પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ રાજ્યના વાતાવરણમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. TMCના કાર્યકરો આ પરાજયને પચાવી શક્યા નથી, જેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પર હુમલા અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ક્યાંક બૉમ્બ ફેંકવાની ઘટનાઓ બની રહી છે તો ક્યાંક અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે સત્તા પરિવર્તનની આ પ્રક્રિયા અત્યંત લોહિયાળ બની રહી છે.
સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે રાજ્યમાં નવી ભાજપ સરકાર બનવાની છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે, છતાં દંગાઈઓ આટલી હિંમત ક્યાંથી લાવી રહ્યા છે? સામાન્ય જનતામાં એવી ચર્ચા છે કે જો 2026નાં પરિણામો 2021 જેવાં આવ્યાં હોત તો રાજ્યના સામાન્ય નાગરિકો અને ખાસ કરીને હિંદુઓની સુરક્ષા પર કેવું જોખમ તોળાયું હોત. વર્તમાન હિંસા એ સ્પષ્ટ કરે છે કે બંગાળમાં રાજકીય શુદ્ધિકરણની પ્રક્રિયા કેટલી પડકારજનક છે.
2021ની ચૂંટણીનાં પરિણામો બાદ ઘટેલી ઘટનાઓ
આજે જ્યારે બંગાળ એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે 2021ની એ ભયાનક સ્મૃતિઓને તાજી કરવી જરૂરી છે. 2 મે 2021ના રોજ જ્યારે ટીવી પર તૃણમૂલ કોંગ્રેસની બહુમતી સ્પષ્ટ થઈ રહી હતી ત્યારે બીજી બાજુ આખા રાજ્યમાંથી ભાજપના સમર્થકોને શોધી-શોધીને નિશાન બનાવવાના અહેવાલો અને વિડીયો આવવા માંડ્યા હતા.
ભાજપના સમર્થકોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી અને તેમના પરિવારો પર ક્રૂડ બોમ્બથી હુમલા કરાયા. નિર્દોષ કાર્યકરોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી; કોઈની લાશ ઝાડ પર લટકતી મળી તો કોઈને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે માસૂમ બાળકો સામે તેમની માતાની હત્યા અને પિતાની નજર સામે દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. હિંસાની આવી 40 ઘટનાઓ વિશે ઑપઇન્ડિયાએ ભૂતકાળમાં જણાવ્યું હતું.
જ્યારે બંગાળમાં હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું હતું ત્યારે તત્કાલીન સરકાર અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું હતું. મીડિયા સમક્ષ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ખોટા દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ વાસ્તવિકતામાં પીડિતોની મદદ કરનાર કોઈ નહોતું. રાજ્યની બહારથી પીડિતોને મળવા જઈ રહેલા પ્રતિનિધિઓને અટકાવવામાં આવતા હતા જેથી બંગાળની આ વરવી વાસ્તવિકતા દુનિયા સામે ન આવે. પોલીસના મૌન અને સરકારની આડોડાઈને કારણે તોફાનીઓને ખુલ્લો દોર મળી ગયો હતો.
હિંદુઓ પલાયન માટે મજબુર થયા
હિંસાનો ખૌફ એટલો ભયાનક હતો કે હજારો પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે પોતાના જ રાજ્યમાંથી પલાયન કરવાની ફરજ પડી હતી. ભાજપના તત્કાલીન અધ્યક્ષ જે.પી. નડ્ડાના જણાવ્યા અનુસાર તે સમયે અંદાજે 80,000થી 1,00,000 જેટલા હિંદુ પરિવારો વિસ્થાપિત થયા હતા. પશ્ચિમ બંગાળમાં સુરક્ષા ન મળતાં મોટી સંખ્યામાં લોકોએ પાડોશી રાજ્ય આસામના ધુબરી જિલ્લામાં જઈને શરણ લેવી પડી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં રાજકીય હિંસાને કારણે થયેલું આ પલાયન લોકશાહીના ઇતિહાસમાં સૌથી કાળી ઘટના તરીકે અંકિત થઈ ગયું છે.
14 મે 2021ના રોજ વિશ્વ હિંદુ પરિષદએ અહેવાલ આપ્યો હતો કે રાજ્યમાં ફેલાયેલી હિંસાથી 3500થી વધુ ગામો અને આશરે 40,000 હિંદુઓ પ્રત્યક્ષ રીતે પ્રભાવિત થયા હતા. પરિષદના જણાવ્યા અનુસાર, આ હિંસામાં સૌથી વધુ અત્યાચાર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર કરવામાં આવ્યો હતો. આ ભયાનક સ્થિતિને જોતા VHPએ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી.
ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમની તપાસ
ત્યારબાદ સિક્કિમ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રમોદ કોહલીની આગેવાની હેઠળની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમે 29 જૂન 2021ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં હિંસાની આશરે 15,000 ઘટનાઓ બની હતી. જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અંદાજે 7,000 જેટલી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કે જાતીય સતામણીની ઘટનાઓ બની હોવાનું નોંધવામાં આવ્યું હતું.
માનવાધિકાર આયોગનો રિપોર્ટ
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની (NHRC) 7 સભ્યોની ટીમે 20 દિવસમાં 311 સ્થળોની મુલાકાત લઈને હાઇકોર્ટમાં વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો. આયોગે અત્યંત કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે બંગાળમાં ‘કાયદાનું શાસન’ (Rule of Law) નહીં, પરંતુ ‘શાસકનો કાયદો’ (Law of Ruler) ચાલી રહ્યો છે. આયોગને 23 જિલ્લાઓમાંથી હત્યા, બળાત્કાર અને આગજની જેવી કુલ 1,979 ફરિયાદો મળી હતી, જેમાં કૂચબિહાર, બીરભૂમ અને કોલકાતા જેવા વિસ્તારો મોખરે હતા.
આયોગના અહેવાલમાં મહિલાઓ પર થયેલા જઘન્ય અત્યાચારોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ પાસેથી મળેલી 57 જેટલી ગંભીર ફરિયાદોના આધારે NHRCએ ભલામણ કરી હતી કે રાજ્ય પોલીસની નિષ્ક્રિયતાને જોતાં આ સમગ્ર પ્રકરણની તપાસ CBIને સોંપવી જોઈએ. આ અહેવાલે મમતા સરકારની નૈતિકતા અને વહીવટી ક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
હાઇકોર્ટનું વલણ
બંગાળ હિંસાની ગંભીરતાને ધ્યાને લઈ કલકત્તા હાઇકોર્ટે મે 2021માં જ મમતા સરકારને ત્રણ સભ્યોની સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો. આ સમિતિનું કામ સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને એવા તમામ લોકોની સુરક્ષિત ઘરવાપસી સુનિશ્ચિત કરવાનું હતું, જેઓ હિંસાના ડરથી પલાયન કરી ગયા હતા. ત્યારબાદ ઑગસ્ટ 2021માં હાઇકોર્ટે જનહિતની અરજીઓ પર સુનાવણી કરતા હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓની તપાસ CBIને સોંપી દીધી હતી.
હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. રાજ્ય સરકારની દલીલ હતી કે CBI તેમની સંમતિ વિના આ કેસોની તપાસ કેવી રીતે કરી શકે. જોકે, સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતા અને માનવાધિકારના ભંગને પ્રાધાન્ય આપીને તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ CBIએ અનેક ચાર્જશીટ દાખલ કરી અને અનેક ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ કેસોની સુનાવણી બંગાળની નીચલી અદાલતોમાં ચાલી રહી હતી. પરંતુ 2024માં CBIની એક અરજી પર ધ્યાન આપતાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને નોટિસ ફટકારી હતી અને નીચલી અદાલતોમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણય પાછળનો હેતુ ન્યાયિક પ્રક્રિયામાં નિષ્પક્ષતા જાળવવાનો અને સાક્ષીઓને સુરક્ષા આપવાનો હતો, જેથી ભવિષ્યમાં આવા બનાવો પર અંકુશ મેળવી શકાય.


