Thursday, June 19, 2025
More
    હોમપેજદેશરોહિંગ્યાઓ માટે વધુ એક અરજી પહોંચી સુપ્રીમ, દાવો– ઘૂસણખોરોને સમુદ્રમાં ફેંકી દેવાયા;...

    રોહિંગ્યાઓ માટે વધુ એક અરજી પહોંચી સુપ્રીમ, દાવો– ઘૂસણખોરોને સમુદ્રમાં ફેંકી દેવાયા; કોર્ટે ફટકાર લગાવીને કહ્યું– કાલ્પનિક વાર્તાઓ ન ઘડો, પુરાવા ક્યાં છે?

    જસ્ટિસ સૂર્યકાંતે અરજદારના વકીલને કડક શબ્દોમાં કહ્યું કે, "દરરોજ તમે એક નવી વાર્તા લઈને આવો છો. આ વાર્તાનો આધાર શું છે? આ ખૂબ જ સુંદર રીતે બનાવેલી વાર્તા છે! કોઈ પુરાવા બતાવો." કોર્ટે પૂછ્યું કે, શું આ દાવાઓને સાબિત કરવા માટે કોઈ વિડીયો કે સાક્ષી છે?

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે (16 મે) રોહિંગ્યા (Rohingyas) શરણાર્થીઓને કથિત રીતે મ્યાનમાર મોકલી દીધા હોવાના દાવા સાથેની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત સરકારે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડિત 43 રોહિંગ્યાઓને બળજબરીપૂર્વક મ્યાનમાર મોકલી આપ્યા છે અને ઘણાને તો સમુદ્રમાં પણ ફેંકી દીધા છે. જોકે, સુપ્રીમ કોર્ટે આવી અરજી કરનારા અરજદારને ફટકાર લગાવી દીધી હતી.

    અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રોહિંગ્યાઓને અંદમાન લઈ જઈને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંઘની બેન્ચે આ અરજી પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ‘ખૂબ જ સુંદરતાપૂર્વક ઘડવામાં આવેલી કાલ્પનિક કહાણી’ ગણાવી હતી. કોર્ટે કહ્યું કે, અરજીમાં કોઈ પાક્કા પુરાવા નથી, માત્ર કાલ્પનિક અને આધાર વગરના દાવા કરવામાં આવ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાઓને પરત મોકલવા પર રોક લગાવવા સંબંધિત આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.

    માહિતી અનુસાર, ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદારના વકીલને કડક શબ્દોમાં કહ્યું કે, “દરરોજ તમે એક નવી વાર્તા લઈને આવો છો. આ વાર્તાનો આધાર શું છે? આ ખૂબ જ સુંદર રીતે બનાવેલી વાર્તા છે! કોઈ પુરાવા બતાવો.” કોર્ટે પૂછ્યું કે, શું આ દાવાઓને સાબિત કરવા માટે કોઈ વિડીયો કે સાક્ષી છે? અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અરજદારોને ફોન કોલ દ્વારા સમાચાર મળ્યા હતા. તેમણે કહ્યું કે, મ્યાનમારના દરિયાકાંઠે ટેપ રેકોર્ડિંગ મોજૂદ છે અને સરકાર તેની તપાસ કરી શકે છે. પરંતુ ન્યાયાધીશ કાંતે પ્રશ્ન કર્યો કે, દિલ્હીમાં બેઠેલા અરજદાર અંદમાનની ઘટનાને કેવી રીતે સાચી સાબિત કરી શકે છે.

    - Advertisement -

    કોર્ટે આ અરજીને 31 જુલાઈ, 2025ના રોજ સુનાવણી માટે બીજા રોહિંગ્યા કેસ સાથે જોડી દીધી છે, જે ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સુનાવણી હેઠળ છે. કોર્ટે અરજદારની તાત્કાલિક સુનાવણી અને દેશનિકાલ રોકવાની માંગને ફગાવી દીધી છે. ગોન્સાલ્વિસે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના (UN-OHCHR) એક અહેવાલનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. તેના પર જસ્ટિસ કાંતે કહ્યું કે, તેઓ આ રિપોર્ટ પર ત્રણ જજોની બેન્ચમાં ચર્ચા કરશે અને અરજદારને આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે, “બહાર બેઠેલા લોકો આપણા દેશની સાર્વભૌમત્વને પડકારી શકતા નથી.”

    જસ્ટિસ કાંતે એ પણ જણાવ્યું છે કે, 8 મેના રોજ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સમાન અરજીમાં દેશનિકાલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. તે સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, જો રોહિંગ્યાઓને ભારતમાં રહેવાનો અધિકાર નથી તો કાયદા મુજબ તેમને દેશનિકાલ કરવામાં આવશે. કોર્ટે અરજદારના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, જ્યારે દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આવી ‘કાલ્પનિક કહાણીઓ’ સામે લાવવામાં આવી રહી છે. ગોન્ઝાલ્વિસે કોર્ટને રોહિંગ્યાઓના માનવ અધિકારોનું રક્ષણ કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં 8,000 રોહિંગ્યા UNHCR કાર્ડ ધરાવે છે.

    અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિલ્હી પોલીસે બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવાના બહાને રોહિંગ્યાઓની અટકાયત કરી હતી અને તેમને બસો અને વાનમાં લઈ ગયા પછી તેમને પોર્ટ બ્લેયર મોકલાયા હતા તથા નૌકાદળના જહાજોમાં હાથ-પગ બાંધીને સમુદ્રમાં છોડી દેવાયા હતા. અરજદારોએ માંગ કરી હતી કે, દેશનિકાલ કરાયેલા લોકોને ભારત પાછા લાવવામાં આવે અને મુક્ત કરવામાં આવે તથા UNHCR કાર્ડ ધરાવતા લોકોની વધુ ધરપકડ ન કરવામાં આવે. જોકે, કોર્ટે દેશનિકાલની પ્રક્રિયા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં