Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમીન બદલે નોકરી કૌભાંડ: પૂછપરછ માટે CBI સમક્ષ હાજર નહીં રહે તેજસ્વી...

    જમીન બદલે નોકરી કૌભાંડ: પૂછપરછ માટે CBI સમક્ષ હાજર નહીં રહે તેજસ્વી યાદવ, પત્નીના સ્વાસ્થ્યનું બહાનું કાઢ્યું

    થોડા દિવસો પહેલાં રાબડી દેવીના ઘરે જઈને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું તથા લાલુ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી હતી. હવે તપાસ તેજસ્વી યાદવ સુધી પહોંચી છે. 

    - Advertisement -

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર હાલ CBI અને EDની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. આ મામલો જમીન બદલે નોકરી કૌભાંડનો છે, જે મામલે અગાઉ CBIએ પૂર્વ સીએમ અને લાલુનાં પત્ની રાબડી દેવીના ઘરે તપાસ કરી હતી તો શુક્રવારે (10 માર્ચ, 2023) તેજસ્વી યાદવના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેજસ્વી યાદવને સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેજસ્વી યાદવે CBI સમક્ષ હાજર રહેવાનો ઇનકાર કર્યો છે. અગાઉ 4 માર્ચે પણ તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ ફરીથી તેમને બોલાવવામાં આવ્યા પરંતુ આ વખતે પણ તેમણે હાજર રહેવાની ના પાડી દીધી છે. તેમણે પત્નીનું બહાનું કાઢ્યું છે. 

    તેજસ્વી યાદવે કહ્યું કે તેમની પત્ની હોસ્પિટલમાં દાખલ હોવાના કારણે તેઓ CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થઇ શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે તેજસ્વીની પત્ની ગર્ભવતી છે અને હાલ દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇડીની રેડ બાદ તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં 

    - Advertisement -

    અન્ય એક રિપોર્ટ અનુસાર, શુક્રવારે ઇડીએ દિલ્હી, પટના, રાંચી અને મુંબઈમાં લાલુ પ્રસાદ યાદવના પુત્રો-પુત્રીઓ અને નજીકના માણસોનાં ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન એજન્સીને 70 લાખ રોકડા, 1.5 કિલો સોનાનાં ઘરેણાં અને 900 યુએસ ડોલર સહિતનું વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં એજન્સીઓ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્ની રાબડી દેવીની પણ પૂછપરછ કરી ચૂકી છે. થોડા દિવસો પહેલાં રાબડી દેવીના ઘરે જઈને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું તથા લાલુ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી હતી. હવે તપાસ તેજસ્વી યાદવ સુધી પહોંચી છે. 

    એજન્સીઓની કાર્યવાહી 15 વર્ષ જૂના ‘લેન્ડ ફોર જોબ્સ સ્કેમ’ મામલે થઇ રહી છે. 2004થી 2009 દરમિયાન લાલુ પ્રસાદ યાદવ રેલમંત્રી હતા ત્યારે તેમના પરિજનોના નામ પર અનેક પ્લોટ્સ રજિસ્ટર કરવામાં આવ્યા હતા અને આ જમીનની નજીવી કિંમત ચૂકવવામાં આવી હતી. બીજી તરફ, રેલવેમાં પદો પર કોઈ જાહેરાત કે જાણકારી વગર સીધી જ ભરતી કરી દેવામાં આવી હતી. CBI આ કેસની તપાસ કરી રહી છે. તેમજ મામલો પૈસાને લગતો હોઈ ઇડી પણ તપાસ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં