લવ જેહાદના (Love Jihad) એક કેસમાં ઉત્તર પ્રદેશના બરેલીની (Bareilly) સેશન્સ કોર્ટે ચુકાદો આપતી વખતે કરેલી ટિપ્પણીઓને હટાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી સ્વીકારવાનો સર્વોચ્ચ અદાલતે (Supreme Court) ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, મામલાને ખોટી રીતે સનસનાટીભર્યો બનાવવો જોઈએ નહીં અને કોર્ટ આ રીતે નીચલી કોર્ટનાં અવલોકનોમાંથી અમુક બાબતો દૂર ન કરી શકે.
જસ્ટિસ ઋષિકેશ રોય અને એસવીએન ભટ્ટીની ખંડપીઠે આ મામલે ગુરુવારે (2 જાન્યુઆરી) સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી કે અરજદારને આ મામલામાં સીધી રીતે કશું લાગતું-વળગતું જ નથી અને UPની કોર્ટે જે કેસમાં ચુકાદો આપ્યો હતો તેમાં પણ તેઓ પાર્ટી ન હતા.
અરજદારને જસ્ટિસ રોયે કહ્યું કે, “તમે બીજાના કામમાં માથું મારી રહ્યા છો. એવી બાબતમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસ કરી રહ્યા છો, જેની સાથે તમને કશું લાગતું-વળગતું જ નથી. તમે આર્ટિકલ 32 હેઠળ આ રીતે પિટિશન દાખલ ન કરી શકો.”
જસ્ટિસ ભટ્ટીએ પ્રશ્ન કરતાં કહ્યું કે, કોર્ટ કઈ રીતે એક સ્વતંત્ર કેસમાં બીજી કોર્ટની ટિપ્પણીઓને રદ કરી શકે? તેમણે કહ્યું, “ન્યાયાલય સમક્ષ જે સાક્ષ્ય પ્રસ્તુત કરવામાં આવે છે તેનાથી નિષ્કર્ષ કાઢવામાં આવે છે અને જે નિષ્કર્ષ આપવામાં આવ્યો છે તે અરજદાર સાથે કોઈ રીતે સંબંધિત નથી. તો શું ટિપ્પણીઓને હટાવી દેવી જોઈએ? ખરેખર તો આ બાબતની તપાસ પણ થવી જોઈએ નહીં. આ પ્રકારે મામલાને સનસનીખેજ બનાવવો એ યોગ્ય નથી.”
શું છે મામલો?
આ મામલો UPના બરેલીની એક કોર્ટનો છે. અહીં ઑક્ટોબર, 2024માં ન્યાયાલયે હિંદુ મહિલા સાથે બળાત્કાર કરવા બદલ એક મુસ્લિમ આરોપીને ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારતી વખતે ‘લવ જેહાદ’ પર કડક શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી.
બરેલી કોર્ટે કહ્યું હતું કે, “લવ જેહાદના માધ્યમથી હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ગેરકાયદેસર ધર્માંતરણ કરવાનો ગુનો એક સિન્ડિકેટ દ્વારા બહુ મોટાપાયે આચરવામાં આવી રહ્યો છે અને બિનમુસ્લિમો, અનુસૂચિત જાતિ-જનજાતિ અને OBC સમુદાયો, મહિલાઓ અને બાળકોને તેમના ધર્મ વિશે અવળું જ્ઞાન આપીને, તેમના દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરીને બ્રેનવૉશ કરવામાં આવે છે, લગ્ન-નોકરી વગેરેની લાલચ આપવામાં આવે છે, જેથી ભારતમાં જ પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી શકાય.”
આ ટિપ્પણીઓ સામે પછીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેને હટાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે, તેઓ આમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. કોર્ટે મામલાને સનસનીખેજ ન બનાવવા માટેની પણ અરજદારને સલાહ આપી હતી.