હોમપેજગુજરાતફેકિંગ ન્યૂઝ: સ્થાનિક ચૂંટણીનાં પરિણામો બાદ ત્રણ ગુજરાતી યુટ્યુબ ચેનલોના સંપાદકોનાં AAPમાંથી...

ફેકિંગ ન્યૂઝ: સ્થાનિક ચૂંટણીનાં પરિણામો બાદ ત્રણ ગુજરાતી યુટ્યુબ ચેનલોના સંપાદકોનાં AAPમાંથી રાજીનામાં

સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ કે એજન્ડાપ્રેરિત વિડીયો કે નેતાઓની પાછળ-પાછળ કેમેરામેન ફેરવવું– કંઈ કામ ન આવ્યું. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ભાંગી પડ્યા પત્રકારો.

- Advertisement -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામ પછી રાજકીય પાર્ટીઓમાંથી નેતાઓનાં રાજીનામાં તો પડશે ત્યારે પડશે પણ તાજેતરમાં પત્રકારત્વ જગતમાં ખળભળાટ મચાવતી એક ઘટના બની ગઈ. સમાચાર એવા છે કે ત્રણ યુટ્યુબ ચેનલના સંપાદકોએ એક પછી એક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધાં છે. આ તમામે પાર્ટીના અત્યંત નબળા પ્રદર્શન બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને ભારે હૈયે આ નિર્ણય લીધો હોવાનું ગુપ્ત સૂત્રો જણાવી રહ્યાં છે.

મુખ્યધારાના મીડિયામાંથી બેરોજગાર થઈ ગયા બાદ યુટ્યુબ પર દુકાન ખોલી બેઠેલા અને કામ તો ઠીક પણ ઉંમરના કારણે વરિષ્ઠ થઈ ગયેલા એક તંત્રીશ્રીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “પત્રકાર પ્રામાણિક હોવો જોઈએ. નેતાઓ ભલે સારાં-નરસાં પરિણામો પછી પદ પર બન્યા રહે, પણ એક સ્વાભિમાની અને ઈમાનદાર પત્રકાર એવું કરી ન શકે. પત્રકારે નૈતિક જવાબદારી સ્વીકારવાની હિંમત બતાવવી જોઈએ. મને આનંદ છે કે મારી સાથે મારા બે સાથીઓએ પણ આ હિંમત બતાવી છે.”

જ્ઞાનની આ ભારેભારખમ વાત કર્યા પછી તંત્રીશ્રી ગળગળા થઈ જાય છે. અમે તેઓને બાજુના ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ આપીએ છીએ. તેઓ ઘૂંટડોક પાણી પીને આગળ વાત ચલાવે છે.

- Advertisement -

તંત્રીશ્રી કહે છે કે છેક 2022ની વિધાનસભા ચૂંટણી વખતેથી તેમની ચેનલ થકી તેઓ આમ આદમી પાર્ટી માટે એજન્ડા સેટ કરવાની, પાર્ટીનો નરેટિવ આગળ ધપાવવાની પૂરજોર કોશિશ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી ધારેલી સફળતા એકેય ચૂંટણીમાં મળી ન હતી. આ ચૂંટણીમાં તેમને આશા હતી, પરંતુ તેની ઉપર ફરી એક વખત પાણી ફરી ગયું. ગળે ડૂમો ભરાયેલા અવાજમાં તેઓ જણાવે છે કે, ‘આ વખતે પણ અમે ઓછી મહેનત નહતી કરી, પરંતુ ઈશ્વરને ગમ્યું એ ઠીક.’

સંપાદકશ્રીનું કહેવું છે કે આમ આદમી પાર્ટી કે તેના સમર્થકો તરફથી તેમને પ્રશ્નો પૂછાય તે પહેલાં જ તેમણે છેડો ફાડી લીધો છે.

જોકે તંત્રીશ્રીને આશંકા છે કે મોદી અને શાહના ઈશારે જ તેમની ચેનલને આગળ વધવા દેવામાં આવી રહી નથી. તેઓ કહે છે, “મને 24માંથી 26 કલાક લાગે છે કે મોદી અને શાહ મારી પાછળ પડી ગયા છે. એક વખત મારા એક આઇપીએસ દોસ્તારે મને તેનાં સંતાનોનાં લગ્નનું આમંત્રણ નહતું આપ્યું તો મેં સાંજે 6:45 પછી એક પોસ્ટ લખીને મોદી અને શાહને જવાબદાર ઠેરવ્યા હતા. ઇવન ગઈકાલે મારા ઘરનો નળ બગડી ગયો એમાં પણ મને આશંકા આ બે ઉપર જ જાય છે. મારા જીવનમાં જે કંઈ ખોટું થાય છે એના માટે મોદી અને શાહ જ જવાબદાર છે એવું હું માનું છું’

‘હવે આગળ શું’ એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે હવે તેમની ગણતરી બે ગાય રાખવાની છે. અમે તેમને ‘ગીર ગાય સારી આવે’ એવું નમ્ર સૂચન કરીને ત્યાંથી રવાના થઈએ છીએ.

‘અમે આટલી મહેનત કરી, નેતાઓની પાછળ કેમેરામેન ફેરવ્યા, પણ મહેનત એળે ગઈ’

અન્ય એક ચેનલ ચલાવતાં સંપાદક બહેનનું કહેવું છે કે 2022ની ચૂંટણીથી તેઓ ચેનલ મારફતે આમ આદમી પાર્ટીના પક્ષમાં ક્રાંતિ લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં હતાં અને તે માટે ફેક ન્યૂઝ, ભ્રામક સમાચારો, એજન્ડાપ્રેરિત વિડીયો અને લેખોનો સહારો લેવો પડે તો તેમાં પણ કચાશ રાખી નથી. આ ચૂંટણીમાં પણ પરિણામ ધારેલું ન મળતાં તેમણે ધીરજ ગુમાવી દીધી છે અને હવે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે.

સંપાદક બહેનનું કહેવું છે કે અમુક AAP નેતાઓને લૉન્ચ કરવા માટે તેમણે જવાબદારી ઉપાડી લીધી હતી. તેમની પાછળ ફૂલટાઈમ એક-બે કેમેરામેન પણ રાખ્યા હતા. નેતાશ્રીએ સવારે ઉઠીને નાસ્તામાં શું ખાધું છેથી માંડીને આખો દિવસ શું-શું કર્યું તેની સચોટ જાણકારી તેઓ દર્શકોને પહોંચાડતાં. એટલું જ નહીં તેમનું કહેવું છે કે અમુક નેતાઓ તો કાયમ તેમના સ્ટુડિયોમાં જ પડ્યા-પાથર્યા રહેતા. જેવી કોઈ ઘટના બને કે તરત ઉઠીને ઇન્ટરવ્યુ આપી દેતા.

બહેન થોડા મોકળા મને વાત કરતાં જણાવે છે કે, “અમે જો ભાજપ કે ઇવન કોંગ્રેસના નેતાઓના ઇન્ટરવ્યુ લેવા માટે જઈએ તો બહુ બહાદુર દેખાવા માટે અઘરા અને અણિયારા પ્રશ્નો તૈયાર કરીને જઈએ છીએ, પરંતુ આ કિસ્સામાં થોડું ઊંધું છે. અમે એ જ સવાલો કરતા હોઈએ જે આમ આદમી પાર્ટીના નેતાઓને પોતાનો એજન્ડા ચલાવવામાં સરળતા કરી આપે. અમારું કામ સામે બેસીને માત્ર માથું હલાવવાનું અને ‘હા તમારી વાત સાચી છે’ એમ કહેવાનું જ રહેતું.”

આ મહેનત ગણાવીને તેઓ જણાવે છે કે તેમ છતાં ધારેલું પરિણામ ન આવે તો માણસને સ્વાભાવિક દુઃખ થાય. અહીં તેઓ પણ ગળગળાં થઈ ગયાં, પણ બાજુના ટેબલ પર ગ્લાસ ન હતો એટલે અમારા પક્ષેથી કશું કરવાનું ન હતું. અમે તેઓ શાંત થાય ત્યાં સુધી બારીની બહાર તરબૂચના ઝાડ પર બે વાંદરા એકબીજાની મશ્કરી કરતા હતા એ જોયા કર્યું.

સ્વસ્થ થઈને તેઓ જણાવે છે, “આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈ કાંડ કરતા પકડાય ત્યારે પણ અમે પૂરતું ધ્યાન રાખતા કે નરેટિવ તેમની વિરુદ્ધ ન ચાલ્યો જાય.” તેઓ સ્વીકારે છે કે બાકીના બે સાથીઓએ પણ આમાં પૂરતી મહેનત કરી હતી. એક નાનકડી ઈકોસિસ્ટમ મળીને આ નેતાઓની કરતૂતો ઢાંકવા માટે વિડીયો બનાવવા માંડતી અને વાતને બીજે જ પાટે ચડાવવાનો પ્રયાસ કરતી. જોકે તેઓ સ્વીકારે છે કે સોશિયલ મીડિયાના સમયમાં હવે કશું ઢાંકી શકાતું નથી પણ તેમના પક્ષેથી મહેનતમાં કચાશ રહી ન હતી.

પત્રકાર બહેન જણાવે છે કે, “આમ અમે નેતાઓ આવા કેમ હોય ને તેવા કેમ હોય એવા પ્રશ્નો કરીને જ કારકિર્દી બનાવી અને ટોળું ભેગું કર્યું હતું પણ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અમુક ગંભીર ગુનાના આરોપીઓને ટિકિટ આપી ત્યારે અમે ચૂપ રહ્યાં. ઉપરથી તેને જસ્ટિફાય કરતા નેતાઓના વિડીયો ભરપૂર ચલાવ્યા. આટલા બલિદાન પછી પણ આવું પરિણામ આવવાથી હવે અમે હિંમત હારી ગયાં છીએ.”

‘સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ પણ કામ ન આવ્યા’

ત્રીજાં પત્રકાર બહેન સાથે ટેલિફોનિક વાતચીત દરમ્યાન તેઓ પરિણામથી થોડાં વધુ ભાંગી પડેલાં જણાયાં. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી માટે તેમણે શું નથી કર્યું? ‘આ વખતે AAP ક્રાંતિ લાવશે’, ‘AAPના આ નેતાએ ભાજપનાં ગાભાં કાઢી નાખ્યાં’, ‘AAPની સુનામી’ વગેરે જેવાં શીર્ષકો સાથે ઢગલેબંધ વિડીયો બનાવ્યા છતાં કોઈ ફેર ન પડ્યો એ હકીકત જણાવતી વખતે તેમના ચહેરાની રેખા બદલાય જાય છે.

તેઓ જણાવે છે, “આમ આદમી પાર્ટીવાળાઓ મોટેભાગે સોશિયલ મીડિયા પર જ કૂદાકૂદ કરતા રહેતા હતા. જમીન પર કોઈ પ્રેઝન્સ હતું નહીં. ભવિષ્યના પરિણામ અંગે ચિંતિત થઈને આખરે અમે આ કામ ઉપાડી લીધું. આના માટે અમે સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ ગોઠવ્યા.”

સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુ કઈ રીતે કર્યા? એ પ્રશ્નના જવાબમાં સંપાદક બહેન કહે છે કે, “અમે આમ આદમી પાર્ટીના જ અમુક માણસોને સામાન્ય જનતા તરીકે ઊભા રાખી દીધા અને તેમને ભાજપવિરોધી સવાલો કરીને જવાબો મેળવીને બહુ વિડીયો ફરતા કર્યા.” જોકે તેમણે કહ્યું કે અડધી ચૂંટણીએ જ તેમની પોલ ખુલી ગઈ અને તેના કારણે પછીથી આગળ આવા ઇન્ટરવ્યુ થઈ શક્યા નહીં. બાકી તેમની ગણતરી આખા ગુજરાતમાં આવા ઇન્ટરવ્યુ કરવાની હતી.

તેઓ કહે છે કે સમગ્ર ચૂંટણી દરમ્યાન આમ આદમી પાર્ટીને મુશ્કેલીમાં મૂકે એવા સમાચારોથી અમે અળગા રહ્યા અને ઉપરથી પાર્ટીનો એજન્ડા સેટ થાય એ પ્રકારે જ ચાલ્યા. પરિણામના થોડા કલાક પહેલાં જ સુરતમાં એક જઘન્ય અપરાધની ઘટના બની એમાં પણ અમે જાતિવાદ ફેલાવવાનો અંતિમ પ્રયાસ કરી જોયો પણ સફળતા ન મળી. આ અમારા સૌની પણ હાર છે એવું તેઓ અંતે સ્વીકારી ગયાં.

આમ આદમી પાર્ટી સંબંધિત હવાલાકાંડ વિશે સંપાદક બહેન જણાવે છે કે, “બીજી પાર્ટી કે ભાજપનો જો આવો કાંડ પકડાયો હોત તો અમે ગામ ગજવી મૂક્યું હોત, પણ આમાં જરા અમે સાવચેત રહ્યા. શરૂઆતમાં તો સમાચાર પર ધ્યાન ન આપ્યું, પણ પછીથી સમાચાર આપવા પડ્યા. પણ પછી તરત અમે નેતાઓની સ્પષ્ટતાના વિડીયો ફેરવવા માંડ્યા. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાને ઘટસ્ફોટ કરી દીધો કે અમુક યુટ્યુબ ચેનલોને પૈસા પહોંચાડવામાં આવી રહ્યા હતા, એટલે અમારે મેદાને આવવું પડ્યું.

જોકે અમે અહીં વચ્ચેથી અટકાવીને તેમને કહ્યું કે ‘પણ ડેપ્યુટી સીએમએ નામ તો કોઈનું લીધું ન હતું’ તો તમારે કેમ ઉડતાં તીર લેવાની જરૂર પડી? આ પ્રશ્નનો જવાબ મળે એ પહેલાં ફોન કટ થઈ ગયો. હવે ફરી કરીએ છીએ તો નંબર નેટવર્ક ક્ષેત્રની બહાર બતાવે છે. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

(અહીં લખાયેલી વાતોમાં એટલું જ તથ્ય છે જેટલું તથ્ય અમુક સ્વઘોષિત પત્રકારો અને તેમની ચેનલો નિષ્પક્ષ હોવાની વાતોમાં છે. બધી વાતો સાચી માનીને પ્રશ્નો કરવા બદલ તમને આ પત્રકારોના વિડીયો ઉપરાછાપરી બતાવવામાં આવશે અને એ પણ સ્કીપ કર્યા વગર.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં