RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના જયેષ્ઠ પુત્ર તેજ પ્રતાપ યાદવના ફેસબુક અકાઉન્ટ પરથી શનિવારે (24 મે) એક પોસ્ટ થઈ હતી, જેમાં તેમણે અનુષ્કા યાદવ નામની એક મહિલા સાથે પોતે 12 વર્ષથી રિલેશનશિપમાં છે તેવું જાહેર કરી દીધું. ત્યારબાદ ચર્ચાઓ થવા માંડી તો પોસ્ટ હટાવી દેવામાં આવી અને યાદવે એક્સ અકાઉન્ટ પરથી એમ કહી દીધું કે તેમનું ખાતું હૅક થઈ ગયું હતું.
તેજ પ્રતાપના ફેસબુક અકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેજ પ્રતાપ અને અનુષ્કા જોવા મળે છે. સાથે લખવામાં આવ્યું, “હું તેજ પ્રતાપ યાદવ અને મારી સાથે તસવીરમાં દેખાય છે તેમનું નામ અનુષ્કા યાદવ છે. અમે બંને 12 વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું ઘણા દિવસથી આ વાત કહેવા માંગતો હતો, પણ સમજાતું ન હતું કે કઈ રીતે કહું, એટલે આજે આ પોસ્ટના માધ્યમથી તમારી વચ્ચે મૂકી રહ્યો છું. આશા રાખું છું કે તમે મારી વાત સમજશો.”

હવે અહીં સમસ્યા એ છે કે તેજ પ્રતાપ હાલ પરણિત છે. 2018માં તેમનાં લગ્ન પૂર્વ બિહાર સીએમ દરોગા રાઈની પૌત્રી ઐશ્વર્યા સાથે થયાં હતાં. જોકે થોડા મહિનાઓમાં જ વૈવાહિક જીવનમાં તિરાડ પડી અને ઐશ્વર્યાએ ઘર છોડી દીધું હતું. હાલ બંનેના છૂટાછેડાની અરજી કોર્ટમાં લંબિત છે. બંને તરફથી આરોપો-પ્રત્યારોપો લગાવવામાં આવી રહ્યા છે.
આ બધાની વચ્ચે તેજ પ્રતાપે ફોટો મૂકી દેતાં લોકોએ પ્રશ્ન કર્યા કે જો તેજ પ્રતાપ 12 વર્ષથી કોઈ અન્ય મહિલા સાથે રિલેશનશિપમાં હોય તો 2018માં બીજી યુવતી સાથે લગ્ન કેમ કર્યાં હતાં? શું પરિવારને જાણ ન હતી અને જાણ હોય તો શા માટે આગળ વધ્યા?
ઈન્ટરનેટ પર થતી આ બધી ચર્ચા વચ્ચે તેજ પ્રતાપ યાદવે એક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું કે તેમનું ફેસબુક અકાઉન્ટ હૅક થઈ ગયું હતું.
मेरे सोशल मीडिया प्लैटफॉर्म को हैक एवं मेरे तश्वीरो को गलत तरीके से एडिट कर मुझे और मेरे परिवार वालो को परेशान और बदनाम किया जा रहा है,मैं अपने सुभचिंतको और फॉलोवर्स से अपील करता हूं कि वे सतर्क रहें और किसी भी अफ़वाह पर ध्यान न दे….
— Tej Pratap Yadav (@TejYadav14) May 24, 2025
તેજ પ્રતાપે લખ્યું કે, “મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને હૅક કરીને મારી તસવીરોને ખોટી રીતે એડિટ કરીને મને અને પરિવારને પરેશાન અને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું શુભચિંતકોને અપીલ કરું છું કે તેઓ સતર્ક રહે અને કોઈ અફવા પર ધ્યાન ન આપે.” ત્યારબાદ ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ પણ હટાવી દેવામાં આવી હતી.