ઘરે આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવ્યા બાદ વિવાદમાં આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માએ (Justice Yashvant Varma) દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે (28 જુલાઈ) વધુ સુનાવણી હાથ ધરી. દરમ્યાન કોર્ટે જસ્ટિસ વર્માને અમુક કડક પ્રશ્નો પૂછ્યા, જેનો તેમના વતી વકીલ કપિલ સિબ્બલે જવાબ આપવાનો પ્રયાસ કર્યો.
કપિલ સિબ્બલે જસ્ટિસ વર્મા વતી સુપ્રીમ કોર્ટ બેન્ચ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈ ગેરરીતિ થઈ હોવાનું પુરવાર ન થાય ત્યાં સુધી સંસદમાં પણ જજના વ્યવહાર પર કોઈ ચર્ચા થઈ શકે નહીં. આ જો બંધારણમાં કહેવામાં આવ્યું હોય અને સંસદ માટે લાગુ પડતું હોય તો પછી અન્યત્ર પણ એટલું જ લાગુ પડે છે. ટેપ રિલીઝ કરવી, વેબસાઈટ પર મૂકવું, જાહેર માધ્યમમાં વિગતો મૂકવી, જજ સામે મીડિયા દ્વારા આરોપો લગાવવામાં આવવા, જજોના વર્તન પર ચર્ચા થવી…આ બધું પણ પ્રતિબંધિત છે.”
ત્યારબાદ કોર્ટે તેમને પૂછ્યું કે શું આંતરિક સમિતિની તપાસ પ્રક્રિયા પર કોઈ રોક લગાવવામાં આવી છે? જેના જવાબમાં સિબ્બલ કહે છે કે, તે ભલે કરવામાં આવે પરંતુ તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને મામલાનું રાજકીયકરણ કરવામાં આવ્યું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.
Sibal: if they don't move impeachment motion what will happen?
— Bar and Bench (@barandbench) July 28, 2025
Justice Datta: what will happen?? Suppose in a case there are evidences galore. Citizen comes to rajya sabha and lok sabha.. no action as per you.. and then citizen comes to the court… Then?
Sibal: then inhouse…
સુપ્રીમ કોર્ટે ત્યારબાદ પ્રશ્ન કરતાં કહ્યું કે, “તો પછી તમે સમિતિ સામે હાજર કેમ થયા હતા? શું તમે રાહ જોઈ રહ્યા હતા કે તમારા પક્ષે કોઈ નિર્ણય આવે. તમે બંધારણીય ફરજ બજાવતી વ્યક્તિ છો…તમે એમ ન કહી શકો કે તમને પહેલેથી આની ખબર ન હતી. જો એમ હોય તો તમારે પહેલાં જ કોર્ટ સમક્ષ આવવાની જરૂર હતી.”
જવાબમાં કપિલ સિબ્બલે દલીલ કરી કે આંતરિક સમિતિના રિપોર્ટને આધાર બનાવીને મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં ન આવવો જોઈએ. તેના માટે તેમણે CJIના પત્રનો સંદર્ભ આપ્યો હતો. પરંતુ કોર્ટે કહ્યું કે, CJIએ માત્ર રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો, કારણ કે તેઓ જજોની નિમણૂક કરે છે. વડાપ્રધાનને એટલા માટે કારણ કે રાષ્ટ્રપતિ મંત્રીપરિષદની સલાહ આધારે કામ કરે છે. તો તેમને પત્ર મોકલવા એ સ્વાભાવિક છે.
ચર્ચા દરમિયાન બેન્ચે કપિલ સિબ્બલને પૂછ્યું કે શું કમિટીના રિપોર્ટનું કોઈ મૂલ્ય નથી? જેનો સિબ્બલે નકારમાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ બેન્ચે પૂછ્યું, “તો પછી પડકારવામાં શા માટે આવ્યો છે? જ્યારે સમિતિ બની ત્યારે તમે કેમ ન હતા આવ્યા? રાહ શા માટે જોઈ?”
કોર્ટે આ મામલે વધુ સ્પષ્ટતા માંગીને મામલાની સુનાવણી બુધવારે (30 જુલાઈ) મુકરર કરી છે.


