સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં જ એક કેસનો ચુકાદો આપતાં ભરણપોષણની રકમ (Alimony) નક્કી કરવા માટે 8 મુદ્દાની એક માર્ગદર્શિકા આપી હતી. જોકે, કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દાઓ કોઈ સીધી અને સચોટ ફોર્મ્યુલા નથી, પરંતુ આવી બાબતો પર નિર્ણય કરવા માટે આ આઠ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. આ આદેશ એવા સમયમાં આવ્યો છે, જ્યારે દેશમાં પહેલેથી જ બેંગ્લોરના 34 વર્ષીય યુવાન અતુલ સુભાષની આત્મહત્યાનો કેસ ચર્ચામાં છે, જેમણે અલગ રહેતી પત્ની અને સાસરિયાંના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું હતું.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પીવી પારલેની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી. જેમાં કોર્ટે 8 મુદ્દાઓ આપતાં કહ્યું કે ભરણપોષણની રકમનો ઉપયોગ પતિને દંડ આપવા નહીં પરંતુ પત્ની સારી રીતે જીવન પસાર કરી શકે એના માટે થવો જોઈએ. આ સાથે જ બેન્ચે દેશભરની વિવિધ અદાલતોને સલાહ પણ આપી હતી, તથા ભરણપોષણ નક્કી કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવા પણ કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ માનકો એક કેસની સુનાવણી કરતાં નક્કી કર્યાં હતાં. આ કેસમાં પતિ-પત્ની લગ્ન કર્યા પછી 6 વર્ષ સુધી સાથે રહ્યાં અને છેલ્લા 2 દાયકાથી અલગ-અલગ રહે છે. પતિએ એવો દાવો કર્યો હતો કે તેમની પત્ની તેમના પરિવાર સાથે અંતર બનાવીને રાખતી હતી. બીજી તરફ પત્નીએ પતિ પર દુર્વ્યવહારના આરોપ લગાવ્યા હતા. કોર્ટે આખરે ચુકાદો આપતાં પત્નીને ₹5 કરોડ ચૂકવવા માટે પતિને આદેશ કર્યો હતો. સાથે ભરણપોષણની રકમ નક્કી કરવા માટે અમુક મુદ્દાની ગાઈડલાઈન પણ આપી હતી.
- પતિ અને પત્નીનું સામાજિક સ્તર
- પતિ અને બાળકોનાં ભવિષ્યની મૂળભૂત આવશ્યકતાઓ
- યોગ્યતા અને બંને પક્ષોની નોકરી
- આવકનું સાધન તથા કુલ સંપત્તિ
- સાસરીમાં રહેતી વખતે પત્નીનું જીવનસ્તર
- શું પત્નીએ પરિવારનું ધ્યાન રાખવા માટે નોકરી છોડી હતી કે કેમ?
- જો પત્ની નોકરી ન કરતી હોય તો કેસ લડવામાં કેટલી રકમ ખર્ચ થઇ?
- પતિની નાણાકીય ક્ષમતા, તેની આવક, ભરણપોષણની જવાબદારી
સર્વોચ્ચ અદાલતે અન્ય તમામ અદાલતોને કાયમી ભરણપોષણની રકમ નક્કી કરવા માટેની માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી હતી. ઉપરાંત કહ્યું હતું કે, “આ કોઈ કડક નિયમો નથી પરંતુ કાયમી ભરણપોષણની રકમ નક્કી કરતી વખતેની એક માર્ગદર્શિકા છે.” કોર્ટે કહ્યું કે, કાયમી ભરણપોષણની રકમ એ રીતે નક્કી કરવી જોઈએ કે પતિ દંડિત ન થાય અને પત્નીને ભરણપોષણ પણ મળી રહે.
હાલ અતુલ સુભાષની આત્મહત્યાની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. તેમણે 24 પાનાંની સ્યુસાઇડ નોટ અને 81 મિનિટનો વિડીયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે પત્ની અને તેના પરિવાર પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. જે મામલે FIR પણ નોંધવામાં આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી એ કેસ બીજો છે.