બુધવારે (15 જાન્યુઆરી) દક્ષિણ કોરિયાના (South Korea) પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ યુન સુક યોલની (Yoon Suk Yeol) પોલીસે તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી હતી. યોલ સામે દેશમાં માર્શલ લો (Martial Law) લાગુ કરવા મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે 14 જાન્યુઆરીને રોજ તેઓ અદાલતમાં હાજર ન થતાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ સંભવતઃ એવા પ્રથમ રાષ્ટ્રપતિ હશે, જેમની આ રીતે ધરપકડ કરવામાં આવી હોય.
નોંધનીય છે કે 15 જાન્યુઆરીની સવારે તપાસ એજન્સીઓ દ્વારા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલ સામે ધરપકડ વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું. તેમની ધરપકડ કરવા આવેલી પોલીસ અને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના અધિકારીઓએ સ્થળ પર જ ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો. અહેવાલ અનુસાર ધરપકડ માટે હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને યુનના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જોકે પોલીસ આખરે યુનની ધરપકડ કરવામાં સફળ રહી હતી.
યુને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના મુખ્યાલયમાં લઈ જવામાં આવતા પહેલાં રેકોર્ડ કરેલા એક વિડીયો સંદેશમાં કહ્યું હતું કે, “આ દેશમાં કાયદાનું શાસન સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે.” અગાઉ યુનના વકીલોએ અધિકારીઓને અટકાયત વૉરન્ટનો અમલ ન કરવા અપીલ કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સ્વેચ્છાએ પૂછપરછ માટે હાજર રહેશે, પરંતુ એજન્સીએ આ વિનંતીઓ નકારી કાઢીને રાષ્ટ્રપતિને કસ્ટડીમાં લઈ લીધા હતા.
યોલની ધરપકડ બાદ તપાસ એજન્સીઓ પાસે તેમની પૂછપરછ માટે 48 કલાકનો સમય છે. ત્યારબાદ ધરપકડ માટે કોર્ટમાંથી ઔપચારિક રીતે વૉરન્ટ મેળવવું પડશે. યોલના સલાહકાર સીઓક ડોંગ-હ્યોને ધરપકડ પહેલાં કહ્યું હતું કે યુન સુક યોલ પૂછપરછ કરવા તૈયાર છે, તેથી તેમને ધરપકડ કરવા આવેલા અધિકારીઓ પરત ફરે. પણ અધિકારીઓ માન્યા ન હતા.
In South Korea, the President Yoon Suk Yeol declared martial law. Then the legislature overrode it. Then he got impeached. Now they’re trying to arrest him… and things are going south fast.
— Jess Fields (@jessalanfields) January 14, 2025
It’s worth pointing out that Yoon is seen as a conservative.pic.twitter.com/1Ie9rA3reB
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ધરપકડ કરવાનો અધિકારીઓનો આ બીજો પ્રયાસ છે. ધરપકડનો પહેલો પ્રયાસ ૩ જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ સુરક્ષા સેવાના સદસ્યો સાથે કલાકો સુધી તણાવપૂર્ણ સંઘર્ષ ચાલ્યો, જેના પરિણામે ધરપકડનો પ્રયાસ નિષ્ફળ ગયો.
કેમ કરવામાં આવી રાષ્ટ્રપતિ યોલની ધરપકડ
નોંધનીય છે કે દક્ષિણ કોરિયાની સંસદમાં કુલ 300 બેઠકો છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીઓમાં શાસક પક્ષ પીપલ પાવરને માત્ર 108 બેઠકો મળી, જ્યારે વિપક્ષી પાર્ટી ડીપીકેને 170 બેઠકો મળી. બહુમતીમાં હોવાને કારણે વિપક્ષી DPK રાષ્ટ્રપતિ સરકારના કામકાજમાં ખૂબ દખલ કરી રહ્યું હતું અને તેઓ તેમના એજન્ડા મુજબ કામ કરી શકતા ન હતા.
રાષ્ટ્રપતિ યોલે 2022ની ચૂંટણીઓ ખૂબ જ ઓછા માર્જિનથી જીતી હતી. ત્યારબાદ તેમની લોકપ્રિયતા ઘટવા લાગી. તેમની પત્ની પણ ઘણા વિવાદોમાં ફસાયેલી હોવાથી તેમની છબીને પણ અસર થઈ હતી. હાલમાં રાષ્ટ્રપતિની લોકપ્રિયતા લગભગ 17% છે, જે દેશના અત્યાર સુધીના બધા જ રાષ્ટ્રપતિઓમાં સૌથી ઓછી છે.
આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ યુને ગત 3 ડિસેમ્બર, 2024ના રોજ દેશમાં માર્શલ લો (ઈમરજન્સી) લાગુ કરી દીધી હતી. પણ દેશની સંસદે ત્રણ જ કલાકમાં આ નિર્ણય પલટાવી દીધો હતો. ત્યારપછી 14 ડિસેમ્બરે સંસદમાં યોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા.
150 દિવસનો સમય બાકી
મહાભિયોગની સુનાવણી 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થવાની હતી, જેના માટે યોલને કોર્ટમાં હાજર થવાનું હતું. જોકે યોલ કોર્ટમાં હાજર ન થયા ત્યારે તપાસ એજન્સીઓએ તેમની વિરુદ્ધ વૉરન્ટ જારી કર્યું હતું. ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. યોલ સામેના આરોપોની સુનાવણી માટે કોર્ટ પાસે 14 ડિસેમ્બરથી 180 દિવસનો સમય છે.
Impeached South Korean President Yoon Suk Yeol did not show up for his impeachment trial, forcing the Constitutional Court to adjourn the session. The next hearing, slated for Thursday, will proceed with Yoon’s legal team if he is still absent https://t.co/c1H9Zerv2A pic.twitter.com/bb39UlIWhu
— Reuters Asia (@ReutersAsia) January 14, 2025
જો સુપ્રીમ કોર્ટના 8માંથી 6 ન્યાયાધીશો યોલ વિરુદ્ધ મતદાન કરે તો તેમને દોષિત ઠેરવવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન યોલને દોષિત ઠેરવવામાં ન આવે અથવા મહાભિયોગને અમાન્ય જાહેર કરવામાં આવે તો તેઓ ફરી એકવાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ બનશે.