મનોજ સોરઠિયાને સુરતના મેયર બનાવવા માગતા હતા AAP સમર્થકો, પોતાની બેઠક પણ ન બચાવી શક્યા: મહાનગરપાલિકા ચૂંટણીમાં હાર

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓનાં પરિણામ આજે ઘોષિત થઈ રહ્યાં છે. રાજ્યભરમાં કુલ 9000થી વધુ બેઠકો માટે ગણતરી ચાલી રહી છે. મહાનગરો પર ખાસ નજર છે, જેમાં સુરત મહાનગરપાલિકાના 30 વૉર્ડની 120 બેઠકો પરનાં પરિણામો આવવાં માંડ્યાં છે. સુરત મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાને પણ લડવા ઉતાર્યા હતા, જેઓ હારી ગયા છે.

મનોજ સોરઠિયાની 6000 મતોથી હાર થઈ હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. તેઓ વૉર્ડ નંબર 4માંથી ઉમેદવાર હતા. આખી પેનલ હારી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અહીં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે.

મનોજ સોરઠિયા હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં વધેલા ત્રણ-ચાર મોટા નેતાઓ પૈકીના એક છે. પાર્ટીએ તેમને સ્થાનિક ચૂંટણીમાં સુરતથી ઉમેદવાર બનાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના સમર્થકોએ તેમને મેયર બનાવવાની પણ વાતો વહેતી કરી દીધી હતી. જોકે ‘મેયર’ પોતાની બેઠક અને પેનલ પણ બચાવી શક્યા નથી.