આ રહ્યા સ્થાનિક ચૂંટણીના અંતિમ આંકડા: 9986માંથી ભાજપે 75% બેઠકો જીતી, 500 પર પણ પહોંચી ન શકી AAP, કોંગ્રેસને 1740 બેઠકો

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીનાં પરિણામો ઘોષિત થઈ ચૂક્યાં છે. ભાજપે ફરી એક વખત જંગી બહુમતીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને ભાજપની આ સુનામીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી તણાઈ ગયાં. મોટા ઉપાડે ગુજરાતભરમાં ચૂંટણી લડવા નીકળેલી આમ આદમી પાર્ટી કુલ 9,900થી વધુ બેઠકોમાંથી 500 પર પણ ન પહોંચી શકી. કોંગ્રેસનું પ્રદર્શન પણ ખાસ સુધર્યું નહીં અને ભાજપે 2021 કરતાં મોટો વિજય મેળવ્યો.

રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની કુલ 9992 બેઠકોમાંથી 9986 બેઠકો પર ચૂંટણી થઈ હતી. તાલુકા પંચાયતની 6 બેઠકોમાંથી અમુક પર ઉમેદવારોનાં અવસાન થતાં અને અમુક બેઠકો પર તમામ ફોર્મ પરત ખેંચાઈ જતાં ચૂંટણી રદ કરવામાં આવી હતી. અહીં નવેસરથી ચૂંટણી થશે.

કુલ 9986 બેઠકોમાંથી ભાજપે 7491 બેઠકો જીતી લીધી છે. જે લગભગ 75% બેઠકો થાય. કોંગ્રેસે 1740 બેઠકો જીતી. આમ આદમી પાર્ટીએ બોલબોલ બહુ કર્યું પણ બેઠકો માત્ર 489 મળી. અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારો બાકીની 266 બેઠકો જીત્યા.

રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ હતી, જેમાંથી ભાજપે તમામ પર વિજય મેળવ્યો છે. મોરબી અને પોરબંદર મહાનગરપાલિકાઓમાં વિપક્ષનું નામનિશાન ન રહ્યું અને ભાજપે તમામ 52માંથી 52 બેઠકો જીતી. આ જ રીતે નડિયાદ અને સુરેન્દ્રનગરમાં 52માંથી 51-51 બેઠકો ભાજપે જીતી લીધી. નવસારીમાં 52માંથી 50 બેઠકો ભાજપે જીતી. સુરતમાં 120માંથી 115 ભાજપને ફાળે ગઈ, જ્યારે આમ આદમી પાર્ટી 27 પરથી 4 પર આવી ગઈ. કોંગ્રેસે 1 બેઠક સાથે ખાતું ખોલાવ્યું.

મહાનગરપાલિકાની કુલ 1044 બેઠકોમાંથી ભાજપે લગભગ 90% બેઠકો જીતી લીધી છે. પાર્ટીને 937 બેઠકો મળી. કોંગ્રેસને 95 અને આમ આદમી પાર્ટીને માત્ર 6 બેઠકો મળી. જેમાંથી 4 સુરતમાં અને 2 જામનગરમાં મળી. 12 બેઠકો પર અન્ય પક્ષોના કે અપક્ષ ઉમેદવારો જીત્યા.

ભાજપે કુલ 84માંથી 78 નગરપાલિકાઓ પણ જીતી લીધી છે. બાકીની 6 પર કોંગ્રેસની જીત થઈ. આમ આદમી પાર્ટીને અહીં કશું ન મળ્યું.

નગરપાલિકાની કુલ 2624 બેઠકોમાંથી ભાજપે 75% બેઠકો એટલે કે 1988 બેઠકો જીતી. કોંગ્રેસને 469 સીટ મળી. આમ આદમી પાર્ટીને માત્ર 45 સીટો મળી. 132 બેઠકો પર અપક્ષ કે અન્ય પાર્ટીના ઉમેદવારો જીત્યા.

ભાજપે 34માંથી 33 જિલ્લા પંચાયતો પણ જીતી લીધી છે. એક નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીને ફાળે ગઈ. કુલ 1090 બેઠકોમાંથી ભાજપે 892 બેઠકો જીતી. કોંગ્રેસે 136 અને આમ આદમી પાર્ટીએ 56 સીટો જીતી.

રાજ્યની 5234 તાલુકા પંચાયત બેઠકોમાંથી 3674 બેઠકો ભાજપે જીતી. કોંગ્રેસે 1050 અને આમ આદમી પાર્ટીએ 407 સીટો જીતી. 94 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા.

(માહિતી સાભાર– ચૂંટણી પંચ, ગુજરાત)