Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતકઠલાલના યૌન શોષણના આરોપી શિક્ષક અખ્તરઅલીના ઘર પર પાસે બુલડોઝર ચાલતાં જ...

    કઠલાલના યૌન શોષણના આરોપી શિક્ષક અખ્તરઅલીના ઘર પર પાસે બુલડોઝર ચાલતાં જ ભાઈ પહોંચી ગયો સુપ્રીમ: કોર્ટે કહ્યું- વ્યક્તિના ગુનાના કારણે ઘર પર કાર્યવાહી ન થાય; યથાસ્થિતિ જાળવવાનો આદેશ

    બુલડોઝર ચાલ્યા બાદ અખ્તરઅલીનો ભાઈ જાવેદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને નગરપાલિકાએ ઘર પર બુલડોઝર ફેરવવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી. જેની ઉપર કોર્ટે 12 સપ્ટેમ્બર (ગુરૂવાર)ના રોજ સુનાવણી હાથ ધરી હતી.

    - Advertisement -

    ખેડાના કઠલાલમાં તાજેતરમાં 9 વર્ષીય હિંદુ બાળકીના યૌન શોષણના આરોપમાં પકડાયેલા શિક્ષક અખ્તરઅલી સૈયદના ઘર પર બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. શિક્ષકના ભાઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં ગુરુવારે (12 સપ્ટેમ્બર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે ‘બુલડોઝર એક્શન’ પર ટિપ્પણી કરીને સ્થાનિક નગરપાલિકા અને સરકારને નોટિસ પાઠવીને આગલી સુનાવણી સુધી કોઇ પણ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. 

    નોંધનીય છે કે ગત 1 સપ્ટેમ્બરના રોજ ખેડાના કઠલાલના એક ગામની શાળામાં નોકરી કરતા શિક્ષક અખ્તર અલી સૈયદ સામે શાળામાં જ ભણતી એક 9 વર્ષીય હિંદુ સગીરાનું યૌન શોષણ કરવાના આરોપસર FIR દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. તેની ધરપકડ બાદ કઠલાલ નગરપાલિકાએ દબાણ મામલેની નોટિસ પાઠવી હતી અને બીજી તરફ બુલડોઝરથી તેના ઘર આગળનું અસ્થાયી દબાણ પણ હટાવ્યું હતું. 

    બુલડોઝર ચાલ્યા બાદ અખ્તરઅલીનો ભાઈ જાવેદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને નગરપાલિકાએ ઘર પર બુલડોઝર ફેરવવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી. જેની ઉપર કોર્ટે 12 સપ્ટેમ્બર (ગુરૂવાર)ના રોજ સુનાવણી હાથ ધરી હતી. જાવેદે દલીલ કરીને કહ્યું કે, તેની પાસે જમીનની સહમાલિકી છે અને 2004માં કઠલાલ ગ્રામ પંચાયતે તેને તે જમીન પર ઘર બાંધવા માટે પરવાનગી આપી હતી અને ત્યાંથી તે પરિવાર સાથે અહીં રહે છે. પરંતુ 1 સપ્ટેમ્બરના રોજ તેના પરિવારના સભ્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યા બાદ નગરપાલિકાએ ઘર પર બુલડોઝર ફેરવવાની ચેતવણી આપી છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, તેણે કોર્ટમાં ખેડા જિલ્લાના ડેપ્યુટી SPને કરેલી એક ફરિયાદ પણ કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે પણ નગરપાલિકાને બુલડોઝર ચાલવાનો કોઈ અધિકાર નથી. તેણે પોતાનું ઘર કાયદેસર બનાવવામાં આવ્યું હોવાનો અરજીમાં દાવો કર્યો હતો. ઑપઇન્ડિયા પાસે કોર્ટના આદેશની નકલ ઉપલબ્ધ છે.

    સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

    આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, “એવા દેશમાં જ્યાં સરકારની કામગીરી પણ કાયદાની હદમાં થતી હોય છે ત્યાં કોઇ એક પરિવારના સભ્યે ગુનો આચર્યો હોય તો કાર્યવાહી પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ કે કાયદેસર બનાવવામાં આવેલા તેમના નિવાસસ્થાન પર ન કરી શકાય.” કોર્ટે એમ પણ કહ્યું કે, “ગુનામાં કથિત સંડોવણી હોય તોપણ તે સંપત્તિ તોડવા માટે આધાર બની શકે નહીં અને આ કથિત ગુનો કોર્ટમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયા બાદ સાબિત થવો જરૂરી છે. 

    સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, “કાયદો જ્યાં સર્વોચ્ચ હોય તેવા દેશમાં કોર્ટ આવી ડિમોલિશનની ધમકીઓ પ્રત્યે આંખ આડા કાન કરી શકે નહીં. અન્યથા આવી કાર્યવાહીને દેશના કાયદા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હોય તે રીતે જોવામાં આવશે.”

    કોર્ટે આ મામલે પાલિકા અને અન્યોને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે અને કહ્યું કે ત્યાં સુધીમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. જેથી ત્યાં સુધી બુલડોઝર કે અન્ય કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. 

    9 વર્ષીય હિંદુ બાળકીના યૌન શોષણના કેસમાં પકડાયો છે અખ્તર અલી 

    નોંધનીય છે કે શિક્ષક અખ્તરઅલી સૈયદની ધરપકડ એક હિંદુ સગીરાના યૌન શોષણ મામલે થઈ છે. ઘટના 31 ઑગસ્ટના રોજ બની હતી. શનિવાર હોવાથી વહેલી સવારે બાળકી શાળાએ ગઈ હતી. ફરિયાદ અનુસાર, શિક્ષકે તેને રૂમ વાળવાના બહાને બોલાવી હતી અને ત્યારબાદ અન્ય વિદ્યાર્થિનીઓને બહાર મોકલી દઈને ખૂણામાં લઇ જઈને પીડિત બાળકી સાથે અડપલાં કર્યાં હતાં અને બચકાં પણ ભરી લીધાં હતાં. જેના કારણે સગીરાને ઈજા પણ પહોંચી હતી. 

    પછીથી ઘરે આવીને બાળકીએ પરિવારને જાણ કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ હિંદુ સંગઠનો પણ મેદાને આવ્યાં હતાં. ઘટના બાદ અખ્તરઅલી સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. 

    આ મામલે અખ્તર અલી સૈયદ સામે રેકોર્ડ 10 જ દિવસમાં ખેડા પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કઠલાલ PI મુકેશ ભગોડાએ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી, સાથે જણાવ્યું હતું કે આરોપીએ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી પરંતુ તે નામંજૂર કરવામાં આવી છે. હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં