વિરમગામમાં બુલડોઝર એક્શન: 2-3 મસ્જિદો હટાવાઈ, કબ્રસ્તાનની 2300 ચોરસ મીટર જમીનનો કબજો લેવાયો

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્રે મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટના ભાગરૂપે સરકારી અને ખાનગી મળીને આશરે 4 હજાર ચોરસ મીટર જમીન પરનાં અતિક્રમણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. 

વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલા વિસ્તારમાં રસ્તો સાંકડો હોવાથી લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. માર્ગને પહોળો બનાવવા અને કનેક્ટિવિટી સુધારવા માટે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 2-3 મસ્જિદોને પણ ધ્વસ્ત કરી દેવામાં આવી છે.

એસડીએમ વીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે, “વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પર એક બોટલનેક હતો. આ એક ટેલ પોઇન્ટ હતો. ત્યાં બે-ત્રણ મસ્જિદો હતી. આ એક સાંકડો રસ્તો હતો, જ્યાંથી વાહનોની અવરજવરમાં સમસ્યા નડતી હતી.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં ખાનગી જમીનનું સંપાદન કાયદા મુજબ કરવામાં આવ્યું હતું અને જમીન માલિકોને 62 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “ખાનગી જમીન આશરે 1200 ચોરસ મીટર છે. જ્યારે 2300 ચોરસ મીટર જમીન કબ્રસ્તાનની હતી, જેનો આજે અમે કબજો લીધો છે.”

DySP તપનકુમાર ડોડિયાએ જણાવ્યું હતું કે, “વિરમગામથી શહેરને જોડતા માર્ગને પહોળો કરવા અને કનેક્ટિવિટી સુધારવા માટે આજે સવારથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે.”

ઉલ્લેખનીય છે કે રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ માર્ગ વિસ્તરણ બાદ વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પાસે વર્ષોથી રહેલી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.