
4 મે, 2026ના રોજ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં અંતિમ પરિણામો જાહેર થઈ ગયાં છે. આ ચૂંટણીમાં કુલ 824 બેઠકો માટે મતદાન થયું હતું (બંગાળની ફાલ્ટા બેઠક સિવાય 823), જેમાં આશરે 17 કરોડ મતદારો જોડાયા હતા. પરિણામોમાં અનેક રાજ્યોમાં સત્તાપલટો અને મોટા રાજકીય સંકેતો જોવા મળ્યા છે.
અંતિમ પરિણામોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ભાજપે ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. 294માંથી 206 બેઠકો જીતતા ભાજપે સ્પષ્ટ બહુમત મેળવી સત્તા પર કબજો જમાવ્યો છે, જ્યારે TMC 80 બેઠકો સાથે સમેટાઇ ગઈ છે. રાજ્યમાં લાંબા સમય બાદ મોટું સત્તા પરિવર્તન જોવા મળ્યો છે. મમતા બેનર્જી પોતે ભવાનીપુરા બેઠક પરથી સુવેન્દુ અધિકારી સામે હારી ગયાં છે.

આસામમાં પણ ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. ભાજપે એકલાહાથે જ 82 બેઠકો જીતી સ્પષ્ટ બહુમત મેળવી, જ્યારે અન્ય સાથી પક્ષો સાથે NDAએ સતત ત્રીજી વાર સરકાર બનાવવાનો માર્ગ તૈયાર કર્યો છે. વધુમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી.
તમિલનાડુમાં સૌથી મોટું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. અભિનેતા વિજયની પાર્ટી TVKએ 108 બેઠકો જીતી છે. DMKને 59 અને AIADMKને 47 બેઠકો મળતાં પરંપરાગત રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થયો છે. વધુમાં DMK સરકારમાં મુખ્યમંત્રી રહેલા એમકે સ્ટાલિન પોતે પોતાની સીટ બચાવી શક્યા નથી.
કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFએ વાપસી કરી છે. કોંગ્રેસે 63 બેઠકો સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે, જ્યારે CPI(M)ને 26 બેઠકો મળતાં LDF પાછળ રહી ગયું છે. રાજ્યમાં સત્તા બદલાવનો સંકેત સ્પષ્ટ જોવા મળ્યો છે. ટૂંકમાં કેરળમાંથી હવે વામપંથી શાસનનો અંત થયો છે અને એ સાથે દેશમાંથી પણ વામપંથી સરકારનો તમામ રાજ્યોમાંથી અંત થયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં NDAની સહયોગી લીડર પાર્ટી AINRC 12 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે ભાજપે 4 બેઠકો જીતી છે. NDA ગઠબંધન અહીં સરકાર બનાવવા માટે અનુકૂળ સ્થિતિમાં છે.
આ રીતે 2026ની આ ચૂંટણીમાં ભાજપ અને NDAએ અનેક રાજ્યોમાં પોતાનું પ્રભુત્વ મજબૂત બનાવ્યું છે, જ્યારે કેટલાક રાજ્યોમાં નવા રાજકીય પ્રયોગો અને સત્તા પરિવર્તનના સંકેતો પણ જોવા મળ્યા છે.

