પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની ઉજવણી અને ચૂંટણી પછીની હિંસાની ઘટનાઓ વચ્ચે બુધવારે (6 મે) એક ગંભીર ઘટના ઘટી ગઈ. ભવાનીપુરથી ટીએમસી સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતાના વિશ્વાસુ, નિજી સહાયક ચંદ્રનાથ રથની હત્યા કરી નાખવામાં આવી. ચંદ્રનાથ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મધ્યમગ્રામમાં આ ઘટના બની.
ઘટના રાત્રે 10:20 આસપાસ બની હતી. ચંદ્રનાથ સ્કોર્પિયો કારમાં તેમના ઘરે જઈ રહ્યા હતા. કાર એરપોર્ટથી આગળ વધી કે ચાર બાઇકે કારનો પીછો કરવાનો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ એક ફોર વ્હીલર પાછળથી આવી અને ચંદ્રનાથની સ્કોર્પિયો આગળ ઊભી રહી ગઈ હતી, જેથી સ્કોર્પિયો અટકાવવી પડી. કાર અટકી એટલે બે બાઇક કારની નજીક ગઈ અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચંદ્રનાથ રથ ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠા હતા, જેમને છાતી અને પેટના ભાગે ગોળી વાગી. જ્યારે ડ્રાઇવર બુદ્ધદેવની પણ છાતી અને પગમાં ગોળીઓ વાગી. ત્યારબાદ હુમલો કરનારાઓ ભાગી છૂટ્યા.
સ્થાનિકોએ ચંદ્રનાથ અને તેમના ડ્રાઇવરને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ ચંદ્રનાથને મૃત ઘોષિત કર્યા. ડ્રાઈવરને પછીથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે અને ગંભીર સ્થિતિમાં છે. બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હાલ CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતાં એક SITની પણ રચના કરવામાં આવી છે. પોલીસ કહી રહી છે કે આ પ્રિપ્લાન્ડ મર્ડર હતું.
કોણ હતા ચંદ્રનાથ રથ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચંદ્રનાથ રથ ભલે કોઈ જાણીતો ચહેરો નહોતા, પરંતુ ભાજપના આંતરિક વર્તુળોમાં તેઓ શુભેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસુ સહયોગી અને ‘સંકટમોચક’ તરીકે ઓળખાતા હતા. સક્રિય રાજકારણમાં આવ્યા તે પહેલાં ચંદ્રનાથે લગભગ 20 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી. વાયુસેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેઓ થોડો સમય કોર્પોરેટ સેક્ટરમાં પણ કાર્યરત રહ્યા હતા.
મૂળ પૂર્વ મેદિનીપુરના ચાંદીપુરના વતની ચંદ્રનાથે રહરા રામકૃષ્ણ મિશનમાં અભ્યાસ કર્યો હતો. તેમના પર રામકૃષ્ણ મિશનના વિચારોનો ઊંડો પ્રભાવ હતો, જેને કારણે કહેવાય છે કે તેઓ સ્વભાવે ખૂબ જ મૃદુ અને શાંત હતા. કહેવાય છે કે તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન ચંદ્રનાથ રામકૃષ્ણ મિશનની જીવનશૈલીથી એટલા પ્રભાવિત હતા કે તેમણે એક સમયે આધ્યાત્મિક જીવન સ્વીકારવાનો અને સાધુ બનવાનો પણ વિચાર કર્યો હતો. જોકે, નસીબ તેમને પહેલાં વાયુસેના અને બાદમાં રાજકારણ તરફ દોરી ગયું.
ચંદ્રનાથનો પરિવાર વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલો હતો. શરૂઆતમાં તેમનો પરિવાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલો હતો. તેમના માતા હસી રથ પૂર્વ મેદિનીપુરમાં સ્થાનિક પંચાયત સંસ્થામાં પદ સંભાળતાં હતાં. 2020માં જ્યારે શુભેન્દુ અધિકારીએ પક્ષ પલટો કર્યો ત્યારે રથ પરિવાર પણ તેમની સાથે ભાજપમાં જોડાયો હતો.
શરૂઆતથી જ ચંદ્રનાથ શુભેન્દુની પડખે
રથ પરિવાર અને શુભેન્દુ અધિકારી વચ્ચેનો સંબંધ બે દાયકા કરતાં પણ વધુ જૂનો છે. પૂર્વ મેદિનીપુરમાં જ્યારે TMC પોતાનો પ્રભાવ જમાવી રહી હતી ત્યારથી ચંદ્રનાથ શુભેન્દુ સાથે હતા. આ ગાઢ વ્યક્તિગત અને રાજકીય સંબંધોને કારણે જ તેઓ શુભેન્દુના અંગત સહાયક (PA) અને મુખ્ય વ્યુહરચનાકાર બન્યા.
ચંદ્રનાથ સત્તાવાર રીતે 2019માં શુભેન્દુ અધિકારીની કોર ટીમમાં જોડાયા હતા, જ્યારે અધિકારી હજુ મમતા બેનર્જીની સરકારમાં મંત્રી હતા. શરૂઆતમાં તેમણે મંત્રીના કાર્યાલયનું સંકલન અને વહીવટી કામકાજ સંભાળ્યું હતું, પરંતુ ધીમે-ધીમે તેઓ સંગઠનના અઘોષિત નેતા બની ગયા.
ભાજપના આંતરિક વર્તુળોમાં ચંદ્રનાથ રથ એવી વ્યક્તિ તરીકે જાણીતા હતા જેઓ અત્યંત સંવેદનશીલ રાજકીય કાર્યો, પ્રચારનું લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને પક્ષના પાયાના કાર્યકરો સાથે સીધું સંકલન સાધતા હતા. ભાજપનાં આંતરિક વર્તુળોથી પરિચિત લોકો કહે છે કે ચંદ્રનાથ લાઈમલાઈટથી દૂર રહીને સંગઠનને મજબૂત કરવાનું કામ કરતા હતા.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રનાથે નંદિગ્રામ અને ભવાનીપુર જેવી હાઈપ્રોફાઈલ બેઠકો પર ચૂંટણી વ્યવસ્થાપનમાં અજોડ ભૂમિકા ભજવી હતી. આ બંને બેઠક પર શુભેન્દુ અધિકારી લડી રહ્યા હતા. શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર જેવી કાંટાની ટક્કરવાળી બેઠક જીતી તેની પાછળ ચંદ્રનાથ અને તેમની ટીમનું રાત-દિવસનું વહીવટી કામ અને આયોજન મુખ્ય હતું.
ચૂંટણી બાદ જ્યારે મમતા બેનર્જી ભવાનીપુરના સ્ટ્રોંગરૂમની મુલાકાતે ગયાં હતાં ત્યારે શુભેન્દુની ગેરહાજરીમાં ચંદ્રનાથે ભાજપના કાર્યકરોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પોલીસ અને વહીવટીતંત્ર સામે મોરચો માંડીને TMCના પ્રચાર વાહનને ત્યાંથી હટાવવાની ફરજ પાડી હતી.
ભાજપના નેતાઓમાં તેઓ ‘મિસ્ટર ડિપેન્ડેબલ’ તરીકે જાણીતા હતા હતા. તેમના મતે ચંદ્રનાથ વિધાનસભામાં ચા-બિસ્કિટથી લઈને પોસ્ટરના કામ સુધીની તમામ નાની-મોટી બાબતોનું ધ્યાન રાખતા હતા.
શુભેન્દુ અધિકારીએ આ હત્યાને ‘પ્લાન્ડ મર્ડર’ ગણાવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 3-4 દિવસથી તેમની રેકી કરવામાં આવી રહી હતી. શુભેન્દુએ કહ્યું કે તેમણે મમતા બેનર્જીને હરાવ્યાં અને ચંદ્રનાથ તેમના નજીકના સાથી હતા એટલે જ તેમની હત્યા કરી નાખવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.


