જેમ કે સંદેશખાલીની હિંસા, ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ જનમાનસ સુધી પહોંચાડીને TMCની વાસ્તવિક વિચારધારા ઉઘાડી પાડી દીધી. જ્યારે સ્થાનિક જનતાને સમજાયું કે તેમના પર થતા અત્યાચારો પાછળ મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ છે, ત્યારે વિરોધની જ્વાળા વધુ પ્રચંડ બની.
સ્વતંત્રતા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત બંગાળી હિંદુઓ પોતાની ધાર્મિક ઓળખ બાબતે આટલા ગર્વથી બહાર આવ્યા છે. સંઘે હિંદુ હોવાના ગૌરવને એવી રીતે પ્રસ્થાપિત કર્યું કે વિપક્ષી નેતાઓને પણ પોતાની સભાઓમાં ચંડીપાઠ કરવા પડ્યા અને ‘ટેમ્પલ રન’ કરવું પડ્યું. ત્યાં સુધી તો મમતા બેનર્જીએ ‘મેં બંગાલ કી બેટી હું’નું રટણ પણ શરૂ કરી દેવું પડ્યું. સેક્યુલરિઝમનો જે સ્યુડો-એજન્ડા બંગાળમાં ચાલતો હતો, તેનો સંઘે કાયમ માટે અંત આણી દીધો છે.
સ્વયંસેવકોને આર-પારવાળી લડાઈ માટે 5 વર્ષમાં કર્યા તૈયાર
વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપ બહુમતીથી ઘણું દૂર રહી ગયું હતું અને માત્ર 77 બેઠકો જ મેળવી શક્યું હતું. તેનું કારણ હતું કે 5 વર્ષ પહેલાં ભાજપ કે સંઘ જમીની સ્તર સુધી નહોતા પહોંચી શક્ય અને એમાંય વિશેષ કે તૃણમૂલની હિંસા સામે કાર્યકર્તાઓ ટકી શક્યા નહોતા. સંઘે છેલ્લાં પાંચ વર્ષમાં બંગાળમાં હજારો નવી શાખાઓ શરૂ કરીને પોતાના સ્વયંસેવકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરીને આર કે પારવાળી લડાઈ માટે તૈયાર કર્યા હતા. જેનું પરિણામ ત્યારે દેખાયું જ્યારે TMCના ગુંડાઓએ હિંસાઓ આચરી. આ વખતે ટીએમસીના ગુંડાઓની હિંસા સામે સંઘના સ્વયંસેવકો અડગ દીવાલ બનીને ઊભા રહ્યા.
સંઘની ઘંટી…ધીમું દળે ઝીણું દળે….
આવી ઝીણવટભરી વ્યૂહરચનાથી, સંઘનાં સેવા કાર્યોથી, મોદી-શાહની દૂરંદેશીતાથી બંગાળી હિંદુઓમાં નવી ચેતના આવી અને TMCનો ડર દૂર થયો. આ જ આયોજનથી જનતા સુધી વાસ્તવિક રાષ્ટ્રહિત, રાષ્ટ્રવાદ અને તેના વાહકો પહોંચી શક્યા. સંઘની આ સુનિયોજિત વ્યૂહરચનાનું પરિણામ બંગાળના મતદાનના આંકડાઓમાં દેખાઈ આવ્યું. ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના બંને તબક્કાઓમાં 90%થી વધુ મતદાન થયું અને ટોટલ 92.3% મતદાન નોંધાયું.
પશ્ચિમ બંગાળનો આ વિજય એ સાબિત કરે છે કે જો વૈચારિક ધૈર્ય, સાંસ્કૃતિક રીતે મજબૂત નેટવર્ક અને જમીની સ્તરે સમર્પિત કાર્યકર્તાઓ હોય તો વામપંથીઓ અને કટ્ટરપંથીઓના સૌથી મોટા ગઢને પણ પરાજિત કરવો શક્ય છે. બંગાળમાં રચાયેલો આ ઇતિહાસ હવે દેશનાં અન્ય રાજ્યો માટે પણ એક આદર્શ મોડેલ બનશે, જ્યાં તુષ્ટિકરણની રાજનીતિ હિંદુ અસ્મિતાને દબાવવાનો પ્રયત્ન કરે છે. બંગાળ સંઘના કારણે જ આજે સનાતન રાષ્ટ્રવાદના એક નવા સૂર્યોદયનું સાક્ષી બન્યું છે. છેલ્લે એટલું જ– સંઘની ઘંટી થોડું મોડું દળે છે પણ ઘણું ઝીણું દળે છે.


