અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ram Mandir) ગત 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રભુ રામલલા બિરાજમાન થઈ ચૂક્યા છે અને બીજી તરફ મંદિર નિર્માણનો દ્વિતીય તબક્કો હાલ ચાલી રહ્યા છે. હવે મંદિરના શિખર માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જાણવા મળ્યું છે કે શિખર દસ ફૂટ સુધી સોનાથી મઢવામાં આવશે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેશ મિશ્રાએ તાજેતરમાં આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણકાર્યમાં ઝડપ લાવવામાં આવી રહી છે. આ માટે શ્રમિકોનો પણ વધારો કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 15 માર્ચ, 2025 સુધીમાં મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થઇ જશે. રામ મંદિર સાથે-સાથે મંદિર પરિસર બની રહેલા સપ્ત મંદિરનું કાર્ય પણ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે.
મિશ્રાના જણાવ્યા અનુસાર, પરકોટાનું પણ મોટાભાગનું નિર્માણકાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. આ દરમિયાન જ તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરનું શિખર દસ ફૂટ સુધી સોને મઢેલું હશે. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરમાં શેષ કાર્ય હવે પથ્થરોની નકશીકામનું ચાલી રહ્યું છે. તેમાં પણ મંદિરમાં લગાવવામાં આવનાર રામ કથા દર્શાવતી 500 ફૂટ લાંબા પથ્થરના નકશીકામનું કાર્ય પણ પૂર્ણતાના આરે છે. બાકીનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે તેમ મિશ્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
#Ayodhya में #राममंदिर निर्माण समिति के अध्यक्ष नृपेंद्र मिश्र ने बताया कि राम मंदिर का शिखर सोने का होगा। इसके सबसे ऊंचे बिंदु के नीचे करीब 10 फीट तक स्वर्ण पट्टियां लगाई जाएंगी। 15 मार्च तक राम मंदिर निर्माण का कार्य पूर्ण हो जाएगा।@airnewsalerts #RamMandir #UPNews pic.twitter.com/T2SFLusUQA
— Akashvani News Gorakhpur, Uttar Pradesh (@airnews_gkp) December 6, 2024
ભગવાનનું સિંહાસન પણ સોને મઢેલું
નોંધવું જોઈએ કે વર્તમાનમાં રામલલાના નિજમંદિરના ગર્ભગૃહનું કાર્ય સંપૂર્ણ થઇ ચૂક્યું છે. પ્રથમ તળથી લઈને ઉપર ભગવાનના ગર્ભગૃહને સંપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તળના દરવાજાઓમાં પણ સુવર્ણ જડવામાં આવ્યું છે. સાથે-સાથે ભગવાન રામલલાના સિંહાસનને પણ સોનાથી મઢીને બનાવવામાં આવ્યું છે. ત્યારે નિર્માણ સમિતિ દ્વારા મંદિરના શિખરને પણ સોને મઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક અહેવાલોમાં જણાવ્યા અનુસાર સમગ્ર પરિસરનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં 2025નો અંત આવી જશે.
ઉલ્લેખનીય છે કે હાલ રામ મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓ માટેનાં નિર્માણકાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. તે પૈકી અહીં વિદ્યુત સબ સ્ટેશન, સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અદ્યતન ફાયર સ્ટેશન સહિતનાં કાર્યો પણ પ્રગતિમાં છે.