કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય આપતાં એક વ્યક્તિએ કરેલ છૂટાછેડાની (Divorce) અરજી મંજૂર રાખી છે. આ નિર્ણય આપતાં સમયે કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, પતિની ઈચ્છા વિરુદ્ધ પત્નીના મિત્રો કે પરિવારજનો લાંબા સમય સુધી પતિના ઘરે રોકાય છે તો એ ક્રૂરતા (Cruelty) સમાન છે. નોંધનીય છે કે, પતિએ છૂટાછેડા લેવા માટેની અરજી 2008માં દાખલ કરી હતી, જે 19 ડિસેમ્બરે કોર્ટે મંજૂર રાખી હતી.
પશ્ચિમ બંગાળના નાબાદ્વીપમાં પતિ-પત્નીએ લગ્ન કર્યા બાદ વર્ષ 2006માં જ્યાં પતિ નોકરી કરતો હતો ત્યાં એટલે કોલાઘાટ રહેવા ગયા હતા. 2008માં પત્ની કોલકાતાના નારકેલડાંગામાં રહેવા જતી રહી હતી. પત્નીએ કારણ આપ્યું હતું કે, આ જગ્યા સિયાલદહથી વધુ નજીક છે જ્યાં તે નોકરી કરે છે. તેથી નારકેલડાંગામાં રહેવું તેના માટે વધુ સુવિધાજનક છે.
Calcutta HC's Big Statement
— Mirror Now (@MirrorNow) December 23, 2024
Interpretation Of 'cruelty'
Lens On Wife's Family, Kin
Remarks On Living At Husband's Home
'Cruelty If Without Husband's Nod': #CalcuttaHighCourt #WestBengal | @pareektweets | @MShreya1999 reports pic.twitter.com/SjpfNMjj3Z
જ્યારે 2008માં પત્નીએ પતિનું ઘર છોડી દીધું તેમ છતાં પત્નીનો પરિવાર અને મિત્ર પતિના ઘરમાં જ રહેતા હતા. બીજી તરફ પત્ની વર્ષ 2016માં નારકેલડાંગા છોડીને ઉત્તરપારામાં રહેવા જતી રહી હતી. ત્યારે આ મામલે પતિએ ક્રૂરતાનો દાવો કરીને છૂટાછેડા માટે અરજી કરી હતી. તથા પત્ની પર આરોપ મૂક્યો હતો કે, તે વૈવાહિક સબંધો રાખવા કે બાળકો પેદા કરવા પણ ઈચ્છુક નહોતી.
ત્યારે આ મામલે 19 ડિસેમ્બરે કલકત્તા હાઇકોર્ટે છૂટાછેડા મંજૂર કરતા કહ્યું હતું કે, “એક મહિલા દ્વારા તેના પતિની ઈચ્છા વિરુદ્ધ તેના ઘરમાં પોતાના પરિવાર કે મિત્રને લાંબા સમય સુધી રાખવા, જ્યાં તે પોતે (પત્ની) પણ હાજર નથી, આ કેસને નિશ્ચિતપણે ક્રૂરતા સમાન ગણવામાં આવશે. કારણ કે, આવું કરવાથી અરજદારનું જીવન અસંભવ બની જશે. તેથી આ ક્રૂરતા કહી શકાશે.”
અતુલ સુભાષના સુસાઇડ બાદ કોર્ટે કરેલ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
નોંધનીય છે કે, અતુલ સુભાષની આત્મહત્યા બાદ લગ્ન જીવનમાં પતિની પરિસ્થિતિ મામલે ઘણા વિવાદ ઉભા થયા હતા. આ દરમિયાન જ્યાં પત્નીઓએ પતિ કે તેના સાસરિયા સાથે વેર વાળવા ઘરેલું હિંસા, કે દહેજ વિરોધી કાયદાનો ઉપયોગ કર્યો હોય એવા મામલામાં દેશની વિવિધ અદાલતોએ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે તો ભરણપોષણની રકમ નક્કી કરવા માટે 8 મુદ્દાઓનો ફોર્મ્યુલા પણ આપ્યો હતો.