સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કેસનો ચુકાદો આપતાં ઠેરવ્યું કે પુરુષ અને મહિલા વચ્ચે લગ્નનું અસ્તિત્વ હોય (છૂટાછેડા ન થયા હોય) અને બંને સંપર્કમાં હોય તો પત્નીના વ્યભિચારના કારણે જન્મેલા બાળકનો પિતા પણ તેનો પતિ જ કહેવાશે, પછી ભલે તે બાયોલોજીકલ ફાધર ન પણ હોય. કેરળના એક કેસ પર સુનાવણી કર્યા બાદ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી.
આ મામલે જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચ સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે, ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 112માં આ બાબત જણાવવામાં આવી છે તેમજ જે વ્યક્તિ અવૈધતાનો દાવો કરે તેણે પતિ-પત્ની વચ્ચે સંબંધ ન હોવાની વાત સાબિત કરવી પડશે.
કોર્ટે આગળ કહ્યું કે, જ્યારે વૈધતાને માનવા માટે પૂરતા પુરાવા હોય તો કોર્ટ પિતૃત્વ નિર્ધારિત કરવા માટે DNA પરીક્ષણ કરવાનો આદેશ આપી શકે નહીં, કારણ કે તેનાથી એ વ્યક્તિની (જે કથિત રીતે પ્રેમી કે ત્રીજી વ્યક્તિ છે) ગોપનીયતાનું ઉલ્લંઘન થશે, જેને પત્નીએ તેના સંતાનનો પિતા ગણાવ્યો છે. તેને DNA પરીક્ષણ માટે કહેવું એ તેની નિજતા અને ગરિમાનું ઉલ્લંઘન કહેવાશે એમ પણ કોર્ટે ઠેરવ્યું.
કોર્ટે કારણ આપતાં કહ્યું કે, “જોગવાઈની ભાષા એ સ્પષ્ટ કરે છે કે વિવાહ દરમિયાન પત્ની દ્વારા જે બાળકને જન્મ આપવામાં આવે તેનો પિતા પતિ છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે વિધાતાનું નિર્ણાયક પ્રમાણ એ પિતૃત્વને સમાન છે. આ સિદ્ધાંતનો ઉદ્દેશ્ય બાળકના માતા-પિતા વિશે કોઈ પણ બિનજરૂરી તપાસને રોકવાનો છે. હવે આ ધારણા વૈધતાના પક્ષમાં છે, જેથી અવૈધતાનો દાવો કરનાર વ્યક્તિએ પોતાના દાવાને સાબિત કરવાનો રહે છે.”
DNA પરીક્ષણને લઈને કોર્ટે કહ્યું કે, “બળજબરીથી DNA પરીક્ષણ કરાવવાથી વ્યક્તિના અંગત જીવન પર બહારની દુનિયાની નજર પડી શકે છે. તેનાથી પ્રતિષ્ઠાને પણ અસર પડી શકે અને વ્યક્તિના સામાજિક અને વ્યાવસાયિક જીવન સાથે માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી શકે છે. જેના કારણે તેને ગરિમા અને ગોપનીયતાની રક્ષા કરવા માટે અમુક પગલાં લેવાનો અધિકાર છે, જેમાં DNA પરીક્ષણનો ઇનકાર કરવો- પણ સામેલ છે.”
શું છે કેસ?
કેસની વધુ વિગતો જોઈએ તો મામલો પિતૃત્વ અને લેજીટીમસીનો છે. દંપતી મૂળ કેરળનું છે, જ્યાં ઘણા સમય કેસ ચાલ્યા બાદ આખરે સુપ્રીમ કોર્ટ પાસે મામલો પહોંચ્યો હતો.
કોર્ટમાં જે વ્યક્તિએ કેસ દાખલ કર્યો હતો, તેની ઉપર બાળકનો પિતા હોવાનો આરોપ છે. બાળકની માતાએ દાવો કર્યો કે તેનાં લગ્ન અન્ય વ્યક્તિ સાથે થયાં હતાં તે દરમિયાન અરજદાર પુરુષ સાથેના સંબંધો થકી બાળકનો જન્મ થયો હતો, જેથી તે તેનો પિતા છે. 2001માં બાળકનો જન્મ થયો ત્યારે મહિલા અન્ય એક વ્યક્તિ સાથે લગ્નસંબંધમાં હતી. 2006માં તેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તેણે નગરપાલિકામાં અરજી કરીને તેના પ્રેમીનું નામ બાળકના પિતા તરીકે દાખલ કરવા રજૂઆત કરી હતી, પરંતુ મંજૂર રખાઈ ન હતી.
વર્ષ 2007માં મહિલાએ કોર્ટમાં અરજી કરીને અરજદારને (પ્રેમી) બાળકનો પિતા ઘોષિત કરવા માટે માંગ કરી, પરંતુ કોર્ટે ફગાવી દીધી અને ત્યારબાદ 2011માં કેરળ હાઇકોર્ટે પણ માન્ય રાખી ન હતી. કોર્ટે ઠેરવ્યું કે મહિલા અને તેના પતિ વચ્ચે લગ્ન હયાત હતાં. બીજું, DNA ટેસ્ટ કરાવવાની પણ ના પાડવામાં આવી હતી.
વર્ષ 2015માં બાળકે ફેમિલી કોર્ટમાં અરજી કરીને તેના બાયોલોજિકલ પિતા પાસેથી ભરણપોષણ માંગ્યું હતું. ફેમિલી કોર્ટે પછીથી ઠેરવ્યું કે ભરણપોષણ માટેની અરજીમાં પ્રશ્ન લેજીટીમસીનો નથી પરંતુ પિતૃત્વનો છે, જેથી અગાઉની કોર્ટના આદેશો તેને DNA ટેસ્ટ થકી પિતૃત્વ નક્કી કરવાથી રોકી શકતા નથી. જે આદેશ પછીથી કેરળ હાઇકોર્ટે પણ યથાવત રાખ્યો હતો.
કેરળ હાઇકોર્ટે ઠેરવ્યું કે, જ્યારે બાળકના તેના બાયોલોજિકલ પિતા પાસેથી ભરણપોષણ મેળવવાના અધિકાર પર નિર્ણય કરવાનો હોય ત્યારે લેજીટીમસીની વાત બાજુ પર રહી જાય છે. ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ઠેરવ્યું કે, “લેજીટીમસીના કેસોમાં સામાન્ય રીતે બાળકની ગરિમા અને ગોપનીયતાનું જ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે મામલો તેમને જ લગતો હોય છે. પરંતુ આ મામલામાં માત્ર બાળક જ એકમાત્ર હિતધારક નથી અને જે કોઈ પરિણામો આવે તેની અસર મા-બાપના જીવન ઉપર, તેમની સામાજિક પ્રતિષ્ઠા ઉપર પણ થતી હોય છે. જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને અરજદારના ગરિમા અને ગોપનીયતા જાળવવાના અધિકારને ધ્યાને લેવો આવશ્યક છે.”
સિવિલ કોર્ટના નિર્ણયને લઈને કોર્ટે કહ્યું કે, ફેમિલી કોર્ટનું અધિકારક્ષેત્ર વૈવાહિક મામલાઓ પૂરતું છે. જેમાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધોનો મામલો હોય છે. આ કેસમાં વૈવાહિક જીવનને લગતી કોઈ બાબત નથી, જેથી માત્ર ફેમિલી કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ જ કેસ ન આવી શકે અને જેથી સિવિલ કોર્ટે જે નિર્ણય કર્યો હતો એ યોગ્ય જ હતો.
સુપ્રીમ કોર્ટે ચર્ચાઓને અંતે ફેમિલી કોર્ટનો આદેશ રદબાતલ ઠેરવ્યો હતો અને ભરણપોષણની માંગ સાથેની અરજી પર ચાલતી કાર્યવાહી પણ રદ કરી હતી. કોર્ટે ઠેરવ્યું કે, બાળક તેની માતાના પૂર્વપતિનું જ સંતાન માનવામાં આવે.