હોમપેજમિડિયાબનાસકાંઠાના ગામમાં દલિતો સાથે વાળ કાપવા મામલે થતો ભેદભાવ? દાવા સાથે મીડિયાએ...

બનાસકાંઠાના ગામમાં દલિતો સાથે વાળ કાપવા મામલે થતો ભેદભાવ? દાવા સાથે મીડિયાએ છાપ્યા અહેવાલો, પણ સરપંચ-પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયાને જણાવી જુદી હકીકત

સમગ્ર મામલે જ્યારે ઑપઇન્ડિયાએ સ્થાનિક સરપંચ અને પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો તો જુદી જ હકીકત સામે આવી. 

- Advertisement -

તાજેતરમાં મીડિયા-સોશિયલ મીડિયામાં એક દાવો ભરપૂર વાયરલ થયો. દાવો એવો છે કે બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામમાં દાયકાઓ પછી દલિતોને ગામની વાળંદની દુકાનમાં વાળ કાપવા દેવામાં આવ્યા. સૌથી પહેલાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. TOIના રિપોર્ટ બાદ નેશનલ મીડિયામાં પણ મુદ્દો ઘણો ચર્ચાયો. પછીથી ગુજરાતી અખબારોએ પણ સ્થાન આપ્યું અને વાળ કાપવા જેવી બાબતમાં દલિતો સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાની વાત લખી. તમામની વિગતો જોકે એકસમાન છે, પાત્રો પણ સરખાં છે. 

TOIના રિપોર્ટમાં ‘કીર્તિ ચૌહાણ’ નામની વ્યક્તિનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે તે ગામમાં વાળ કપાવનારો પહેલો દલિત બન્યો. ‘સમુદાય માટે આ સ્વતંત્રતા દિવસ જેવો માહોલ હતો’ તેવું લખીને TOI લખે છે કે, ગામની તમામ પાંચ વાળંદની દુકાનો દલિતો માટે પ્રથમ વખત ખોલવામાં આવી. 

આગળ લખવામાં આવ્યું છે– ‘પેઢીઓ સુધી, 6500 હજારની વસ્તી ધરાવતા ગામમાં 250 દલિતોને સ્થાનિક વાળંદને ત્યાં પ્રવેશ મળતો ન હતો અને તેમણે અન્ય ગામમાં જવું પડતું હતું અને ક્યારેક ઓળખ પણ છુપાવવી પડતી હતી, એ પણ વાળ કપાવવા જેવાં કામ માટે. પરંતુ આ બધું ગત સપ્તાહે બદલાયું, જ્યારે તમામ સમુદાયના અગ્રણીઓએ આ વણલખ્યો પ્રતિબંધ દૂર કરવા સહમતિ સાધી.’

- Advertisement -
TOIના રિપોર્ટમાંથી

રિપોર્ટમાં ‘ઈમોશનલ’ કીર્તિ ચૌહાણને ટાંકવામાં આવ્યો છે, જે કહે છે કે, “હું અહીં વાળ કપાવનારો પહેલો દલિત છું. સમજતો થયો ત્યારથી અમારે વાળ કપાવવા માટે બીજા ગામમાં જવું પડતું હતું. 24 વર્ષના જીવનમાં પહેલી વખત હું મારા ગામમાં મુક્તિ અને સ્વીકાર્યતા અનુભવી રહ્યો છું.” 

ત્યારબાદ અહેવાલમાં એક્ટિવિસ્ટ ચેતન ડાભી અને અન્ય અમુક વ્યક્તિઓનાં નામનો ઉલ્લેખ છે, જેમણે આ ‘પેઢીઓ જૂની પ્રથા’ બંધ કરાવી હોવાનું કહેવાયું છે. ગામના સરપંચ સુરેશ ચૌધરીને ટાંકીને લખવામાં આવ્યું છે કે, “સરપંચ તરીકે અગાઉની પ્રથા પર મને પસ્તાવો થાય છે. મારા કાર્યકાળ દરમિયાન તેનો અંત આવ્યો તેનો ગર્વ છે.” 

રિપોર્ટમાં છોગાજી ચૌહાણ નામની એક વ્યક્તિને ટાંકીને લખવામાં આવ્યું કે, તેઓ વાળ કપાવવા માટે માઇલો સુધી ચાલતા જતા હતા અને તેમના પિતાએ પણ સ્વતંત્રતા પહેલાં આ બધું સહન કર્યું હતું. પિન્ટુ નાઈનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, તેનું કહેવું છે કે તેમણે માત્ર સમાજનો ધારો પાળ્યો હતો, પણ વડીલો સહમત થયા તો તેમણે પણ ઢીલ મૂકી અને વ્યવસાય માટે પણ આ સારું છે.

ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ અન્ય મીડિયા સંસ્થાનોએ પણ આવી જ હેડલાઈનો સાથે અહેવાલો તરત મૂક્યા છે. પરંતુ મીડિયાનું રિપોર્ટિંગ કયા સ્તરનું થઈ ગયું છે તેનું ઉદાહરણ ત્યાંથી પણ મળે કે કોઈ રિપોર્ટમાં કીર્તિનું નામ કિરણ થઈ ગયું છે તો કોઈમાં કીર્તિને એક સ્ત્રી ગણાવવામાં આવ્યો છે. કોઈ રિપોર્ટ કહે છે કે સ્વતંત્રતા બાદ ગામમાં દલિતોને પહેલી વખત વાળ કાપવા દેવામાં આવ્યા હતા. ગુજરાતી અખબારોએ પણ પછીથી શબ્દશઃ આવા જ અહેવાલો પ્રકાશિત કર્યા હતા.

BBC ગુજરાતીએ પણ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં અમુક દલિત યુવકોને અને ગામના વાળંદને ટાંકીને લખવામાં આવ્યું છે કે ગામમાં દલિતોને વાળ કાપવા દેવામાં આવતા ન હતા અને તેમણે અન્ય ગામમાં જવું પડતું હતું. દલિત હોવાના કારણે તેમને વાળ કાપવાની મનાઈ હતી તેવું પણ લખવામાં આવ્યું છે. વાળંદ કહે છે કે, “ગામના લોકોને સમસ્યા હોવાના કારણે અમે દલિતોના વાળ કાપતા ન હતા, પરંતુ હવે સમાધાન થઈ ગયું છે અને બધાના વાળ કાપવામાં આવે છે.”

સરપંચે ઑપઇન્ડિયાને શું જણાવ્યું?

ઑપઇન્ડિયાએ જ્યારે ગામના સરપંચ અને પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે આ વાતોનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું કે જાતિગત ભેદભાવની કોઈ વાત નથી. ગામના એક દલિત યુવકનો વાળંદ સાથે ઝઘડો થયો હતો, જેના કારણે તે પોલીસ મથકે અરજી આપી આવ્યો હતો. પછીથી પોલીસ, સરપંચની હાજરીમાં સમાધાન પણ કરી દેવામાં આવ્યું હતું અને હવે ભેદભાવ જેવી કોઈ વાત નથી, પહેલાં પણ ન હતી.

મીડિયાએ સુરેશ ચૌધરીને સરપંચ ગણાવ્યા છે, પણ હકીકતે સરપંચ તેમનાં પત્ની છે. સુરેશે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના અહેવાલોમાં જે વાતો લખવામાં આવી છે તેનાથી હકીકત સાવ જુદી છે. વાસ્તવમાં આ બે વ્યક્તિઓ વચ્ચેની નાનકડી બબાલ હતી, જેનું ત્વરિત સમાધાન આવી ગયું હતું. સંપૂર્ણ સમુદાય સાથે કે જાતિગત ભેદભાવ સાથે તેને કશું જ લાગતું-વળગતું નથી. ગામમાં દલિતોના વાળ પહેલાં પણ કપાતા જ હતા, પછી પણ કપાય છે. 

ચૌધરીએ આપેલી જાણકારી અનુસાર, થોડા સમય પહેલાં ગામમાં એક દલિત યુવકે એક વાળંદને રાત્રે 10 વાગ્યે ફોન કરીને વાળ કાપી આપવા માટે જણાવ્યું હતું, પરંતુ વાળંદે ના પાડી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પછીથી મામલો પોલીસ સુધી પણ પહોંચી ગયો. ત્યારબાદ સરપંચના પતિએ પણ હસ્તક્ષેપ કર્યો અને મામલો થાળે પાડ્યો હતો. પછીથી વાળંદે યુવકને વાળ કાપી આપ્યા હતા. ત્યાં મામલો પૂરો થઈ ગયો હતો. 

ભેદભાવની કોઈ વાત નથી: પોલીસ અધિકારી

ઑપઇન્ડિયાએ જ્યારે ધાનેરા પોલીસ મથકના પીઆઈ મહેશ ચૌધરીનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ જ જાણકારી આપી અને અહેવાલોને સંપૂર્ણ નકારી દીધા. તેમણે કહ્યું કે, આવો કોઈ વિષય નથી, ગામમાં વર્ષોથી દલિતોના પણ વાળ કાપવામાં આવે છે અને કપાતા રહ્યા છે. બંને યુવકો વચ્ચે નાનકડો ખટરાગ હતો, જેનું સમાધાન પણ આવી ગયું હતું. વાળંદે કોઈ વ્યક્તિગત ઝઘડાના કારણે વાળ કાપવાની ના પાડી હશે, પરંતુ પછીથી નિવેડો આવી ગયો હતો. જાતિગત ભેદભાવ જેવી કોઈ વાત નથી. 

તેમણે મામલાની સમજ આપતાં કહ્યું કે, એવું નથી કે જાતિનો જ વિષય હોય. ગામમાં લોકો રહેતા હોય એટલે ખેતરોથી લઈને રસ્તા સુધીના બીજા પણ પ્રશ્નો હોવાના. આવી જ કોઈ ખટપટમાં વાળંદે ના પાડી દીધી હશે, પરંતુ આમાં સમુદાય સુધી વિષય લઈ જવાની કોઈ જરૂર નથી. તેમણે પેઢીઓ પછી દલિત યુવકને પ્રથમ વખત વાળ કાપી આપવામાં આવ્યાની વાતો પણ નકારી દીધી હતી અને જણાવ્યું કે આવું કશું જ નથી. 

પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે તેમણે દલિત સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી અને સમુદાયના લોકોએ પણ તેમને જણાવ્યું કે તેમની સાથે ન તો કોઈ ભેદભાવ થાય છે કે ન બીજી કોઈ સમસ્યા છે. PI અનુસાર, તેમની પાસે આ નિવેદનોના વિડીયો પણ ઉપલબ્ધ છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં