અમેરિકાના (America) ચૂંટાયેલ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરે તે પહેલાં જ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જે ભારત અને હિંદુઓને ગૌરવાન્વિત કરે એવા છે. અમેરિકાના એક રાજ્ય ઓહિયોએ (Ohio) ઓક્ટોબર મહિનાને (October Month) ‘હિંદુ હેરિટેજ મહિનો’ (Hindu Heritage Month) તરીકે નામિત કર્યો છે. અમેરિકાના આ રાજ્યના ગવર્નરે એક બિલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં આ બાબતનો ઉલ્લેખ છે.
US: Ohio designates October as Hindu Heritage Month pic.twitter.com/KpKa0TYngd
— Newsum (@Newsumindia) January 9, 2025
નોંધનીય છે કે અમેરિકા એક ફેડરલ સ્ટેટ છે જ્યાં દરેક રાજ્યનું પોતાનું બંધારણ છે અને પોતાના કાયદા છે. ત્યારે હવે અમેરિકાના રાજ્ય ઓહિયોએ (ઓહાયો) આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે અનુસાર ઓહિયોના ગવર્નર માઈક ડેવાઈને યુએસ રાજ્યમાં ઓક્ટોબર મહિનાને ‘હિંદુ હેરિટેજ મહિનો’ તરીકે નિયુક્ત કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે.
ગવર્નર માઈક ડેવાઈને બિલ પર કર્યા હસ્તાક્ષર
બુધવાર, 8 જાન્યુઆરીએ પ્રસ્તાવિત બિલ પર રાજ્યના ભૂતપૂર્વ સેનેટર નીરજ અંતાણીની હાજરીમાં ઓહિયોના ગવર્નર માઈક ડેવાઈને હસ્તાક્ષર કર્યા હતા. ગયા વર્ષે અંતાણી આ કાયદાના મુખ્ય પ્રાયોજક અને સમર્થક હતા. આ બિલ પર હસ્તાક્ષર કરતી વખતે રાજ્યના અન્ય ઘણા સમુદાયના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ અંગે અંતાણીએ કહ્યું હતું કે, “ઓહિયોમાં ઓક્ટોબરને હિંદુ હેરિટેજ મહિનો જાહેર કરવા માટે આ બિલ પર હસ્તાક્ષર કરવા બદલ હું ગવર્નર ડેવાઇનનો ખૂબ આભારી છું. ગવર્નર ડેવાઇનનો ઓહિયોમાં હિંદુ સમુદાય સાથે લાંબા સમયથી ગાઢ સંબંધ રહ્યો છે અને હું તેમના નેતૃત્વ માટે આભારી છું. બે વર્ષના લાંબા કાર્ય પછી, હું ખૂબ જ ખુશ છું કે હું મારા સમુદાય માટે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શક્યો.”
અંતાણીએ કહ્યું હિંદુઓ માટે એક મોટી જીત
નોંધનીય છે કે બિલ પસાર થયા પછી, રાજ્યના સેનેટર નીરજ અંતાણીએ કહ્યું હતું કે, “આ ઓહિયો અને દેશભરના હિંદુઓ માટે એક મોટી જીત છે. હવે દર ઓક્ટોબરમાં આપણે ઓહિયોમાં આપણા હિંદુ વારસાની ઉજવણી કરી શકીશું. આ ઓહિયો અને દેશભરમાં હિંદુ હિમાયતીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યનું પરિણામ હતું.” ઉલ્લેખનીય છે કે અંતાણી ઓહિયોમાં પહેલા હિંદુ અને ભારતીય અમેરિકન રાજ્ય સેનેટર છે.
I’m incredibly excited to have been with Governor @MikeDeWine today as he signed HB 173 into law, designating October as Hindu Heritage Month! As the 1st Hindu State Senator in Ohio’s 221 year history, I’m so proud to have gotten this legislation enacted. Now forever more, we… pic.twitter.com/BYFcttJzIv
— Niraj Antani (@NirajAntani) January 8, 2025
(સેનેટર: અમેરિકામાં સેનેટને કોંગ્રેસનું ઉપલું ગૃહ ગણવામાં આવે છે. દરેક રાજ્ય બે યુ.એસ. સેનેટરોને ચૂંટે છે, જે સેનેટમાં 100 સભ્યોનું ગઠન કરે છે. આ સેનેટર છ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાય છે. તથા સેનેટર સરકારની કાયદાકીય શાખાનો ભાગ હોય છે.)
આ બિલ હવે સત્તાવાર રીતે કાયદો બની ગયું છે અને 90 દિવસમાં અમલમાં આવશે. ઓક્ટોબર 2025 ઓહિયોનો પ્રથમ સત્તાવાર હિંદુ હેરિટેજ મહિનો હશે. ગયા મહિનાની શરૂઆતમાં, એટલે કે ડિસેમ્બર 2024માં, ઓહિયો સ્ટેટ હાઉસ અને સેનેટે આ અંગે એક બિલ પસાર કર્યું હતું, જેના પર 8 જાન્યુઆરીએ ગવર્નર ડેવાઇને હસ્તાક્ષર કર્યા હતા.