તાજેતરમાં થયેલ બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddiqui Murder) બાદ 2022માં દિલ્હીમાં થયેલ શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી અને પીડિતાનો (Shraddha Walker Murder Case) બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા (Aftab Poonawala) લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો (Lawrence Bishnoi Gang) આગલો ટાર્ગેટ હોય શકે છે, એવા ખુલાસા થયા હતા. ત્યારે હવે આફતાબ આ આશંકાઓના પગલે ગભરાઈ રહ્યો છે. જેના કારણે તે કોર્ટમાં પણ હાજર રહેતો નથી. ત્યારે આફતાબના વકીલે તેની ઓનલાઈન હાજરી માટે કોર્ટમાં વિનંતી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. વાસ્તવમાં, મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યાના આરોપી શૂટર શિવકુમારે પોલીસને કહ્યું હતું કે, આફતાબ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો આગલો ટાર્ગેટ છે.
બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય આરોપીઓમાં સામેલ લૉરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાએ પોલીસ પૂછપરછમાં આ ખુલાસો કર્યો હતો. શિવાએ પોલીસને જાણકારી આપી હતી કે તેમની ગેંગે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરનાર આફતાબ પૂનાવાલાને તેમનો આગલો નિશાનો બનાવવાની ચર્ચા કરી હતી. શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ હાલ તિહાડ જેલમાં બંધ છે. ત્યારે આ ધમકીના પગલે તિહાડ જેલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે.
અહેવાલ અનુસાર શિવકુમારે પોલીસને જણાવ્યું હતું કે, આફતાબ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ટાર્ગેટ છે. તેના શૂટરો કોર્ટમાં આવતી-જતી વખતે તેના પર નજર પણ રાખી રહ્યા હતા. જ્યારે આ સમાચાર બહાર આવ્યા, ત્યારે આફતાબના વકીલે તેની ઓનલાઈન હાજરી માટે વિનંતી કરી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. નોંધનીય છે કે, દિલ્હીની સાકેત કોર્ટમાં શ્રદ્ધા હત્યા કેસની ટ્રાયલ અત્યારે ચાલી રહી છે. ડોક્ટર, શ્રદ્ધાના મિત્ર અને ડિલિવરી બોયની જુબાની લેવામાં આવી છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર, 27 નવેમ્બરે થયેલી પાછલી સુનાવણીમાં શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે જણાવ્યું હતું કે, તેઓ અઢી વર્ષથી તેમની દીકરીના અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યા છે. તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે, 2-3 મહિનામાં સજા થઈ જશે. 4-5 મહિના પહેલાં પણ તેમને એવું જ કહેવામાં આવ્યું હતું. જોકે, અઢી વર્ષ થયા આ મામલે કોઈ નિર્ણય આવી રહ્યો નથી.
આફતાબે બતાવેલી જગ્યા પરથી પોલીસે શ્રદ્ધાના શરીરના ટૂકડા જપ્ત કર્યા હતા, જે ફોરેન્સિક માટે મોકલાયા હતા. તેનું DNA શ્રદ્ધાના પિતા સાથે મેચ થયું હતું. મળેલ ટૂકડા હવે કેસ પ્રોપર્ટી છે, તેથી જ્યાં સુધી કેસનો ચુકાદો નહીં આવે, ત્યાં સુધી તે શ્રદ્ધાના પિતાને સોંપાશે નહીં. વિકાસ વોકરે કહ્યું હતું કે, તેમણે વિનંતી કરી હતી કે તેમાંથી કેટલાંક ભાગ એમને આપવામાં આવે જેથી તેઓ તેમની દીકરીના અંતિમ સંસ્કાર કરી શકે.
‘આફતાબને તેના કૃત્યોનો કોઈ પસ્તાવો નથી…’
તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ધરપકડ બાદ ઘણી વાર આફતાબને મળ્યા છે, જોકે, તેમણે આજ સુધી આફતાબના ચહેરા પર પસ્તાવાની એક રેખા પણ જોઈ નથી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે હું કોર્ટમાં આવું છું અને આફતાબને જીવતો જોઉં ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગે છે, મને ગુસ્સો પણ આવે છે, પણ હું શું કરી શકું? “ તેમણે આગળ કહ્યું, “જ્યારે તેને તેના કૃત્યોનો પસ્તાવો નથી, તો આવા માણસને જીવતો રાખવાનો શો ફાયદો. જો તેને ફાંસી આપવી જ હોય તો ઝડપથી થવી જોઈએ. અથવા લૉરેન્સ બિશ્નોઈ જેવા લોકોએ તેને ખતમ કરી દેવો જોઈએ.”
શું હતો શ્રદ્ધા હત્યા કેસ
આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે ગયા વર્ષે 12 નવેમ્બરે દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં તેના ભાડાના ફ્લેટમાં શ્રદ્ધા વાલ્કરની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના લગભગ 35 ટુકડા કરી દીધા હતા, જેને તેણે લગભગ ત્રણ અઠવાડિયા સુધી ઘરે 300 લિટરના ફ્રીજમાં રાખ્યા હતા. તે ઘણા દિવસો સુધી મધ્યરાત્રિએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકવા માટે જતો રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, બંને વચ્ચે દિવસે આર્થિક મુદ્દે ઝઘડો થતો હતો. એવી શંકા છે કે, પૂનાવાલાએ 18 મેની સાંજે બંને વચ્ચેના ઝઘડા બાદ 27 વર્ષીય શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. શ્રદ્ધા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈની રહેવાસી હતી. બંનેની મુલાકાત મુંબઈમાં ડેટિંગ એપ ‘બમ્બલ’ દ્વારા થઈ હતી. આ પછી બંનેએ મુંબઈના એક કોલ સેન્ટરમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. બાદમાં બંને દિલ્હી આવ્યાં હતાં.