ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો એક તરફ અને બંગાળ ચૂંટણીનાં પરિણામો એક તરફ. બીજાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ હતી, બંગાળમાં ચૂંટણી અંત આવતાં સુધીમાં એક વૈચારિક યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. આ યુદ્ધ જીતવું એ માત્ર ભાજપ માટે નહીં પણ ભયાક્રાંત બંગાળની જનતા, ટીએમસીના ગુંડારાજ હેઠળ જીવતા હિંદુઓ અને લોકતંત્ર, સુશાસન અને વિકાસના રાજકારણ માટે મત આપતા દરેક ભારતીય માટે જરૂરી હતું. ભારતીય જનતા પાર્ટીએ 200+ બેઠકોના અંતિમ પ્રહાર સાથે આ યુદ્ધ સમાપ્ત કરીને ભગવો ઝંડો સ્થાપિત કરી દીધો છે, જે આવનારા દાયકાઓ સુધી લહેરાતો રહેશે. વર્ષો સુધી કુશાસન સહન કરી ચૂકેલા બંગાળની વિકાસયાત્રાનો એક નવો તબક્કો અહીંથી શરૂ થશે, પણ પહેલા તબક્કાનો સુખદ અને ભવ્યાતિભવ્ય અંત આવ્યો છે.
2016માં ભારતીય જનતા પાર્ટીની ત્રણ બેઠકો હતી. 2026માં 2/3 કરતાં મોટો વિજય મેળવ્યો. 294માંથી 206 બેઠકો મળવી, ટીએમસીનાં મોટાં માથાંનું હારી જવું, અહીં સુધી કે મમતા બેનર્જીનું પોતાના ગઢમાં પરાજિત થવું– આ બધું દર્શાવે છે કે આ ચૂંટણી માત્ર સામાન્ય ચૂંટણી ન હતી કે બંગાળમાં સત્તાપરિવર્તન માત્ર નથી થયું પણ એક વૈચારિક પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આ એક આઇડિયોલૉજિકલ શિફ્ટ છે. તેનાં પરિણામો આવનારા દાયકાઓ સુધી મળતાં રહેશે.
આવો અગત્યનો વિજય ભાજપે છેલ્લે 2014માં મેળવ્યો હતો. 2004માં વાજપેયી સરકાર ગઈ અને પુનઃ એક વખત સોનિયા શાસન આવ્યું તેને દસ વર્ષ વીતી ચૂક્યાં હતાં. UPA કાળનાં ભ્રષ્ટાચાર, દુશાસન, કથળતી અર્થવ્યવસ્થાને કારણે જનમાનસમાં નિરાશા વ્યાપી ગઈ હતી. નરેન્દ્ર મોદીએ ભાજપની કમાન હાથમાં લઈને સૌથી પહેલું કામ દેશની સામૂહિક ચેતના જગાવવાનું કર્યું. દેશભરમાં પ્રચાર કર્યો, મોદી લહેર ચાલી અને આ લહેરમાં વિરોધીઓ તણાઈ ગયા. દાયકાઓ પછી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બની.
2014ની ચૂંટણી પણ ભાજપ માટે સરળ ન હતી. કોઈ ચૂંટણી સરળ હોતી નથી. પણ 2014માં સત્તા કોંગ્રેસ પાસે હતી. જેઓ અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડના અને લેવલ પ્લેઇંગ ફિલ્ડ ન મળતું હોવાનાં રોદણાં રડતા રહે છે તેમણે જે-તે સમયે મોદી પ્રચાર ન કરી શકે, ભાજપની લહેર ન દેખાય તે માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા, પણ લહેર આવે ત્યારે આ બધું સાથે તણાઈ જતું હોય છે. મોદી લહેરમાં પણ આમ જ થયું.
2014માં જનતા બહાર આવી હતી કારણ કે તેમણે સત્તાપરિવર્તન કરવું હતું. નરેન્દ્ર મોદીનામાં, ભાજપમાં તેમને આશા દેખાઈ. UPA સરકારનાં કૌભાંડો અને અણઘડ શાસનના દિવસોમાંથી મુક્ત થવા માટે સામૂહિક સંકલ્પ લીધો અને એટલે 2014ની લોકસભા ચૂંટણીની જીત શક્ય બની. બાકી આટલી મોટી ચૂંટણી નવેસરથી લડીને પ્રચંડ વિજય પ્રાપ્ત કરવો એ સામાન્ય સંજોગોમાં શક્ય નથી. લહેરો આવે ત્યારે આવાં પરિવર્તનો આવતાં હોય છે.
2014ની જીત એ આધુનિક ભારતની વિકાસયાત્રાનો એક માઈલસ્ટોન હતો. ત્યાંથી ભારત બદલાયું, ભારતનું જનમાનસ બદલાયું અને એક વૈચારિક બદલાવ આવ્યો. ત્યારપછી જે થયું એ ઇતિહાસ છે. મોદી પહેલાંનું ભારત જુદું હતું, મોદી પછીનું ભારત જુદું છે.
આજે વિચારધારથી માંડીને દરેક ક્ષેત્રમાં જે કંઈ પરિવર્તન દેખાય છે એ આ 2014ની જીતને આભારી છે. કહેવાનો અર્થ એ માત્ર એક ચૂંટણી ન હતી, એક જીત માત્ર ન હતી કે સરકાર નહતી બદલાઈ, ત્યારે મોદીલહેર સાથે એકસાથે અનેક પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. હવે પછીની ચૂંટણીઓનાં પરિણામો જે આવે એ, સત્તા પર જે આવે એ, પણ તેમણે આ 2014 પછીના નવા ભારતના માળખામાં રહીને જ શાસન ચલાવવું પડશે. હવે કોઈ 2014 પહેલાંના યુગમાં ન જઈ શકે એ મોદીના શાસનની સૌથી મોટી સફળતા છે.
બંગાળની જીત આવી જ એક જીત છે. સ્વતંત્રતા પછી કોંગ્રેસ અને ત્યારબાદ દાયકાઓ સુધીના કમ્યુનિસ્ટ શાસન હેઠળ કપરી સ્થિતિમાં મૂકાયેલું બંગાળ 2011માં મમતા બેનર્જીની ટીએમસીના હાથમાં ગયું. કમ્યુનિસ્ટોથી છુટકારો મેળવવા માટે જનતાએ કમાન મમતાના હાથમાં સોંપી પણ જેમ-જેમ મમતાનું શાસન ચાલ્યું તેમ ખબર પડતી ગઈ કે આ તો ભૂત મર્યું ને પલિત જાગ્યું જેવું થયું છે.
સત્તા ટકાવી રાખવી, એન્ટી ઇન્કમ્બન્સી સામે લડીને સરકારો બચાવવી– આ કામ દેખાય એટલું સરળ હોતું નથી. જનતા એક ઝાટકે ઘરે બેસાડી દે છે. સત્તા ટકાવી રાખવી હોય તો દરેક મોરચે તમારે કામ કરવું પડે, લોકોની સતત વધતી અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડે, ખરા ઉતરતા દેખાવું પડે અને જનતા માટે વિકલ્પ બનતા રહેવું પડે. પણ આ બધું કરવામાં મહેનત પડે એમ છે, એટલે મમતા અને ટીએમસીએ એક સરળ રસ્તો શોધી કાઢ્યો હતો– ગુંડારાજ અને ભયનું શાસન.
જેમ-જેમ સત્તામાં દિવસો વધતા ગયા એમ ટીએમસીએ આ તીવ્રતા પણ વધારી. છેલ્લો કાર્યકાળ તમામ હદ પાર કરી ગયો હતો. સામાન્ય નાગરિકોને નજીવી બાબતો માટે જેલમાં નાખવા, સોશિયલ મીડિયા પોસ્ટ માટે લોકોને ઉઠાવી લેવા, પોલીસનો દુરુપયોગ કરવો, ચૂંટણી આવે ત્યારે લોકોમાં ભય બેસાડી દેવો, બૂથ કેપ્ચરિંગ અને હિંસાના જોરે ચૂંટણીઓ જીતવી, ચૂંટણી બાદ હિંસા કરવી, હિંદુઓને પ્રતાડિત કરવા, મત એકઠા કરવા માટે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવું, વૉટબેન્કના રાજકારણ માટે ઘૂસપેઠિયાઓને પોષવા– આ બધાના જોરે સત્તા ટકાવવાના મમતા અને ટીએમસીએ પ્રયાસ કર્યા, પણ એ શાસન લાંબો સમય ટકી શક્યું નહીં.
આ ચૂંટણી માત્ર બંગાળની જનતા માટે કે ભારતીય જનતા પાર્ટી માટે નહીં પણ દેશ માટે, દેશના દરેક રાષ્ટ્રવાદી મતદાર માટે અગત્યની હતી. એ જમીન પર દેખાયું પણ ખરું. સામાન્ય રીતે બીજાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પ્રત્યે લોકો આટલા સજાગ હોતા નથી. ગુજરાતીઓ તો આમ પણ ચૂંટણી સિવાયના દિવસોમાં રાજકારણથી છેટા રહે છે. પણ આ વખતે માહોલ અલગ હતો. બંગાળમાં નવા સૂર્યોદય માટે એક સામૂહિક સંકલ્પ થયો હતો અને ચોથી મેએ એ સાકાર થયો.
ભાજપ માટે આ જીત ભાવનાત્મક છે. બંગાળના ભાજપ કાર્યકર્તાઓ માટે પણ એટલી જ ભાવનાત્મક છે. ટીએમસીના ગુંડારાજમાં કેટલાય ભાજપ કાર્યકર્તાઓ બલિદાન થઈ ગયા, પણ પાર્ટીનો ઝંડો નીચે ન મૂક્યો. આ ચૂંટણીમાં પણ દિવસ-રાત એક કરીને મહેનત કરી. ભાજપ નેતાઓએ લોહી-પાણી એક કર્યાં. બંગાળ જનસંઘ સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મભૂમિ છે, ત્યાં આખરે ભગવો લહેરાવીને મોદી-શાહની ભાજપે તર્પણ કર્યું. અનેક રીતે આ જીત ઐતિહાસિક છે.
મારા-તમારા જેવા સામાન્ય મતદારો જે છેલ્લાં વર્ષોમાં આ બધું જોતા હતા, પણ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવવા સિવાય કશું કરી શકતા ન હતા, તેમના માટે આ જીત વ્યક્તિગત જીત છે. ભય, ગુંડારાજ, અરાજકતામુક્ત વ્યવસ્થા ઇચ્છતા દરેક નાગરિકની આ જીત છે. લોકતંત્રમાં વિશ્વાસ રાખતા દરેક મતદારનો આ વિજય છે.
બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટ કરી ત્યારે તેમાં તેમણે લખ્યું– બંગાળની આ ચૂંટણી કાયમ માટે યાદ રખાશે. સાચે જ આ ચૂંટણી દાયકાઓ સુધી યાદ રખાશે.
The Lotus blooms in West Bengal!
— Narendra Modi (@narendramodi) May 4, 2026
The 2026 West Bengal Assembly Elections will be remembered forever. People's power has prevailed and BJP's politics of good governance has triumphed. I bow to each and every person of West Bengal.
The people have given a spectacular mandate to…
16 મે 2014ના દિવસે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. એ ઘડી અને આજનો દિવસ, દેશે પાછળ ફરીને જોયું નથી. ભારતના ઇતિહાસમાં અમર બની ગયેલી અનેક તારીખો પૈકીની આ એક તારીખ છે. આ તારીખોની યાદીમાં આજે એક વધુ તારીખ ઉમેરી દઈએ– ચોથી મે, 2026.


