
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ભવ્ય અને એકતરફી જીત મેળવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ હતી, જ્યાં તમામ પર ભાજપે જંગી બહુમતી સાથે જીત મેળવી છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત તમામ પંદર મહાનગરપાલિકા પર ભાજપે ભગવો ઝંડો લહેરાવ્યો. કુલ 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર ચૂંટણી થઈ હતી, જેમાંથી ભાજપે 937 બેઠકો કબજે કરી છે. કોંગ્રેસને માત્ર 95 બેઠક મળી છે. બાકીની 12 બેઠકો અન્યના ફાળે ગઈ છે. જેમાંથી આમ આદમી પાર્ટીને માત્ર 6 બેઠકો મળી.
મોરબી અને પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ક્લીન સ્વિપ કર્યું છે અને તમામ બેઠકો જીતી લીધી છે. બંને મહાનગરપાલિકાઓમાં 52-52 બેઠકો છે. જ્યારે નડિયાદમાં 52માંથી 51 બેઠક પર ભાજપની જીત થઈ, માત્ર એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. નવસારીની 52માંથી 50 બેઠકો ભાજપે જીતી લીધી.
સુરેન્દ્રનગરમાં પણ કુલ 52માંથી 51 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી હતી.
સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી ભાજપને 160 બેઠકો મળી. બાકીની 32 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે.
સુરતની 120 બેઠકોમાંથી ભાજપે 115 બેઠકો પર જીત મેળવી. 2021ની સ્થાનિક ચૂંટણીમાં ભાજપને 93 બેઠકો મળી હતી. આ વખતે ભાજપની બેઠકો વધી છે. ગત ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીને આ વખતે માત્ર 4 બેઠકો મળી. 2021માં શૂન્યમાં સમેટાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીને આ વખતે 1 બેઠક મળી છે. વૉર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અર્શદ જરીવાલા જીત્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 72માંથી 65 બેઠકો જીતી લીધી છે. બાકીની 7 બેઠકો કોંગ્રેસે જીતી હતી.
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 76માંથી 69 અને કોંગ્રેસે 6 બેઠકો જીતી. 1 બેઠક અપક્ષના ફાળે ગઈ.
ભાવનગર મહાનગરપાલિકાની 52માંથી 44 બેઠકો પર ભાજપની જીત થઈ છે. બાકીની 8 બેઠકો કોંગ્રેસે જીતી હતી.
જામનગરની 64 મહાનગરપાલિકા બેઠકોમાંથી 60 ભાજપે જીતી, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો ગઈ હતી. બાકીની 2 બેઠકો આમ આદમી પાર્ટીને મળી.
વાપી મહાનગરપાલિકાની 52માંથી 37 બેઠકો ભાજપે જીતી. કોંગ્રેસે 11 અને 4 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી.
ગાંધીધામની 52માંથી 41 બેઠકો ભાજપને અને 11 બેઠકો કોંગ્રેસને મળી છે.
આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં 52માંથી 43 બેઠકો ભાજપને અને 8 બેઠકો કોંગ્રેસને મળી.
મહેસાણાની 52માંથી 47 બેઠકો ભાજપે જીતી, જ્યારે બાકીની પાંચ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ.

