સુરત મહાનગરપાલિકામાં 115 બેઠકો સાથે ભાજપનો ભવ્ય વિજય: AAP 27 પરથી માત્ર 4 બેઠકોમાં સમેટાઈ, કોંગ્રેસને 1 બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ચારેકોર ભગવો લહેરાવ્યો છે અને તમામ 15 મહાનગરપાલિકાઓ ફરી એક વખત કબજે કરવા તરફ પાર્ટી આગળ વધી રહી છે. જે સુરત મહાનગરપાલિકાનાં પરિણામોની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. સુરતમાં ભાજપને 120માંથી 115 બેઠકો મળી છે. બીજી તરફ ગત ચૂંટણીમાં 27 બેઠકો સુધી પહોંચેલી આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે.

કોંગ્રેસ પાર્ટીને 2021ની મહાનગરપાલિકા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી. પરંતુ આ વખતે એક ઉમેદવાર જીત્યા છે. વૉર્ડ નંબર 12માં કોંગ્રેસના અરશદ જરીવાલાની જીત થઈ હતી. જોકે તેમના વૉર્ડમાં બાકીના ત્રણ ભાજપના ઉમેદવારો જીત્યા છે.

ભારતીય જનતા પાર્ટીને 2021ની સ્થાનિક ચૂંટણીમાં 93 બેઠકો મળી હતી, જે આંકડો આ વખતે 115 પર પહોંચી ગયો છે.

2021માં સુરતમાં 27 બેઠકો જીતેલી આમ આદમી પાર્ટીને સૌથી મોટો ફટકો પડ્યો છે. આ ચૂંટણીમાં AAPને માત્ર એક જ વૉર્ડમાં ચાર બેઠકો મળી છે, તે સિવાય ક્યાંય સફળતા મળી નથી. કુલ 30 વૉર્ડની 120 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 111 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

2021ની સુરતની જીતને આમ આદમી પાર્ટીએ ‘ઐતિહાસિક’ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે પ્રથમ જ પ્રયાસે પાર્ટી સુરત જેવા મહાનગરમાં મુખ્ય વિપક્ષ બની ગઈ છે અને હવે આ વિજયરથ આગળ વધતો રહેશે. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ દાવાઓ પોકળ સાબિત થયા અને પાર્ટી શહેરની એક પણ બેઠક જીતી શકી ન હતી. ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી લડવા આવ્યા હતા ત્યાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા જીતીને ત્યાં મેયર બનાવવાની વાતો પણ કરી દીધી હતી અને પાર્ટીએ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાને ટિકિટ આપી હતી. મનોજ સોરઠિયા પોતાની સીટ પણ હારી ગયા છે. તેમના વૉર્ડ પર ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી હતી ત્યાં હવે ભાજપની પેનલ જીતી છે. સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા પણ વૉર્ડ નંબર 16માં હારી ગયાં છે.